Surat : સુરતની તક્ષશિલા અને શિવ શક્તિ માર્કેટની આગ દરમિયાન પાલિકાએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી કામગીરી કરી હતી. પરંતુ સુરતની સાંકડી ગલીઓમાં આવેલી પાલિકાની કેટલીક શાળા એવી છે જેમાં આગ લાગે ત્યારે કૂવો પણ ખોદાય નહીં તેવી સ્થિતિ છે. સુરત પાલિકા વિસ્તારની સાંકડી ગલીઓમાં પાલિકાની સંખ્યાબંધ સ્કૂલ જીવતા બોમ્બ જેવી બની ગઈ છે. આ સ્કુલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો સ્કુલ ચાલુ હોય ત્યારે દુર્ઘટના સર્જાય તો ફાયર ન પહોંચી શકે તેમ હોવાથી ભગવાન જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવી શકે તેમ છે. જો પાલિકા તંત્ર હજુ નહીં જાગે તો માસુમ બાળકોના માથે જોખમ રહેલું છે.
મ્યુનિ. કમિશ્નરે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1058 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં સ્થાયી સમિતિએ 44.50 કરોડનો વધારો કર્યો છે. સ્થાયી સમિતિ દ્વારા સુધારેલ બજેટમાં હવે શિક્ષણ સમિતિ માટે 1103 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં નવી શાળા શરુ કરવા માટે તો આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હાલની સ્થિતિમાં આગ લાગે કે દુર્ઘટના થાય તેવા સંજોગોમાં સાંકડી ગલીઓમાં આવેલી સ્કુલ માટે કોઈ વિચારણા કરવામાં આવી નથી. જેના કારણે પાલિકાના આઠ જેટલા મકાનમાં ચાલતી 18થી વધુ સ્કૂલો વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ છે.
પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નાણાવટ પંડોળની પોળમાં શાળા ક્રમાંક 145 મીઠુબેન પિટીટ પ્રાથમિક શાળામાં 202 વિદ્યાર્થી અને શાળા ક્રમાંક 147 ડો. જાકીર હુસેન ઉર્દુ મિશ્ર શાળામાં 535 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં જવા માટે બે રસ્તા છે પરંતુ તેમાં મારુતી વાન તો ઠીક પણ રીક્ષા પણ માંડ પસાર થઈ શકે તેવી સાંકડી ગલીઓ છે. આવી જ રીતે ગોપીપુરા જગુ વલ્ભની પોળમાં 128 અને 130 નંબરની શાળા જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. આ શાળામાં પણ પ્રવેશ માટે બે રસ્તા છે પરંતુ એકમાં પણ ફાયરના વાહનો કે એમ્યુલન્સ પસાર થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત ઉમરવાડા લો કોસ્ટ કોલોનીમાં એક જ કેમ્પસમાં શાળા નં. 234 ઉર્દુ માધ્યમ શાળામાં 1400 વિધાર્થીઓ, શાળા નં. 74 ઉર્દુ માધ્યમમાં 1150 વિધાર્થીઓની છે. આ શાળામાં મેદાન છે પરંતુ શાળામાં પ્રવેશ માટે રસ્તાઓ સાંકડા છે કે રીક્ષા અને બાઈક પણ સાથે પસાર થઈ શકે તેમ નથી. ઉમરવાડા લો કોસ્ટ કોલોનીમાં શાળા ક્રમાંક 190/191 ગુજરાતી માધ્યમ બન્ને શાળામાં 1400 વિધાર્થીઓ છે જ્યારે શાળા ક્રમાંક 192/193 ઉર્દુ માધ્યમ બન્ને શાળામાં 1100 વિધાર્થીઓ છે. આ ઉપરાંત લિંબાયત સંજય નગર અને મીઠી ખાડીઓમાં પણ સાંકડી ગલીઓમાં અનેક શાળા છે તેમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ સાંકડી ગલીઓમાં શાળા છે અને આગ કે અકસ્માતનો બનાવ બને તો આ શાળામાં ફાયર ફાયટર કે એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેમ નથી. જો અકસ્માત થાય તો હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભગવાન જ બચાવી શકે તેમ છે. આમ સુરત પાલિકા શિક્ષણ સમિતિની શાળા માટે 1103 કરોડ રૂપિયાની જોગવાઈ તો કરી છે પરંતુ આવી જોખમી શાળા માટે કોઈ આયોજન કરતી નથી જેથી વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે.
એક શાળામાં તો મોક ડ્રીલ વખતે ફાયર ફાયટર પણ પહોંચી શક્યું ન હતું
સુરતમાં આગની દુર્ઘટના બાદ સમયાંતરે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવે છે. પાલિકાની ઘણી શાળાઓમાં પણ મોકડ્રીલ કરવા સાથે વિદ્યાર્થીઓને માહિતી આપવામા આવે છે. થોડા સમય પહેલાં સેન્ટ્રલ ઝોનની સાંકડી ગલીમાં આવેલી શાળામાં મોકડ્રીલ માટે ફાયરની ટીમ પહોંચી હતી અને વિદ્યાર્થીઓ ભેગા પણ થયાં હતા. પરંતુ અનેક પ્રયાસો બાદ પણ ફાયર ફાયટર શાળા કેમ્પસમાં પહોંચી શક્યું ન હતું. જો મોકડ્રીલનું ફાયર ફાયટર પહોંચી ન શકે તો દુર્ઘટના થાય ત્યારે ફાયર વિભાગ બચાવની કામગીરી કઈ રીતે કરી શકે તે ચર્ચાનો વિષય છે.
લિંબાયતની નવી સ્કૂલમાં પણ ફોરવીલ માંડ જઈ શકે
સુરત પાલિકાએ નવી શાળા બનાવવાની શરૂઆત કરી છે તેમાં પણ લિંબાયત સંજય નગરમાં એક બિલ્ડીંગ નવું બનાવ્યું છે તેમાં પણ ચાર શાળા નવા સત્રથી શરૂ કરાશે. પાલિકાએ હાલ જ બિલ્ડીંગ બનાવ્યું છે અને તે પણ બે પાળીમાં ચાર શાળા શરૂ થશે. આ શાળા જુની શાળાની જગ્યાએ બનાવી છે પરંતુ તે પણ ગીચ વિસ્તારમાં છે અને આ શાળામાં પણ ફોરવ્હીલ માંડ જઈ શકે તેવી હાલત છે.
પાલિકાની 30 થી વધુ શાળામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નથી
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 30 જેટલી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સમય ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે. પાલિકાએ નોટિસ આપી હોવા છતાં હજી પણ આ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ સમિતિને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગે અનેક પત્ર લખવામાં આવ્યો છે. જોકે આવી સ્થિતિ છતાં પણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને અન્ય ખસેડવામાં આવ્યા નથી. આ દરમિયાન જુઓ સમિતિની શાળામાં કોઈ હોનારત થાય તો જવાબદારી કોની? આટલું જ નહી પરંતુ બિલ્ડીંગનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ હોય તો સમિતિ શાળાને જાણ કરતા નથી પરંતુ ઝોન દ્વારા જાણ કરવામાં આવે છે.