Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકા સ્પર્ધાથી બહાર છે અને લીગમાં સ્થાન મેળવી દીધું છે. પરંતુ હવે આગામી સ્પર્ધામાં પાલિકાના કર્મચારીઓની નબળી કામગીરીથી સુરત શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પીછેહઠ થઈ શકે છે. સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુટીમેશનના કોન્ટ્રાક્ટ ટેન્ડર ઓથોરિટી સમક્ષ રજુ ન થતાં કમિશ્નર અકળાયા હતા અને કામગીરી સાથે સંકળાયેલા નોડલ ઓફિસર બદલી કરી દેવામાં આવી છે અને નવા અધિકારીને જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત આ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓની જવાબદારીમાં પણ ફેરબદલ કરવામા આવ્યો છે.
ગત વર્ષે સુરત પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભોપાલ સાથે પહેલા નંબરે આવ્યું છે અને હવે સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માટે હવે સુરત સ્પર્ધામાં નથી, પરંતુ સ્વચ્છતા લીગમાં સ્થાન મળ્યું છે. આ માટે હવે સુરત પાલિકાએ પહેલા કરતાં પણ ડોક્યુમેન્ટેશનની કામગીરી વધુ સજાગતાથી કરવાની રહે છે. પરંતુ પાલિકાના કેટલાક કર્મચારીઓની નબળી કામગીરીથી સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને નુકસાન થઈ શકે તેવી શક્યતા છે.
સુરત પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રોફેશનલી ડોક્યુમેન્ટેશન પાછળ એક કરોડથી વધુ ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ડોક્યુમેન્ટેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે પરંતુ દિલ્હીની એજન્સીને જારો આપવા માટેના ટેન્ડર હજી સક્ષમ ઓથોરિટી સમક્ષ રજૂ થયા નથી. આવી નબળી કામગીરીની ફરિયાદ શાસકો સુધી પહોંચી હતી જેના કારણે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ એક્શનમાં આવ્યા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણની ડોક્યુમેન્ટેશનની કામગીરીમાં અતિશય વિલંબ થતાં સર્વેક્ષણની કામગીરીના પરિણામ પર માઠી અસર થઈ શકે તેવી શક્યતા છે. તેના કારણે મ્યુનિ. કમિશનરે કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો ઉધડો લીધો હતો. સાથે સાથે કામગીરી સાથે સંકળાયેલા આસિ. નોડલ અધિકારી ડો.સ્વપનીલ પટેલની બદલી સ્મીમેરના પી.એમ. વિભાગમાં કરી દીધી હતી. આસિ.નોડલ અધિકારી તરીકેની જવાબદારી હવે જૂનિયર મેડીકલ ઓફિસર ડો.પ્રકાશ પટેલને સોંપવામાં આવી છે, જ્યારે બે ડેપ્યુટી એમઓએચ ડો.રીતીકા પટેલ અને ડો.કેતન ગરાસિયાને તેમની હાલની જવાબદારી ઉપરાંત, સ્વચ્છ ભારત મિશનમાં નોડલ અધિકારી તરીકે ડો.પ્રદીપ ઉમરીગરના નેજા હેઠળ કામગીરી કરવાની રહેશે તેવા આદેશ કરી દીધા છે.