સુરત શહેરમાં વિવિધ રક્તદાન બેંક કામગીરી કરી રહી છે પરંતુ તેમનું સરવૈયું જોવામા આવે તો વેકેશન દરમિયાન આ બ્લડ બેંકમાં બેલેન્સ ઘણું જ ઓછું થઈ જતું હોય છે. આ ઓછા બેલેન્સ ના કારણે વેકેશન દરમિયાન લોહીની જરૂર વાળા આવતા દર્દીઓને લોહી માટે મુશ્કેલી પડે છે. વેકેશન દરમિયાન લોકો બહાર ફરવા જતાં હોય બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થાય છે તેના કારણે મુશ્કેલી પડે છે. જોકે, આ વર્ષે પણ બ્લડ બેંક અને કેટલીક સામાજિક સંસ્થાઓએ પાણી પહેલા પાળ બાંધી ને વેકેશન પહેલા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. જોકે, આ રક્ત પૂરતું નથી પરંતુ બ્લડ બેંક નું બેલેન્સ થોડું વધે છે તેવો પ્રયાસ કર્યો છે.
સુરતમાં હાલ દિવાળીનો માહોલ છે અને દિવાળી વેકેશન ઘણી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને કેટલીક જગ્યાએ હવે નજીકના દિવસોમાં વેકેશન પડશે. સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન સુરત અડધુ ખાલી થઈ જતું હોય છે તેના કારણે સુરતમાં રક્તદાન કેમ્પ ની સંખ્યા નહીવત જેવી થઈ જાય છે. વેકેશન દરમિયાન મોટાભાગના લોકો બહારગામ ફરવા કે વતન ગયા હોવાથી રક્તદાન પર અસર જોવા મળી રહી છે. આમ તો સુરતીઓ રક્તદાનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં દિવાળી વેકેશન દરમિયાન તેઓ ફરવા જતાં હોવાથી દર વર્ષે રક્તદાન કેન્દ્રમાં લોહીની અછત જોવા મળે છે. આવી સ્થિતિમાં કોઈ જરુરતમંદનો જીવ નહી જાય તે માટે કેટલીક સંસ્થાઓ સાથે મળીને બ્લક બેંક આગોતરું આયોજન કરે છે અને તેમાં થોડી સફળતા પણ મળે છે.
આવી સ્થિતિ નિવારવા માટે દિવાળી પહેલાના રવિવારે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરનારા સેલર યુથ ક્લબ ના આશિષ સેલર કહે છે, અમે ગુરુકૃપા વિદ્યાલય સાથે મળીને રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. તેમાં વધુને વધુ લોકો રક્તદાન કરે અને વેકેશન દરમિયાન દર્દીઓને લોહીની અછત ન પડે તેવો પ્રયાસ કરીએ છીએ. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી આ કેમ્પ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેના કારણે લોકોમાં વધુ જાગૃતિ આવી છે અને આ કેમ્પમાં 20 થી વધુ શિક્ષિકાઓએ રક્તદાન કરી સશક્તિકરણનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત કેમ્પમાં 25 થી વધુ દાતા એવા હતા જેઓએ 100થી વધુ વખત રક્તદાન ક4યું છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સુરતની આ સંસ્થા ઉપરાંત ધોડદોડ રોડ પર જૈન સમાજ દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જ્યારે ઝઘડિયા ખાતે, સચિન ખાતે અને યુનિવર્ત સીટી રોડ પર પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓએ વેકેશન પહેલા બ્લડ કેમ્પ નું આયોજન કરીને બ્લડ બેંક ની ચિંતા થોડી ઓછી કરી છે પરંતુ તે પૂરતી ન હોવાથી હવે વેકેશન દરમિયાન બ્લડની જરૂર પડે તો દાતા નો ઉપયોગ કરવામાં માટેની તૈયારી પણ બ્લડ બેંક કરી રહી છે.
વેકેશનમાં ફરવા જવા પહેલા રક્તદાન કરવા માટે શહેરની બ્લડ બેંકની અપીલ
દિવાળી વેકેશન દરમિયાન રક્ત ની અછત ના સર્જાય તથા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા શહેરની તમામ રક્તદાન બેંક દ્વારા આયોજન કરવામાં આવે છે તેના ભાગ રુપે દિવાળી પહેલાં વિવિધ સંસ્થાઓ સાથે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.
સુરત શહેરમાં ૧૯૭૬ થી સુરત શહેર તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું લોહી પુરૂં પાડનાર સુરત રક્તદાન કેન્દ્રના નિતેષ મહેતા રક્તદાતાઓને અપીલ કરતા કહે છે, દિવાળીના તહેવારો અને વેકેશનમાં માહોલને પરિણામે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનાં આયોજન ખૂબ જ ઓછા પ્રમાણમાં થતાં હોય છે જેને લીધે રક્તના વિવિધ ગ્રુપ ની અછત જોવા મળતી હોય છે. જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને લોહીની અછત અને સંપૂર્ણપણે નિવારી શકાય તે હેતુસર કેમ્પના આયોજન કરવા સાથે જે રક્તદાતાઓ બહાર ફરવા જતા હોય તેઓએ રક્તદાન કરીને ફરવા જવા માટે અપીલ કરી છે.