Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં અત્યારથી જ બોર્ડની પરીક્ષાનો ડર કરવા માટે વરાછાની એક શાળા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની પેર્ટન અત્યારથી જ ખબર પડે તે માટે આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં ઉત્તરવહી અને હોલ ટિકિટમાં બારકોડનો ઉપયોગ કરવામા આવ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આવતીકાલથી ધોરણ 6થી 8ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં વરાછાની શાળા ક્રમાંક 132 માં આ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની જેમ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારના પ્રયોગ અંગે આચાર્ય હિતેશ મુંજાણી કહે છે, શાળામાં ઉત્તરવહીમાં બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જે રીતે હોલ ટિકિટ આપવામાં આવે છે તે પ્રકારની હોલ ટિકિટ આપવામાં આવી છે. આ હોલ ટીકીટ પ્રમાણે જ તેઓને પરીક્ષાની બેઠક વ્યવસ્થા તથા અન્ય માહિતી મળી રહે છે. આ પ્રકારની પરીક્ષાના કારણે આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે તે પધ્ધતિથી વાકેફ થાય અને બોર્ડની પરીક્ષાનો ડર પણ નિકળી શકે છે.
આ પ્રકારની પરીક્ષા લેવાતી હોવાથી સમિતિના સભ્ય વિનોદ ગજેરા સ્થળ પર પહોંચ્યા હતા તેઓએ આ શાળાની પરીક્ષા પદ્ધતિ થી પ્રભાવિત થયાં છે. તેઓએ કહ્યું છે કે આ નવરત પ્રયોગના કારણે સમિતિના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં SSC તેમજ HSC તેમજ હાયર એજ્યુકેશનમાં જવા માટે પરીક્ષા બેઠક વ્યવસ્થા પદ્ધતિની જાણકારી સરળતાથી થઈ શકશે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડની પરીક્ષાનો ડર ચોક્કસ ઓછો થશે.