– નાનપુરાના ગુલામ હુસૈન ભોજાણી પર રૂ.20 હજારનું ઇનામ હતું : ત્રણ વર્ષથી ફરાર હતો, વિવિધ દેશોમાં ફર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયો
– સૌથી વધુ સમય ન્યુયોર્કમાં રોકાઈને મોટેલમાં રીસેપ્સનીસ્ટ તરીકે તેમજ દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરી હતી
સુરત, : સુરતની કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાતા ફરાર સાગરીત નાનપુરાનો ગુલામ હુસૈન ભોજાણી ત્રણ વર્ષ બાદ દુબઈથી ભારત આવતા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.રૂ.20 હજારનું જેના માથે ઇનામ હતું તે ગુલામ હુસૈન ભોજાણી ત્રણ વર્ષ અગાઉ ફરાર થયા બાદ ઈરાન, આફ્રિકા, સ્વીત્ઝરલેન્ડ, અમેરિકા, દુબઈમાં રહ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગતરાત્રે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગુલામહુસૈન હૈદરઅલી ભોજાણી ( ઉ.વ.56, રહે.સી,વીંગ, ફ્લેટ નં.301, ફીરદોસ ટાવર, ધનમોરા કોમ્પલેક્ષની સામે, અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત ) ને તે સ્પાઈસ જેટની દુબઈથી મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી ફ્લાઈટમાંથી બહાર આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરીટીની મદદથી ઝડપી લીધો હતો.નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને તેની ગેંગ વિરુદ્ધ વર્ષ 2022 માં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ગેંગ લીડર મોહમદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજજુ ગુલામ મોહમદ કોઠારી તથા ટોળકીના સભ્ય મોહમદ સમીર સલીમ શેખની 25 માર્ચ 2022 ના રોજ જયારે અલ્લારખા ગુલામમુસ્તુફા શેખની 21 ડિસેમ્બર 2023 ના રોજ વિરારથી ધરપકડ કરી હતી.જયારે ગુલામહુસૈન ભોજાણી ફરાર થઈ ગયો હતો.
ગુલામહુસૈન ભોજાણી સુરતથી દિલ્હી ખાતે જઈ ત્યાંથી ભારત દેશ છોડીને ઈરાન દેશમાં ધાર્મિક સ્થળ કુંમ ચાર માસ રોકાયો હતો.ત્યાર બાદ આફ્રિકાના માડાગાસ્કર ખાતે ચાર માસ રોકાઈ તે દુબઈમાં બે માસ રોકાયો હતો.ત્યાંથી જ્યુરીક સ્વીત્ઝરલેન્ડ થઈ અમેરિકાના ન્યુયોર્ક શહેર ખાતે પહોંચ્યો હતો.ત્યાં તે ક્વીઝ એરીયા વુડહેવનમાં રેડરૂફ મોટેલમાં રીસેપ્સનીસ્ટ તરીકે તથા ન્યુયોર્ક શહેરનાં લોંગ આઈલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.તેના માથે રૂ.20 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.તે અમરિકાથી વાયા દુબઈ મુંબઈ આવતા જ ઝડપાઈ ગયો હતો.તે ગુજસીટોક ઉપરાંત અઠવાલાઈન્સ પોલીસ મથકમાં નોંધાયલેયા ખંડણીના ગુનામાં પણ વોન્ટેડ હતો.