PM Modi Visits Surat : સુરત શહેરમાં આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યાં છે અને એક રાત્રીનું રોકાણ પણ કરશે તેની સાથે રોડ શો માટે પણ આયોજન થઈ રહ્યું છે. વહીવટી તંત્ર અને ભાજપ તડામાર તૈયારીમાં લાગ્યું છે ત્યારે સુરત કોંગ્રેસે સુરતની કથળતી જતી વ્યવસ્થા મુદ્દે રજુઆત કરવા માટે વડા પ્રધાનના સમયની માંગણી સાથેનો પત્ર લખ્યો છે.
સુરત કોંગ્રેસ દ્વારા લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે હાલમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહેલ છે. તેમજ ઘણા રત્નકલાકારઓ મંદીના કારણે આત્મહત્યા કરી રહ્યા છે પાલિકાની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બાળક પડ્યો અને તેનું મૃત્યુ થયું છે તેને હજી ન્યાય મળ્યો નથી અને જવાબદાર અધિકારીની ધરપકડ થઈ નથી તેથી તેમને ઝડપી ન્યાય મળે અને ભવિષ્યમાં હીરા ઉધોગમાં મંદીના કારણે કોઈ રત્ન કલાકાર આત્મહત્યા ન કરે તે માટે ઉપરાંત હાલમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી તે અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનની મુલાકાત માટે સમય ફાળવે તેવી માંગણી કરવામાં આવી છે.