– સીઝનલ ધંધાર્થીએ દિવાળીમાં હંગામી લાયસન્સ લીધા બાદ વધેલા રૂ.1.10 લાખના ફટાકડા દુકાનમાં જ મુકી રાખ્યા હતા
સુરત, : સુરતમાં ફટાકડા અને પતંગના વેચાણ માટે જાણીતા કોટ વિસ્તારના ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદારને લાલગેટ પોલીસે ઝડપી પાડી દુકાનમાંથી રૂ.1.10 લાખની મત્તાના ફટાકડા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરોજ સુરતમાં ફટાકડા અને પતંગના વેચાણ માટે જાણીતા કોટ વિસ્તારના ડબગરવાડ સ્થિત રુદ્ર સીઝનલ સ્ટોરમાં તપાસ કરતા ત્યાં લાયસન્સ વિના સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો મળ્યો હતો.પોલીસે દુકાનદાર જયદીપ ભરતભાઈ બારોટ ( ઉ.વ.28, રહે.બી/704, કિરણ પર્લ, ડીમાર્ટની પાસે, અમરોલી, સુરત ) ની પુછપરછ કરતા તે સીઝનલ ધંધો કરતો હોય દિવાળીના સમયે ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ લીધું હોવાનું જણાવ્યું હતું.
જોકે, સીઝન પુરી થતા વધેલા ફટાકડા ગ્રાહક નહીં મળતા તેણે દુકાનમાં મૂકી રાખ્યા હતા.લાલગેટ પોલીસે દુકાનમાંથી રૂ.1,10,500 ની મત્તાના ફટાકડા કબજે કરી આ અંગે ગુનો નોંધી જયદીપ બારોટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.