Surat Hit and Run: દેશભરમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં ત્રણ દિવસમાં તો ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાની હારમાળા બની છે. એવામાં સુરતમાં ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ડમ્પરચાલકે 12 વર્ષના બાળકને કચડ નાંખ્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. હાલ, પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદની તંદૂર હોટેલમાં નસરીનની હત્યાનો મામલો, પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપ્યો
શું હતી સમગ્ર ઘટના?
સુરતના સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે 12 વર્ષના બાળકને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ડમ્પરચાલકે રિવર્સ લેતા સમયે પાછળથી પસાર થઈ રહેલાં આશિષ નિશાદ નામના બાળકને કચડી નાંખ્યો હતો. જોકે, બાળક નીચે કચડાઈ ગયુ હોવા છતાં ડમ્પર ચાલકે ફરી ડમ્પર આગળ લીધું અને બાળકને બીજીવાર પણ કચડી નાંખ્યું હતું.
મૃતક બાળક |
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, આ સીસીટીવી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. બાળકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ છે અને પોતાના દીકરાની મોત બદલ કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ હજુ સુધી ડમ્પર ચાલકને પકડી શકી નથી.