Surat Corporation : સુરતના વરાછા વિસ્તારમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખના લાંચ કેસમાં વિપક્ષના કોર્પોરેટર સામે વરાછા ઝોનના અધિકારીઓ સામે પણ શરુ થતા કેટલાક અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર મંજુરી વિના જ રજા પર ઉતરી ગયાં છે તેમનો ચાર્જ હજી કોઈને સોંપાયો નથી.તેની સાથે જ ઝોનલ ચીફ પણ રજા પર ઉતરી ગયા છે. જેના કારણે પાલિકાના વરાછા ઝોનનો કોઈ ધણી ધોરી જ નથી તેવો ઘાટ ઉભો થયો છે. સુરત પાલિકામાં હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે અને દિવાળીની રજામાં અનેક અધિકારીઓ રજા પર ચાર્જ સોંપવા માટે અધિકારીઓને શોધવા પડે તેવો ઘાટ થઈ રહ્યો છે.
સુરત પાલિકાના વરાછા એ ઝોન એસીબીની કામગીરીના કારણે વિવાદમાં આવ્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે વિપક્ષના કોર્પોરેટરે લાંચ માંગી હોવાની ફરિયાદ બાદ એસીબીની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેના કારણે પાલિાકના વરાછા એ ઝોનના કાર્યપાલક ઈજનેર કે.એલ.વસાવા પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના જ 22 દિવસ કરતાં વધુ સમયથી રજા પર ઉતરી ગયાં છે. જોકે, આ અંગે ઝોનલ ચીફે તંત્રમાં કોઈ રજૂઆત કરી નથી જેના કારણે તેમનો ચાર્જ કોઈને સોંપવામાં આવ્યો નથી. દરમિયાન ઝોનલ ચીફ ભગવાગરે અગાઉથી રજા મંજુર કરાવી હોય તેની મંજુરી બાદ તેઓ પણ રજા પર ઉતર્યા છે. આ ઉપરાંત હાલમાં દિવાળીની રજામાં અનેક અધિકારીઓ રજા પર છે તેના કારણે હવે વરાછા એ ઝોનનો ચાર્જ કોને સોંપવો તે પ્રશ્ન ઉભો થયો છે. હાલમાં કાર્યપાલક ઈજનેરનો ચાર્જ સોંપાયો નથી તેવામાં ઝોનલ ચીફનો ચાર્જ માટે પણ અધિકારીઓ સોંપવા પડે તેવી હાલત છે જેના કારણે પાલિકા વરાછા ઝોન ભગવાન ભરોસે બની ગયો છે. તો બીજી તરફ વરાછા બી ઝોનના ઝોનલ ઓફિસર પણ રજા પર ઉતરી ગયાં છે. તેથી વરાછા ઝોનમાં લોકોની અનેક સમસ્યાનો હલ થવા સામ પણ પ્રશ્નો ઉભા થયા છે.