Surat Corporation : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનેક શાળા ભવન જર્જરિત થયાં છે અને તેના સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ હજુ પણ અનેક શાળાઓ રિપેરીંગની રાહ જોઈ રહી છે. જેમાં રાંદેર ઝોનમાં એક શાળાના જર્જરિત સ્ટ્રકચરલને દુર કરી રીહેબીલીટેશન માટે કવાયત શરુ થઈ છે જોકે, આવી સ્થિતિ છતાં પણ શહેરની 60 થી વધુ શાળના બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ છે. તેમ છતાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં પણ પાલિકા તમામ સ્કૂલમાં સોલાર પેનલ મુકવા ધખારા કરી રહી છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 1.90 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ સમિતિની કેટલીક શાળાઓ જર્જરિત થઈ ગઈ હોવાથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે ચકાસણી કરાવી હતી. જેમાંથી કેટલીક શાળાના સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સમિતિની શાળામાં હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, મરાઠી માધ્યમની શાળામાં શિક્ષકોની ઘટ પ્રશ્રોનો પણ હજી હાલ આવ્યો નથી. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે તેવી સમિતિની અનેક સ્કુલ છે તેની પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નથી તેમ છતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે આ મુદ્દે ભારે હોબાળો છે પરંતુ હજી સુધી શિક્ષણ સમિતિની કેટલીક સ્કુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નેગેટિવ છે તે આંકડા પણ જાહેર કરવામાં આવતા નથી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 30 જેટલી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સમય ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે. પાલિકાએ નોટિસ આપી હોવા છતાં હજી પણ આ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ સમિતિને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગે અનેક પત્ર લખવામાં આવ્યો છે. જોકે આવી સ્થિતિ છતાં પણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને અન્ય ખસેડવામાં આવ્યા નથી. આ દરમિયાન જુઓ સમિતિની શાળામાં કોઈ હોનારત થાય તો જવાબદારી કોની? આટલું જ નહી પરંતુ બિલ્ડીંગનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ હોય તો સમિતિ શાળાને જાણ કરતા નથી પરંતુ ઝોન દ્વારા જાણ કરવામાં આવે છે.
સુરત મહાનગર પાલિકાના હાલના બજેટમાં શિક્ષણ સમિતિની તમામ શાળા પર સોલાર પેનલ લગાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. જોકે સમિતિની 30 જેટલી સ્કૂલ એવી છે જેમાં સોલાર પેનલ તો શું પરંતુ વધારાની થોડું બાંધકામ થાય તો પણ વિદ્યાર્થીઓના માટે ખતરો છે. આવા સમયે તમામ શાળા પર સોલાર પેનલ લગાવવાની કામગીરી હવાઈ કિલ્લા જેવી છે. જેના કારણે શાળાની સમિતિની બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પહેલા યોગ્ય કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે.
શાસનાધિકારી-સમિતિના અધ્યક્ષની ઓફિસ છે તે બિલ્ડીંગની જ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નથી
સુરત સહિત ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઉભી કરવા તથા વિદ્યાર્થીઓને જર્જરિત વર્ગખંડમાં ન ખસેડવા તથા શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેની તાકીદ કરતો પત્ર સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મે-2024માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં સમિતિની 30 જેટલી શાળાની સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ છે. શાળાઓ તો ઠીક પરંતુ શિક્ષણ સમિતિની કચેરી છે તે બિલ્ડીંગનો રિપોર્ટ પણ નેગેટિવ છે.
સુરતમાં સમગ્ર શિક્ષા અભિયાનની સુરતની ઓફિસ જે બિલ્ડીંગમાં ચાલે છે તે બિલ્ડિંગની સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ છે. વર્ષ 2020માં સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમ છતાં સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસ સાથે તેના બાધકામને લગતી ઓફિસ પણ આ જ બિલ્ડીંગમાં હાલ પણ કાર્યરત છે. આ ઉપરાંત જુની સમિતિની ઓફિસ હતી તે ગોપીપુરાની બિલ્ડીંગનો રિપોર્ટ નેગેટિવ હતો તેને તોડી પાડવામાં આવી હતી અને આ ઓફિસ કાંસકીવાડ શાળામાં શિફ્ટ કરવામાં આવી હતી. આ ઓફિસમાં શિક્ષણ સમિતિના શાસક-વિપક્ષના સભ્યો, શાસનાધિકારી, કર્મચારીઓ, અધ્યક્ષ સહિતની ઓફિસ છે તે બિલ્ડિંગની પણ સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ છે.