Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં કામ કરતાં કર્મચારીઓ સિનિયર થાય તેમની સાથે તેમને પ્રમોશન મળે છે. સુરત પાલિકાએ પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ છેલ્લે 2017માં જાહેર કર્યું હતું. ત્યારબાદ આ લિસ્ટના આધારે જ પ્રમોશન આપવામાં આવતું હતું. જોકે આ રીતે આપવામાં આવતા પ્રમોશનમાં કેટલાક વિવાદ ઉભા થયાં હતા. તેમ છતાં નવેસરથી લિસ્ટ જાહેર કરવામા આવતું ન હતુ. હાલ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા આઠ વર્ષ બાદ પાલિકાના પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ 1 જાન્યુઆરી 2025ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ લિસ્ટ ફાઈનલ થયાં બાદ હાલમાં જે વિવાદ થાય છે તે વિવાદ ઓછો થાય તેવી ગણતરી થઈ રહી છે.
સુરત પાલિકાના મહેકમ વિભાગ દ્વારા ભૂતકાળમાં 2017માં પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્ય સરકારમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારનું લિસ્ટ જાહેર કરવામા આવે છે. પરંતુ પાલિકાના અધિકારીઓની આળસના કારણે 2017 બાદ લિસ્ટ બનાવવામાં આવ્યું નથી કે જાહેર પણ કરવામાં આવ્યું નથી જેના કારણે જ્યારે પણ પ્રમોશન થાય છે ત્યારે કેટલાક વિવાદ ઉભા થાય છે. આ વિવાદ અટકાવવા માટે 1 જાન્યુઆરી 2025 ના રોજ સુરત પાલિકાના મહેકમ વિભાગ દ્વારા પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાલિકાના મહેકમ વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આવેલી વહીવટી, ટેકનીકલ, આરોગ્ય તથા અન્ય જુદી-જુદી કેડરોમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓનું આજની સ્થિતિ પ્રમાણેનું પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ ભાગ-1 પ્રાથમિક જાહેર કરવામા આવશે. આ લિસ્ટ બાદ કર્મચારી- અધિકારીઓએ ચકાસણી કરવાની રહેશે અને જો કોઈ ક્ષતિ હોય કે સુધારા વધારા હોય તો સાત દિવસમાં જે તે ઝોન કે વિભાગીય વડાને તેમના વાંધા આપી દેવાના રહેશે. આ વાંધા સૂચનો પર વિભાગ દ્વારા પુરાવાના આધારે વાંધાઓની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ સમય મર્યાદામાં આવેલ વાંધા અરજી અંગે મ્યુનિ. કમિશ્નર વિચારણા કરી તે અંગે યોગ્ય તે આદેશ કરશે, અને વાંધા અરજીઓનો નિયમાનુસાર નિકાલ થયેથી આ પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટને કાયમી કરવાની જાહેરાત કરવામાં આવશે.
પાલિકાના 10200 કર્મચારીઓને આ લિસ્ટ સીધી અસર કરશે
સુરત પાલિકાના ભૂતકાળના મહેકમ વિભાગ દ્વારા વર્ષ 2017 થી અત્યાર સુધી પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટની જાહેર કર્યું ન હતું જેના કારણે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટિને પ્રમોશન માટે મુશ્કેલી થતી હતી. જોકે, હાલમાં પ્રાથમિક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે 10200 કર્મચારીઓને સીધી અસર થશે.
સુરત પાલિકા મહેકમ વિભાગની કામગીરી ભારે વિવાદમાં આવી હતી. જેમાં કેટલાક વિભાગમાં પ્રમોશન મુદ્દે ભારે હોબાળો થયો હતો. પ્રમોશન વખતે કેટલીક પોસ્ટ પર અન્યાય થતો હોવાની ફરિયાદ પણ થતી હતી. જેનું કારણ પાલિકાના મહેકમ વિભાગમાં વર્ષોથી એક જગ્યાએ ચીટકી ગયેલા અધિકારીઓ હતા. આ અધિકારીઓ દ્વારા પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું જેથી સમસ્યા થતી હતી. આઠ વર્ષના લાંબા ગાળા બાદ પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટની જાહેર કરવામાં આવ્યું છે તેની સીધી અસર 10200 કર્મચારીઓને કાયમી થશે.
સુરત પાલિકામાં વર્ષ 1-થી 4ના કર્મચારીઓની 1 જાન્યુઆરી 2025નું પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ
વર્ગ
|
કેડરની સંખ્યા |
કર્મચારીઓની સંખ્યા |
વર્ગ- 1 |
19 |
46
|
વર્ગ – 2 |
82 |
793
|
વર્ગ –3
|
130 |
6604
|
વર્ગ- 4
|
17 |
2757
|
કુલ |
248 |
10200 |