સુરત ભાજપના વોર્ડ નં 18 ના જાહેર થયેલા ઉમેદવારને અભિનંદન આપવામાં ભાજપના શહેર પ્રમુખ અને શહેરના મહામંત્રીએ લોચો માર્યો છે. જેના કારણે ઉમેદવારની અટકથી શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી અજાણ હોવાનું ટીખળ શરૂ થઈ ગઈ છે.
સુરત ભાજપના વોર્ડ નંબર 18 માટે 19 કાર્યકરોએ દાવેદારી કરી હતી પરંતુ દાવેદારોને બદલે દાવેદારી કરી ન હતી તેવા જીતેન્દ્ર કાછડને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપ કાર્યાલય ખાતે તેમને અભિનંદન અપાયા હતા. ત્યાર બાદ ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ઘનશ્યામ ઈટાલીયા ( કાળુ ભીમનાથ) સોશિયલ મીડિયા પર અભિનંદન આપતી પોસ્ટ કરી છે જેમાં જીતેન્દ્ર કાછડ ના બદલે જીતેન્દ્ર કાછડીયા લખ્યું છે જ્યારે અન્ય નેતાઓએ જીતેન્દ્ર કાછડ લખ્યું છે. જેના કારણે શહેર પ્રમુખ અને મહામંત્રી જ ઉમેદવારની અટક થી અજાણ હોવાની ટીખળ થઈ રહી છે. કેટલાક એવું કહે છે કે કાછડ આહીર સમાજ માંથી આવે છે જ્યારે કાછડીયા પાટીદાર છે આ ભેદ પણ ભાજપના નેતાઓ ભુલી ગયાં છે.