– રાબેતા મુજબ સાત વાગ્યે મૃતક ઘરે નહીં પહોંચતા પત્નીએ દિયરને જાણ કરીઃ નાનો ભાઇ શોધવા નીકળ્યો તો બાઇક નજીક લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો
– ગાર્ડની સાથે લોન અપાવવાનું અને ફાઇનાન્સનું પણ કામ કરતો હોવાથી નાંણાકીય લેતીદેતીમાં હત્યાની આશંકા
સુરત
હજીરા રોડના ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળના રસ્તા ઉપર સિક્યુરીટી ગાર્ડ યુવાનને બાઇક સવાર મોંઢા ઉપર માસ્ક અને માથા ઉપર ટોપી પહેરેલા ત્રણ અજાણ્યાએ ઉપરાછાપરી ચપ્પુના પાંચથી સાત ઘા મારી રહેંસી નાંખતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. ઓએનજીસી કોલોનીમાં ગાર્ડ ઉપરાંત લોન અપાવવાનું અને ફાયનાન્સનું કામ કરનારની હત્યા નાંણાકીય લેતીદેતીમાં થઇ હોવાની આશંકા સેવાય રહી છે.
હજીરા રોડના ભાટપોર ગામની નંદાલય રેસીડન્સીમાં રહેતો અને સન સિક્યુરીટી એજન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો રોહિતગીરી મકસુદનગીરી (ઉ.વ. 26 મૂળ રહે. રીયાવ ગામ, તા. ગંગાહા, ગોરખપુર, યુ.પી) ગત રાતે ઓએનજીસી કોલોનીમાં ડ્યુટી ઉપર ગયો હતો. પરંતુ આજે સવારે રાબેતા મુજબ સાત વાગ્યા સુધી પરત નહીં આવતા તેની પત્ની દેવજાનગીરીએ તેના દિયર કૌશલગીરી (ઉ.વ. 19 રહે. ટાટા મોર્ટસ શો-રૂમના વર્કર ક્વાર્ટસમાં, ભાટપોર) ને જાણ કરી હતી. જેથી કૌશલ પડોશીની બાઇક લઇ શોધવા નીકળ્યો ત્યારે ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપ પાછળથી ભાટપોર ગામ જવાના રોડ ઉપર રોહિતની બાઇક અને નજીક ગાલ, ગળા, બંને હાથ તથા પેટમાં ઇજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં મૃત જોતા ચોંકી ગયો હતો. આ અરસામાં ત્રણથી ચાર જણા ઉપરાંત ત્યાંથી ભેંસ ચરાવવા જનાર ગોવાળિયા સહિતનું ટોળું એક્ઠું થયું હતું. જેઓ એવી વાત કરી રહ્યા હતા કે સવારે મોંઢા ઉપર માસ્ક તથા માથા ઉપર ગરમ જેકેટની ટોપી પહેરેલા ત્રણ જણા આ યુવાન સાથે ઝઘડો કરી રહ્યા હતા. ઘટના અંગે ઇચ્છાપોર પોલીસને જાણ થતા તુરંત જ પીઆઇ એ.સી. ગોહિલ અને પીએસઆઇ કે.પી. જાડેજા સહિતનો સ્ટાફ ઘસી ગયો હતો અને અજાણ્યા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત ગાર્ડ તરીકે નોકરી કરવા ઉપરાંત લોન અપાવવાનું અને ફાઇનાન્સનું પણ કામ કરતો હતો. જેથી સંભવત લોન અથવા તો ફાઇનાન્સના ઝઘડામાં જાણકારે હત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
હત્યારા જે બાઇક ઉપર આવ્યા હતા તે ગત રાતે જ ચોરી થયું હતું
સિક્યુરીટી ગાર્ડ રોહિતગીરીની હત્યાનો ભેદ ઉકેલવા મથામણ કરી રહેલી પોલીસે સીસીટીવી ફુટેજ ઉપર તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસને કેટલાક સાક્ષી મળ્યા છે જેમણે રોહિત સાથે ત્રણેક જણા ઝઘડો કરી રહ્યા હતા. પરંતુ જેઓ ઝઘડો કરતા હતા તેમણે મોંઢા ઉપર માસ્ક અને માથા ઉપર ગરમ જેકેટની ટોપી પહેરેલી હોવાથી ઓળખ થઇ શકી નથી. જો કે ફૂટેજના આધારે પોલીસે બાઇક નંબર ટ્રેસ કર્યો હતો. પરંતુ પોલીસ બાઇક માલિક પાસે પહોંચી ત્યારે તે ગત રોજ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતુ.