Surat Shiv Sakti Textile Market Fire : સુરતના રીંગરોડ પર શિવ શક્તિ માર્કેટમાં આગ લાગ્યા બાદ માર્કેટની એન.ઓ.સી. વિવાદમાં આવી છે. ફાયર એન.ઓ.સી. માટે માર્કેટના સંચાલકો કે દુકાનદારોને બદલે ફાયરની એજન્સી ચલાવનારાએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. આ વિગતો બહાર આવ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે સંસ્થાનો સભ્ય જ ન હોય તેવી વ્યક્તિ અરજી કરે તો ફાયર એન.ઓ.સી. મળી શકે ? તેવો મોટો પ્રશ્ન ઉભો થવા સાથે આવી રીતે કેટલી ફાયર એન.ઓ.સી. આપી તે શોધવા માટે પણ માંગણી થઈ રહી છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ કરવા માટે સરકારે 200 જેટલી એજન્સીની નિમણુંક કરી છે. સુરતમાં પણ 20 જેટલી એજન્સી ફાયર એન.ઓ.સી. રિન્યુ કરી રહી છે. દરમિયાન શિવ શક્તિ ટેક્સટાઇલ માકેટમાં લાગેલી ભીષણ આગને કારણે ફાયર એન.ઓ.સી. રીન્યુ કરવાની કામગીરી વિવાદમાં આવી છે. આગ લાગી હતી તે શિવ શક્તિ માકેટની ફાયર એન.ઓ.સીની ઓનલાઈન અરજી માર્કેટના હોદ્દેદારો કે વેપારીઓ કરી જ ન હતી. ત્યારે હવે એવો પ્રશ્ન ઉભો થયો છે કે કોઈ સંસ્થાએ એન.ઓ.સી. લેવી હોય તો સંસ્થાના લેટર પેડ પર અરજી કરવાની હોય છે. પરંતુ શિવ શક્તિ માર્કેટના કેસમાં દિવ્યેશ ઢોલા નામના વ્યક્તિએ ફાયર એન.ઓ.સી. માટે ઓનલાઈન અરજી કરી હતી. અને એન.ઓ સી. આપનાર નિકુંજ પડસાળા અરજી કરનાર દિવ્યેશનો પાર્ટનર છે. એટલે આ કિસ્સામાં તારું મારું સહિયારુંની જેમ એન.ઓ.સી. આપવામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
સરકારે ફાયર એન.ઓ.સી. માટે નિયુક્ત કરેલા નિકુંજ પડસાલાએ જે ફાયર એન.ઓ.સી. આપી છે. તે તમામ સંસ્થાઓની ફાયર એન.ઓ.સીનું ચેકીંગ કરવામાં આવે તેની સાથે સાથે અન્ય એજન્સએ પણ ફાયર એન.ઓ.સી. આપી છે તે સંસ્થાની ફાયર એન.ઓ.સી. બરોબર આપી છે કે શિવ શક્તિ માર્કેટની જેમ દલાતરવાડી જેવો વહિવટ થયો છે કે નહી તેની પણ તપાસ કરવા માટેની માંગણી થઈ રહી છે.