Surat : શિયાળો એટલે હેલ્થ બનાવવાની સિઝન કહેવાય છે. શિયાળામાં વસાણાં ખાવાથી આખા વર્ષ હેલ્ધી રહી શકાય તેવી કહેવામાં આવે છે. આ સિઝનમાં મીઠાઈની દુકાનવાળાઓ સાલમપાક જેવા વસાણા બનાવીને ધંધો કરે છે પરંતુ સુરતના કેટલાક સમાજની સંસ્થાઓ દ્વારા શિયાળામાં સાલમપાક જેવા વસાણા બનાવીને તેનું વેચાણ કરે છે. સાલમપાકનું રાહતદરે વેચાણ કરે છે અને તેના વેચાણના નફામાંથી વર્ષ દરમિયાન સમાજમાં વિધવા સહાય, શિક્ષણ સહાય મેડિકલ સહાય જેવી સહાય માટે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. શિયાળાની શરૂઆત થાય એટલે સુરત સહિત સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના વસાણા મોટી સંખ્યામાં ખવાય છે પરંતુ શિયાળો અને સુરતીઓનો સંગમ એટલે સાલમપાક બની જાય છે. સુરતમાં અન્ય વસાણા કરતાં સાલમપાક સૌથી વધુ ખવાતો પાક છે. સાલમપાક પ્રત્યે સુરતીઓ ક્રેઝી હોવાથી સુરતમાં સાલમપાક માત્ર મીઠાઈની દુકાનો જ નહીં પરંતુ વિવિધ સમાજના સંગઠનો પણ સાલમપાક બનાવીને પોતાના સમાજ કે ગ્રુપના લોકોને રાહત દરે આપી રહ્યાં છે. સુરતના ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા શિયાળાની સિઝનમાં 1100 કિલોથી વધુ સાલમપાક બનાવી તેનું રાહતદરે વેચાણ કરવામાં આવે છે. સંસ્થાના શૈલેષ જરીવાલા કહે છે, સમાજના લોકોમાં શિયાળામાં સાલમપાકની વધુ માંગ હોવાથી ક્ષત્રિય સમાજ દ્વારા સભ્યોની નિગરાની હેઠળ મોટી સંખ્યામાં સાલમપાક બનાવવામાં આવે છે. પહેલા સમાજના લોકોનો ઓર્ડર નક્કી કરવામાં આવે ત્યાર બાદ સમાજની વાડી કે અન્ય જગ્યાએ સામુહિક સાલમપાક બનાવી વેચાણ કરવામાં આવે છે. રાહતદરે સાલમ પાકનું વેચાણ કરીને જે નફો થાય છે તેનો ઉપયોગ સમાજના જરૂરતમંદ લોકો માટે કરવામાં આવે છે. જે નફો થાય છે તેનાથી વર્ષ દરમિયાન સમાજના જરૂરતમંદ લોકોને ઘઉં, ચોખા, તેલ, ખાંડ કઠોળ અને ચા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક મેડિકલ અને એજ્યુકેશન સહાય પણ આપવામાં આવે છે.
આવી જ રીતે શ્રી મોઢ પટણી સમાજ ટ્રસ્ટ દ્વારા પણ મોટી માત્રામાં સાલમપાક બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. સમાજના અગ્રણી મનોજ લોટવાળા કહે છે, મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓમાં શિયાળામાં સાલમપાકનો ઉપયોગ વધુ કરે છે મોટાભાગના લોકો શિયાળામાં તંદુરસ્તી માટે સાલમપાકનું સેવન કરે છે અને અમારા સમાજના લોકો સાલમપાક ઘણી ખુબીથી બનાવી શકે છે તેથી સંસ્થા દ્વારા સાલમપાક બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. સાલમપાકના વેચાણથી જે નફો થાય છે તેનો ઉપયોગ સમાજના લોકો માટે જ કરીએ છીએ. સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન શિબિર પણ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવા સાથે હાલ એજ્યુકેશન મોંઘું થયું છે તેથી સમાજના જે લોકોને મુશ્કેલી હોય તેવા વિદ્યાર્થીઓની ફીમાં મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત વિધવા સહાય, મેડિકલ સહાય તથા જરૂરિયાત મંદોને આર્થિક સહાય પણ કરવામા આવે છે.
આમ મૂળ સુરતીઓ શિયાળામાં સાલમપાકનો ઉપયોગ કરે છે તેના કારણે કેટલાક સમાજના ગ્રુપ દ્વારા સાલમપાક બનાવીને ઓછો નફો વેચાણ કરે છે અને તેનો ઉપયોગ સમાજના લોકો માટે જ કરે છે તેથી શિયાળામાં સાલમપાકના કારણે લોકોની હેલ્થ તો સુધરે છે તેની સાથે સાથે સમાજ દ્વારા સાલમપાકનું વેચાણ કરીને સમાજ સેવા માટે જે ફંડની જરૂરિયાત હોય તેનું બેલેન્સને પણ તંદુરસ્ત બનાવી રહ્યાં છે.
શિયાળામાં સુરતીઓના જમણવાર, પોંક પાર્ટી કે પરિવારના મિલન સમારંભમાં સાલમપાકનું સ્થાન
શિયાળામાં લોકો તંદુરસ્તી માટે સાલમપાકનો ઉપયોગ કરે છે પરંતુ દિવાળી બાદ દિવાળીથી ફેબ્રુઆરી સુધીના સમયમાં માત્ર સવારે જ નહીં પરંતુ સુરતીઓના જમણવાર, પોંક પાર્ટી કે પરિવારના મિલન સમારંભમાં સાલમપાકનું સ્થાન અચૂક જોવા મળે છે. દિવાળી પછી મેરેજ સિઝન આવે છે તેમાં મૂળ સુરતી ગણતી જ્ઞાતિઓના ભોજન સમારંભ હોય છે. તેમાં અન્ય મીઠાઈ સાથે સાથે સાલમપાક પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અનેક લોકો પોંક પાર્ટી રાખે છે તેમાં પણ મીઠાઈ ની જગ્યાએ સાલમપાકને સ્થાન મળી રહ્યું છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સ્યુગર ફ્રી સાલમપાક
શિયાળામાં સાલમપાક સાથે સુરતીઓ અનેક વસાણાં ખાઈ રહ્યાં છે મોટા ભાગના સુરતીઓના જીભે સાલમપાકનો સ્વાદ અટક્યો હોવાથી કડવો મેથીપાક કે અડદિયા ખાવાના બદલે સાલમપાક શિયાળામાં મોટા પ્રમાણમાં ઝાપટી જતા હોય છે. હાલની ઝડપી લાઈફના કારણે ઘણા ડાયાબીટીસના રોગનો ભોગ બન્યો છે પણ તેઓ શિયાળામાં સાલમપાક ખાવાનું ચૂકતા નથી પણ સાલમપાકમાં ખાંડનું પ્રમાણ હોવાથી ડાયાબીટીસના દર્દીઓ ગભરાઈ રહ્યાં છે તેથી હવે સુરતના બજારમાં ડાયાબીટીસના દર્દીઓ માટે સુગર ફ્રી સાલમપાકનું પણ વેચાણ થઈ રહ્યું છે. સુરતના બજારમાં સ્યુગર ફ્રી સાલમપાકનું વેચાણ થતું હોવાથી હવે ડાયાબીટીસના દર્દીઓ પણ સુગર ફ્રી સાલમપાક ખાઈ રહ્યા છે.