Image: Facebook
સુરત પાલિકા દ્વારા શરુ કરવામાં આવેલી બસ સેવામાં વારંવાર જીવલેણ અકસ્માત બાદ પાલિકાએ ઝીરો એક્સિડન્ટ પોલીસી બનાવી હતી. પરંતુ આ પોલીસી કાગળ પર રહેતા જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે. હાલ થોડા દિવસ પહેલાં જ બસની અડફેટમાં એક મહિલાનું મોત થયા બાદ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ અકળાયા છે. તેઓએ આવા જીવલેણ અકસ્માત રોકવા માટે બસ એજન્સીને આકરો દંડ કરીને તે દંડ મૃતકોના પરિવારને આપવા માટેના નિયમો બનાવવા મૌખિક સૂચના આપી છે. આ ઉપરાંત આગામી સીટી લીંકની બેઠકમાં પણ આ નિયમ લાગુ પાડીને અકસ્માત અટકાવી શકાય તે માટેની કવાયત શરુ કરી છે.
થોડા દિવસ પહેલાં સુરતના અડાજણ વિસ્તારમાં મોપેડ સવાર એક મહિલાને સીટી બસ ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ફરી એક વખત પાલિકાની બસ સેવા વિવાદમાં આવી છે. 2023માં કતારગામ વિસ્તારમાં એક બસે એક સાથે દસ લોકોને અડફેટમાં લીધા હતા અને ત્રણ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ સીટી લિંક, પાલિકાના અધિકારીઓ અને શાસકો સાથે કોન્ટ્રાક્ટર વચ્ચે બેઠક થઈ હતી. જેમાં ઝીરો એક્સીડન્ટ પોલિસી બનાવવામાં આવી હતી પરંતુ જાહેર પરિવહન સેવા માટે સીટી લિંક એજન્સી બનાવી છે પરંતુ તેના કોન્ટ્રાક્ટરો પર પાલિકા કે શાસકોની કોઈ પકડ ન હોવાથી પાલિકા બસના ડ્રાઈવર બેફામ બસ દોડાવી અકસ્માત ફરીથી સર્જી રહ્યા છે અને ઝીરો એક્સીડન્સ પોલીસી કાગળ પર જ રહી ગઈ છે. જેના કારણે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે.
હાલમાં જ પાલિકાની બસ અડફેટમાં મહિલાએ જીવ ગુમાવ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, અકસ્માત અને અન્ય ભુલો માટે પાલિકા એજન્સીને દંડ ફટકારી રહી છે તેમ છતાં એજન્સી કે તેમનો સ્ટાફ સુધરતો નથી અને અકસ્માત અટકતા નથી. જો આવા જીવલેણ અકસ્માત અટકાવવા હોય તો જે એજન્સીનો ડ્રાઈવર અકસ્માત કરે તે એજન્સી પાસે મૃતકોના પરિવારને વળતર માટે આ રકમ પાલિકાએ વસૂલીને પરિવારને આપવી જોઈએ. કોઈ નિર્દોષ નો અકસ્માતે જીવ જાય તો તેનું વળતર પૈસા નથી પરંતુ મૃતકોના પરિવારને રાહત રહે તે માટે આ આર્થિક દંડ વધારવો જોઈએ તેવો મત તેઓએ વ્યક્ત કર્યો હતો.
આવો દંડ કરવામાં આવે તો અકસ્માતની સંખ્યા ઓછી થશે અને મૃતકોના પરિવારને આર્થિક સહાય પણ મળી રહેશે. આ અંગેની વાત તેઓએ સીટી લિંક ના વડાને કરી છે અને આગામી સીટી લિંકની બેઠકમાં આ પ્રકારના નિયમનો ઉમેરો થાય તે માટેની કામગીરી કરવાનો પ્રયાસ કરાશે.
ટિકિટ ન આપતા બસ કંડકટર ની એજન્સીને પણ વધુ પેનલ્ટી વસૂલ કરવી જોઈએ
સુરત પાલિકાની સીટી બસ હાઉસ ફુલ જઈ રહી છે તેમાં છતાં સીટી લિંક ખોટમાં જઈ રહી છે તેનું કારણ ટિકિટની થતી ચોરી છે. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે કહ્યું હતું કે ટિકિટી ચોરીમાં પેનલ્ટી કરવામા આવી રહી છે તેમ છતાં આ ચોરી અટકતી નથી તે હકીકત છે. તેથી પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર ચોરી પકડાય તો દંડની રકમ પણ વધતી રહેવી જોઈએ. આમ કરવાથી ટિકિટ ચોરી પર પણ લગામ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.