Surat Corporation : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં રાજ માર્ગ પર ચોક બજારથી ભાગળ વિસ્તારમાં રોડની બંને તરફ દબાણની સમસ્યા વધી રહી છે. આ વિસ્તારમાં કેટલાક દુકાનદારો જ પોતાની દુકાન બહાર લારીગલ્લા પાથરણાવાળાને ઉભા રાખી ભાડા વસુલી દબાણ કરી રહ્યાં છે. પહેલા માત્ર દિવસે જ દબાણ થયા હતા હવે રાત્રી દબાણના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. આ અંગેની વ્યાપક ફરિયાદ બાદ ગઈકાલે જાહેલા તંત્રએ રાત્રીના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે સેન્ટ્રલ ઝોનના લોકો ત્રાહિમામ છે ત્યારે હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે તેના કારણે સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારથી ભાગળના વિસ્તારમાં રોડની બંને તરફ ફૂટપાથ અને રોડ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરનારા ફેરિયાઓના દબાણ થઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સામાં વેપારીઓ પોતાની દુકાન બહારનો ફૂટપાથ અને રોડ પર લારી કે પાથરણાવાળા ઉભા રહે છે તેની પાસે ભાડું વસુલતા હોય છે. આ દબાણને કારણે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આ અંગેની ફરિયાદ સતત થઈ રહી છે પરંતુ દબાણ કરનારા માથાભારે હોવાથી પાલિકા તંત્રએ કોઈ કામગીરી કરી નથી પરંતુ હાલમાં મળેલી સંકલન બેઠકમાં આ અંગે આક્રમક ફરિયાદ કરવામાં આવી હતી.
જેના પગલે ગઈકાલે રાત્રે પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા અઠવા અને ચોક બજાર પોલીસનો બંદોબસ્ત લઈને રાજમાર્ગ પર બંને તરફના દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. જોકે, કેટલીક જગ્યાએ માથાભારે દબાણ કરનારાઓએ વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે દબાણ દુર થઈ શક્યા હતા. જોકે, આ દબાણ કરનારા માથાભારે હોવાથી દબાણ એક બે દિવસ હટશે કે કાયમી તે અંગે અનેક અટકળો થઈ રહી છે.