Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે તેથી પાલિકાએ પણ હાલ અપૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે આજે મંગળવારે એક હોસ્પિટલ, ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ, ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે.
ગઈકાલે પાલિકાએ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. ઉધના ઝોનમાં એક, કતારગામ ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 14 અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારીને વહેલી તકે ફાયર સેફટીની સુવિધા-એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરી હતી.
ત્યારબાદ આજે પાલિકાએ બીજા દિવસે પણ કામગીરી શરુ કરી હતી મંગળવારે મોડી રાત્રીથી બુધવારે સવાર સુધીમાં પાલિકાના સેન્ટ્રલ, ઉધના એ અને બી કતારગામ અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મેડિકલ સ્ટોર, બે ગોડાઉન અને એક કોમ્પ્લેક્ષ સાથે એક બેઝમેન્ટ સીલ કરી હતી. આ ઉપરાંત કતારગામ ઝોનમાં બે હોટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા તે પણ સીલ કરી હતી. ઉધના એ અને બી ઝોનમાં એક હોસ્પિટલ અને એક હોટલ તથા એક રેસ્ટોરન્ટ સીલ કરી હતી. પાલિકાના કતારગામ ઝોનમાં એક આર્કેડ સીલ કરાયું તેમાં 68 દુકાન અને સેન્ટ્રલ ઝોનમાં એક કોમપ્લેક્ષ સીલ કરાયું તેમાં 17 દુકાનનો સમાવેશ થાય છે. જ્યારે ઉધના ઝોનમાં હોસ્પિટલ છે તે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે.