Surat Corporation : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના હક્કો માટે લડતા યુનિયનો દ્વારા હવે સુરત પાલિકાના અધિકારીઓના વિભાગની ફાળવણીનો વિરોધ અને ભલામણ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળે વિવિધ મુદ્દાઓને આગળ કરીને મહેકમ વિભાગના વડા અને આસી. કમિશનરની બદલી મહેકમ વિભાગથી અન્ય વિભાગમાં કરવા માંગણી કરી છે. યુનિયનો દ્વારા મ્યુનિ. કમિશનર દ્વારા ફાળવવામાં આવતા વિભાગ અને અધિકારીઓને સોંપવામા આવતી જવાબદારી સામે પ્રશ્નો ઉઠાવતા આ મુદ્દો અધિકારીઓની આંતરિક રાજકારણનો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સુરત મહાનગરપાલિકાના વહીવટી સરળતા માટે પાલિકા કમિશનર દ્વારા સમયાંતરે અધિકારીઓની બદલી કરવા સાથે અધિકારીના ખાતા પણ ફેર બદલ કરવામાં આવે છે. વિભાગ અને ઝોનની કામરીની સોંપણીનો આખરી નિર્ણય અને કાર્યક્ષેત્ર મ્યુનિ. કમિશનરનું હોય છે. થોડા સમય પહેલા મ્યુનિ. કમિશ્નરે વર્ષોથી એક જ જગ્યા પર જામી ગયેલા અધિકારીઓની બદલી કરવા સાથે સરકારમાંથી આવેલા અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી છે. મ્યુનિ. કમિશનરે કરેલી આ કામગીરી બાદ અધિકારીઓમાં રાજકારણ શરુ થઈ ગયું હતું. જોકે, આ લડાઈ ખુલીને બહાર આવતી ન હતી, પરંતુ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળે મ્યુનિ. કમિશનરને કર્મચારીઓની વિવિધ સમસ્યા અને તેના તાકીદે નિરાકરણની રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં આશ્રિતને નોકરી, તાલીમાર્થીઓનો પગાર, કર્મચારીઓની ફરજ મોકુફી, વોર્ડબોય-આયાની ભરતી સહિત અનેક રજુઆત કરીને આ કર્મચારીઓને ન્યાય મળે તેની માંગણી કરી હતી.
જોકે, તેની સાથે સાથે યુનિયનો દ્વારા મ્યુનિ. કમિશ્નરે અધિકારીઓને ફાળવેલા ખાતા અને ખાતાના અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ રજૂઆતમાં એવું કહેવાયું હતું કે, સરકારમાંથી આવેલા ડે.કમિશ્નરશ્રી આર.બી.ભોગાયતા પાસેથી મધ્યસ્થ મહેકમ વિભાગનો હવાલો પરત લઈને સ્થાનિક મહેકમ ખાતાની કામગીરીના જાણકાર અધિકારીને આપવામાં આવે. આ ઉપરાંત મધ્યસ્થ મહેકમ વિભાગના આસી. કમિશ્નરશ્રી અજય ભટ્ટની મહેકમ ખાતામાંથી બદલી કરો તેવી માંગણી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે પાલિકાના વહીવટી સરળતા માટે સોંપવામાં આવેલા વિભાગ સામે વાંધો ઉઠાવ્યો છે તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાતાની સોંપણીનો અધિકાર અને જવાબદારી મ્યુનિ. કમિશનરની છે તેવામાં યુનિયનો દ્વારા તેના પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને જો 14 દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેના કારણે યુનિયનો દ્વારા અધિકારીઓના ખાતા બદલવા માટે કરવામાં આવેલી માંગણીની રજૂઆત સુરત પાલિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે.