Surat : મ્યુનિ. કમિશ્નરે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1058 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં સ્થાયી સમિતિએ 44.50 કરોડનો વધારો કર્યો છે. સ્થાયી સમિતિ દ્વારા સુધારેલ બજેટમાં હવે શિક્ષણ સમિતિ માટે 1103 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે ભાજપ શાસકોએ બજેટ જાહેર કરવા સાથે શાસનાધિકારીની જગ્યા પુરાઈ જશે તેવો દાવો કર્યો પણ બીજું બજેટ આવી ગયું અને આજે પણ ઈનચાર્જ શાસનાધિકારીથી ગાડું ગબડાવવામાં આવે છે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સુરતથી આવે છે સુરત શિક્ષણ સમિતિનું બજેટ પણ 1100 કરોડને પાર કરી ગયું છે તેમ છતાં શિક્ષણ મંત્રીના હોમ ટાઉનની શિક્ષણ સમિતિમાં કાયમી શાસનાધિકારી કે કાયમી ઉપશાસનાધિકારીનો લાંબા સમયથી દુકાળ છે. ભાજપ શાસકોમાં ચાલતા આંતરિક રાજકારણના કારણે લાંબા સમયથી કાયમી શાસનાધિકારીની જગ્યા હજી કરવામાં આવી નથી આવી જ રીતે ઉપશાસનાધિકારીની જગ્યા પણ ભરવામાં આવી નથી. તેના સામે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1.70 લાખ વિદ્યાર્થીઓ છે અને વહિવટ માટે 1 કાયમી શાસનાધિકારી, બે નાયબ શાસનાધિકારી અને 14 ઉપશાસનાધિકારી કામ કરે છે,. સુરત પાલિકાના શાસકોમાં દીર્ઘ દ્રષ્ટિનો અભાવ હોવાથી શિક્ષણ સમિતિનો વહીવટ ખાડે જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો છે પરંતુ ભાજપ શાસકો કે સુરત પાલિકા અમદાવાદ શિક્ષણ સમિતિની પેર્ટન અપનાવે તો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણનું સ્તર વધુ સારુ થાય અને લાખો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થઈ શકે તેમ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક સ્કૂલ ખાનગી સ્કૂલોને ટક્કર આપી રહી છે અને કેટલાક શિક્ષકો સારી કામગીરી કરી રહ્યાં હોવાથી ખાનગી શાળામાંથી પાલિકાની શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ અગ્રેસર રહે છે તેમ છતાં પણ શિક્ષણ સમિતિનું વહિવટી તંત્ર તદ્દન નબળું છે. શિક્ષણ સાથે સંકળાયેલાને જ શાસનાધિકારી તરીકે કાયમી નિયુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
શિક્ષણ મંત્રીના હોમ ટાઉનમાં જ શિક્ષણ સમિતિની આવી હાલત છે અને ગત વર્ષે શાસકોએ દાવો કર્યો હોવા છતાં એક વર્ષથી કાયમી શાસનાધિકારી આપી શકતા ન હોવાથી 1.90 લાખ વિદ્યાર્થીઓના ભાવિ પર મોટો પ્રશ્ન આવી રહ્યો છે.