Surat News: સુરતમાં એક વ્યક્તિ દ્વારા કોમી એકતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સ્ટાર ટ્રેક નામના કોચિંગ ક્લાસ દ્વારા આ પ્રક્રિયા થતી હોવાનું સામે આવ્યું છે. આ કોચિંગ ક્લાસ તરફથી મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરી કોમી એકતા ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી સુલેમાન શેખ એક સરકારી શાળાનો આચાર્ય છે અને પોતાના જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડાને લઈને આ પત્રિકા વાઈરલ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતમાં સુલેમાન શેખ નામનો કટ્ટરવાદી વ્યક્તિ સ્ટાર ટ્રેક નામથી ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યો હતો. જેની આડમાં તે મુસ્લિમ બાળકોને કોઈ ચોક્કસ કોમ વિરુદ્ધ ભડકાવતો હતો. જેના માટે તેણે એક પત્રિકા પણ બહાર પાડી હતી. આ પત્રિકામાં તેણે ઘણી ભડકાવનારી વાતો કહી મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિસ્થિતિ વણસે તે પહેલાં જ સુરત પોલીસે આ શખસને પકડી પાડ્યો છે.
આ પણ વાંચોઃ 22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત
સરકારી શાળામાં આચાર્ય છે આરોપી
સુરતની લિંબાયત પોલીસે સુલેમાન શેખની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીનો દાવો છે કે તેનો તેના જમાઈ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેનું વેર વાળવા માટે તેણે આ કૃત્ય કર્યું હતું. પોલીસને આ વાત હજુ ગળે ઉતરતી ન હોવાથી વધુ તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, આ સુલેમાન શેખ એક સરકારી શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દીશામાં પણ તપાસ કરાઈ રહી છે.
પત્રિકામાં શું લખ્યું છે?
આ પત્રિકામાં સુલેમાન શેખે ધોરણ 1 થી 12 ના ટ્યુશન સાથે અન્ય સેવાઓના લાભ વિશે જાણકારી આપી હતી. જેમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
ટ્યુશન સાથે અન્ય સેવા આપવાની જે વાત પત્રિકામાં કરાઈ છે તેમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક, ભાજપ, આર.એસ.એસ, બજરંગ દળ, શિવસેના જેવા સંગઠનોને ઉખાડી ફેંકવા, પોતાના બાળકોની બજરંગ દળ તેમજ અન્ય સંગઠનોથી બચવાની ટ્રીક, દર મહિને આલીમે દીન સાથે ચર્ચા, મુસ્લિમ પર્સનલ લૉનો ઉપયોગ, કુરાન શરીફ શીખવવું, આદમ સેનામાં જોડાવવું, તેમજ શરીયા કાયદા વિશે માહિતી આપવાની વાત હતી. આ સાથે આ ક્લાસમાં ફક્ત મુસ્લિમ બાળકોનો જ પ્રવેશ થઈ શકશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી. પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો, કે ટ્યુશનની ફીના 20 ટકા નાણાં ધર્મના કામમાં વાપરવામાં આવશે.