સુરત જ નહી પરંતુ દક્ષિણ ગુજરાતના લોકો માટે પ્રાણી- પક્ષીઓ અને પર્યાવરણની માહિતી સાથે મનોરંજન પીરસતું પાલિકાનું નેચર પાર્ક મુલાકાતીઓ માટે ફેવરિટ બની ગયું છે. દર વર્ષે સરેરાશ દસ લાખ લોકો આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સુરત પાલિકાના નેચર પાર્ક માં 25 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ અને બાળકોની સંખ્યા નોંધપાત્ર છે.
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, બનાવવામાં આવ્યો છે.
આ નેચર પાર્ક માં 24 પ્રજાતિના 128 પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. સુરત પાલિકાનું નેચર પાર્ક મુલાકાતીઓ માટે હોટ ડેસ્ટીનેશન છે અને તેમાં પણ વેકેશન અને તહેવારના દિવસોમાં હાઉસ ફુલ જાય છે જેના કારણે દર વર્ષે 10 લાખ મુલાકાતીઓ આવી રહ્યા છે.
આ અંગે માહિતી આપતા ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાજેશ પટેલે કહ્યું હતું, છેલ્લા ત્રણ વર્ષમાં 25 લાખ મુલાકાતીઓ નેચર પાર્ક માં આવ્યા છે. જેના કારણે વર્ષ 2022માં 9.41 લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેમાં 2.56 કરોડની આવક થઈ હતી. વર્ષ 2023માં 8.78 લાખ પ્રવાસીઓ અને 2.76 કરોડની આવક, 2024માં અત્યાર સુધીમાં 6.22 લાખ પ્રવાસીઓ અને 1.74 કરોડની આવક થઈ છે.
પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ની માર્ગદર્શિકા અનુસાર નેચર પાર્ક માં કામગીરી કરવા સાથે પ્રાણીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. મુલાકાતીઓનો રસ સતત રહે તે માટે પાલિકાના નેચર પાર્ક માં સુરતથી વાપી સુધીની શાળાઓના આશરે 2 લાખ વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાત લઈ રહ્યાં છે.
પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિના પટેલ કહે છે, પ્રાણીસંગ્રહાલય નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપવામાં આવે છે. ઉપરાંત, વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ, અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધા પણ રાખવામાં આવે છે.