Surat News: સુરતની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે વાલીએ આરોપ લગાવ્યો હતો કે, શાળાની ફી સમયસર ન ભરવાના કારણે વિદ્યાર્થિનીને શાળાના સંચાલકો દ્વારા જાહેરમાં શિક્ષા કરી અપમાનિત કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો છે. જોકે, બીજી બાજુ શાળા તરફથી આ વાતને નકારી દેવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શાળાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે વાત ખોટી અને પાયાવિહોણી છે. અમે ફી બાબતે વિદ્યાર્થીઓને કંઈ કહેતા નથી, ફક્ત વાલી સાથે જ વાત કરીએ છીએ. જોકે, સમગ્ર મુદ્દે વિદ્યાર્થિનીની માતાએ ફોનનો ઓડિયો જાહેર કરી શાળા સંચાલકોના દાવાની પોલ ખોલી દીધી છે.
ઓડિયા દ્વારા ખૂલી પોલ
નોંધનીય છે કે, વિદ્યાર્થિનીના આપઘાત બાદ શાળાના સંચાલકોએ ફી મુદ્દે વાલીના આક્ષેપોને નકારી હાથ ખંખેરી દીધા હતાં અને ફી મુદ્દે કોઈ દબાણ ન કરવાનો દાવો કર્યો હતો. બાદમાં વિદ્યાર્થિનીની માતાએ શાળાના આચાર્ય દ્વારા કરાયેલા ફોન કૉલનો ઓડિયા જાહેર કર્યો હતો. આ ઓડિયોમાં આચાર્યએ જાતે સ્વીકાર્યું છે કે, વિદ્યાર્થિનીની ફી ન ભરાઈ હોવાના કારણે તેને પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવી.
આ પણ વાંચોઃ વડોદરામાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પર આવેલી ડમ્પિંગ સાઈટથી લોકો પરેશાન : GPCBમાં રજૂઆત
આ સિવાય વિદ્યાર્થિનીના આપઘાત પહેલાંના શાળાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થિનીને સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી. પહેલાં વિદ્યાર્થિનીને લેબમાં એક ટેબલ પર બેસાડવામાં આવી હતી અને બાદમાં તેને એકલી નીચે બેસાડી દેવાઈ હતી. ઓડિયો અને સીસીટીવી ફૂટેજે શાળા સંચાલકોની પોલ ખોલી દીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ કોટામાં અમદાવાદની છોકરીએ આપઘાત કર્યો, 22 દિવસમાં 5મી ઘટના, NEETની તૈયારી કરતી હતી
શિક્ષણ વિભાગે હાથ ધરી તપાસ
વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે DEO ની સૂચના બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે. DEO દ્વારા વર્ગ-2ના 5 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ તપાસ કમિટી દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે DEO કચેરીના અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને DEO ને સુપરત કરવામાં આવશે. તપાસ ટીમ સીસીટીવી પણ ચેક કરી રહગી છે. સમગ્ર રિપોર્ટ સામે આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.