Surat Corporation : સુરત પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો છે. અગાઉ 63 કરોડ જેટલું નેગેટિવ પ્રીમિયમ આવતા ટેન્ડર દફતરે કરીને નવા મંગાવાયા હતા. હાલમાં આવાસ ખાલી થઈ ગયા છે અને ડિમોલીશન પણ ચાલું છે ત્યારે પાલિકા પર રી-ડેવલપમેન્ટ માટે પ્રેશર છે તેથી પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બહારનો રસ્તો બતાવ્યો છે, સ્થાયી સમિતિની બેઠકમાં માનદરવાજા ટેનામેન્ટ માટે દરખાસ્ત રજુ થઈ હતી, પરંતુ એજન્સીએ 191 કરોડનું નેગેટિવ પ્રિમિયમ ભરતા સ્થાયી સમિતિએ આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે. સુરત પાલિકા વિસ્તારમાં આવેલી માનદરવાજા એ,બી અને સી ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકોની રિ-ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017 થી સુરત મહાનગરપાલિકાએ ત્રણ વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. પાલિકાએ ત્રીજો પ્રયાસ કર્યો હતો તેમાં બે ટેન્ડર આવ્યા હતા. જેમાં રીડેવલપમેન્ટ માટે એક એજન્સીએ પાલિકા પાસે 132 કરોડ જ્યારે બીજી એજન્સીએ 192 કરોડની માગણી કરી હતી. જોકે, આવા પ્રોજેક્ટમાં પાલિકાને સામેથી ફાયદો થતો હોય છે પરંતુ નેગેટિવ પ્રિમિયમના કારણે રિવાઈઝ કરતા એજન્સીએ 132 કરોડથી ઘટાડીને 63 કરોડની ડિમાન્ડ કરતાં ફરીથી નેગેટિવ ટેન્ડર આવતાં આ ટેન્ડર દફતરે કરવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટ નેગેટિવ પ્રિમિયમના કારણે ઘોંચમાં પડ્યો હતો. ત્યારબાદ પ્રોજેક્ટ માટે પોઝિટિવ પ્રીમિયમ આવે તે માટે થઈ રહેલા પ્રયાસ કરવામા આવ્યા હતા. દરમિયાન આવાસ જર્જરિત થતાં ખાલી કરાવી ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આવા કિસ્સામાં પોઝિટિવ પ્રીમિયમ આવે તે મુજબની ગણતરી થઈ રહી હતી. દરમિયાન આ પ્રોજેક્ટ માટે પાલિકા પર પ્રેશર વધી રહ્યું છે તેના કારણે હાલ જે ટેન્ડર આવ્યા છે તે પહેલાં કરતા ત્રણ ગણા વધારે એટલે કે 181 કરોડ નેગેટ પ્રિમિયમ આવ્યું છે.
આ કામ માટે ટેન્ડરમાં લોએસ્ટ આવનારી એજન્સી ડી.એચ.પટેલ, સુરત દ્વારા પાલિકાના તૈયાર કરાયેલ 192.29 કરોડના અંદાજિત ટેન્ડર સામે 199.01 કરોડની સંભવિત ખર્ચની ગણતરી સાથેની ઓફર રજૂ કરી હતી. એજન્સી દ્વારા 199.01 કરોડના સંભવિત ખર્ચïનો અંદાજ રજૂ કરાયો ઉપરાંત પ્રોજેક્ટ રિડેવલપ કર્યા બાદ અંદાજે 165.89 કરોડની ડેવલપમેન્ટ માટે જગ્યા ઉપલબ્ધ થઈ રહે છે. એટલું જ નહીં નેગેટિવ પ્રીમિયમ અને વણવપરાયેલ ઍફઍસઆઈના 214.81 કરોડની રકમના ટીડીઆર મળી ઇજારદારને 380.70 કરોડની સંભવિત રકમ મળી શકે તેમ છે. એટલે કે ઍજન્સી દ્વારા જ રજૂ થયેલ 199.01 કરોડના ખર્ચના અંદાજની સાપેક્ષમાં ઍજન્સીને વાસ્તવિક ખર્ચ ઉપરાંત 181.69 કરોડ જેટલી વધારે રકમ મળવા જતી હતી.
જોકે, ટેન્ડર ભરનારી એજન્સી દ્વારા પાલિકાને આર્થિક રીતે ચુનો લગાડવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો હતો. જેમાં કેટલાક રાજકારણીઓ પણ સામેલ થયાં હતા. જોકે, આજે સ્થાયી સમિતિએ હિંમત ભર્યો નિર્ણય કરીને ડી.એચ.પટેલની ઓફર નકારી કાઢી ટેન્ડર દફતરે કરવા સાથે નવેસરથી તાત્કાલિક ટૂંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે.
નેગેટિવ ટેન્ડર હોય તો રાજ્ય સરકારની કમિટિ નિર્ણય કરે છે
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ આજે હિંમત ભર્યો નિર્ણય કરીને પાલિકાનું નાક દબાવી કરોડો રૂપિયા ઉસેટવાનો તખ્તો કરનાર એજન્સીને બહારનો રસ્તો બતાવી ટેન્ડર દફતરે કરી નવા ટેન્ડર બહાર પાડવા માટે સૂચના આપી છે. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, નેગેટિવ પ્રિમિયમ હોય તેવા કિસ્સામાં ટેન્ડર મંજુર કરવાની સત્તા રાજ્ય સરકારની છે અને આ કમિટિની બેઠક માટે વધુ સમય લાગી શકે અને અસરગ્રસ્તોને રાહ જોવી પડે તેમ છે તેથી આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટેન્ડર મંગાવવાનો નિર્ણય કરાયો છે.
માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા ભાજપ શાસકો અને પાલિકા તંત્ર પર ભારે દબાણ છે. આવા સમયે પાલિકાનું નાક દબાવીને ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ) અને નેગેટિવ પ્રીમિયમ સહિત અંદાજે 241 કરોડનો બોજો સુરત પાલિકાને માથે આવે તેવી ઓફર ડી.એચ.પટેલ કંપની દ્વારા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ સરકારના નિર્ધારીત નિયમ મુજબ પણ અંતિમ નિર્ણય ટેન્ડર મંજૂરી બાબતે લઇ શકે તેમ નથી. રી-ડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ યોજના 2016ના નિયમો મુજબ જે પ્રોજેક્ટના કિસ્સામાં નેગેટિવ બીડિંગ હશે તેવા પ્રોજેક્ટોને રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ કમિટી સમક્ષ યોગ્ય નિર્ણય અર્થે દરખાસ્ત રજૂ કરવી પડે છે. જોકે, હાલની ઓફર છે તે પાલિકાના આર્થિક હિતમાં નથી તેથી નવેસરથી ટેન્ડર ઈશ્યુ કરવા માટે સુચના આપવામાં આવી છે.