Surat : સુરત શહેરમાં સતત બીજા દિવસે પાણીપુરીવાળાઓને ત્યાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાની ટીમે પાંડેસરા-ઉધના અને પુણા સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે ત્યાંની હાલત જોઈ પાણીપુરી પ્રેમીઓની ઉંઘ ઉડી જાય તેમ છે. સુરતીઓ ભારે ટેસથી આરોગે છે તે પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝુંપડપટ્ટી હોવાનું બહાર આવ્યું છે. આ દરોડા દરમિયાન સડેલા બટાકા અને હલકી ગુણવત્તાના ચણા સહિતની સામગ્રી દ્વારા પાણીપુરીનો મસાલો બનાવવામાં આવતો હોવાનું બહાર આવવા સાથે બટાકાની સાથે જ પ્લાસ્ટિકની થેલીમાં જ ચણા બાફવામાં આવતા હોવાનું પણ પાલિકાની ટીમને ધ્યાન પર આવ્યું છે.
સુરતમાં ગરમી સાથે સાથે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે રોગનું મૂળ અખાદ્ય વાતાવરણમાં પાણીપુરીની પુરી અને મસાલો બનતો હાવનું બહાર આવ્યું છે. જેના કારણે પાલિકાએ સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવાની કામગીરી ચાલુ રાખી હતી. આજે દિવસ દરમિયાન પાલિકાએ ઉધના, પુણા કુંભારીયા અને પાંડેસરા સહિતનાં વિસ્તારોમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સડેલા બટાકા અને હલ્કી ગુણવત્તાનાં ચણા સહિતની સામગ્રીઓ દ્વારા પાણીપુરીનો મસાલો બનાવવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવતાં પાલિકાની ટીમ દ્વારા આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બટાકાની સાથે જ પ્લાસ્ટિકની થેલીમાં જ ચણા બાફવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળતાં આરોગ્યની ટીમ ચોંકી ઉઠી હતી.