Theft in Surat: સુરતના ગોપીપુરા હનુમાન ચાર રસ્તા સ્થિત આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમમાં અઠવાડિયા અગાઉ ત્રાટકેલા બુકાનીધારી બે ચોરે એટીએમનું વોલેટ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ફ્રી ફાયર ગેમમાં 14 હજાર રૂપિયા હારી જતા સગીરે મિત્ર સાથે ચોરીનો પ્રયાસ કરનારને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે.
ગોપીપુરા હનુમાન ચાર રસ્તાની ઘટના
મળતી માહિતી અનુસાર, ગોપીપુરાના હનુમાન ચાર રસ્તા સ્થિત આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાં પહેલી જાન્યુઆરીની વહેલી સવારે ચોર ત્રાટકયા હતા. જેકેટ અને મોંઢા ઉપર બુકાની બાંધેલા બે ચોર હાથમાં બેગ લઈ ઘૂસ્યા હતા અને બેગમાંથી કોઇક સાધન કાઢી એટીએમનું વોલેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નહીં ખુલતા બેગમાંથી હથોડો કાઢી વોલેટ ઉપર ત્રણથી ચાર વખત હથોડો માર્યો હતા. પરંતુ વોલેટ નહીં ખુલતા હથોડા વડે એટીએમના સીસીટીવી કેમેરા તોડી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, હેશટેગ લૉકડાઉન વાઈરલ: સરકારે કહ્યું- ગભરાશો નહીં
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતા 19 વર્ષીય અંગત મોરે અને તેના સગીરે મિત્રને ઝડપી પાડયો હતો. અંગતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, ‘ઓનલાઈન ફ્રી ફાયર ગેમમાં 14 હજાર રૂપિયા હારી જતા આ પૈસાની ચુકવણી કરવા અને વધુ પૈસા મેળવવાની લાલચમાં મારા સગીર મિત્ર સાથે બાઈક ચોરી કરી તેના ઉપર સવાર થઈ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યા હતો.’