Surat : હાલના ડીજીટલ યુગમાં હજી પણ પેટ્રોલ પંપ અને દૂધના ધંધામાં તોલમાપમાં છેતરપીંડી થઈ રહી છે. આ છેતરપીંડી અટકાવવા માટે સુરત પાલિકાની શાળાના બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્માર્ટ મેઝરમેન્ટ મશીનનું મોડેલ બનાવ્યું છે. આ પ્રકારનું મોડેલ ગાડીઓમાં ફીટ કરવામાં આવે તો પેટ્રોલ પંપ અને ડેરીમાં ઉપયોગ કરવામાં આવે તો દુધના ધંધામાં થતી છેતરપીંડી અટકી શકે છે તેવો દાવો આ બાળ વૈજ્ઞાનિકોએ કર્યો હતો.
સુરત જિલ્લાના વિજ્ઞાન મેળા માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા પણ ભાગ લેવામા આવ્યો હતો. જેમાં વિરામ નગર વેડરોડ પર આવેલી શાળા ક્રમાંક 178 ના બાળ વૈજ્ઞાનિકોએ આધુનિક સમયમાં તોલમાપમાં થતી છેતરપીંડી રોકવા માટે મોડેલ બનાવ્યું હતું. સમર્થ પાંડવ અને શુભમ રાવલ દ્વારા મોડલ માટે માર્ગદર્શક પ્રજ્ઞેશ જોશી અને આચાર્ય વર્ષા પટેલના માર્ગદર્શન હેઠળ અણીતા ખાતે યોજાયેલા વિજ્ઞાન મેળામાં કૃતિ રજ કરી હતી અને તેને ચોથો ક્રમ પણ મળ્યો હતો.
આ બાળ વૈજ્ઞાનિકોએ કૃતિ અંગે કહ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ પંપ પર ડિજિટલ કાંટા હોવા છતાં પણ કેટલીક જગ્યાએ છેતરપિંડી થતી હોવાની ફરિયાદ આવે છે. અમે જે મોડેલ બનાવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવે તો આ છેતરપિંડીથી બચી શકાય છે. તેમ કહીને તેઓએ જણાવ્યું હતું, હાલમાં કોઈપણ ટુવિલર કે ફોરવીલ ગાડીમાં ગાડીની સ્પીડ માટે આંકડાકીય માહિતી હોય છે પરંતુ મીટર પેટીમાં પેટ્રોલ માટે માત્ર લીટા (કાપા)જ હોય છે પરંતુ ચોક્કસ કેટલા લીટર કે મિલી લીટર પેટ્રોલ છે તે હજુ સુધી કોઈપણ ગાડીમાં જોવા મળતું નથી. આ યંત્ર જો ગાડીની ટેન્કમાં લગાવવામાં આવે તો તેનાથી પેટ્રોલ કેટલા મિલી લિટર કે લિટર છે તે આંકડાકીય માહિતી સરળતાથી મળી શકે છે. અને પોતાની કારમાં કે વાહનમાં પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા કેટલું પેટ્રોલ પુરવામા આવ્યું છે તેનો સચોટ આંકડો પણ મળી જતાં છેતરપિંડીથી બચી શકાય છે.
આવી જ રીતે સસ્તા અનાજની દુકાનોમાં પણ વેપારીઓ દ્વારા કાર્ડ પર કેરોસીન કે અન્ય વસ્તુઓ માપલાથી આપવામાં આવે છે તેમાં કટ હોવાની ફરિયાદ થઈ રહી છે. પરંતુ આ મોડલ જેવું યંત્રનો ઉપયોગ રેશનકાર્ડની દુકાન અને દુધ મંડળી જેવા સ્થળોએ પણ થઈ શકે છે. રેશનકાર્ડની દુકાનમાં જે માપિયા વડે કેરોસીન માપવામાં આવે છે તે સાચા છે કે ખોટા તે આ યંત્રના ઉપયોગથી જાણી શકાય છે. અને જો ખોટું માપ હોય તો તરત જ ખબર પડી જાય છે તે માટેનો પ્રયોગ દર્શાવ્યો હતો.