Surat Corporation : સુરત પાલિકાના ઉધના ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલર યુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીના કારણે પાલિકાના બમરોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 50 ટકા સુધીની ઘટી ગઈ છે. આ અંગે ભારે હોબાળો થયાં બાદ ઉધના ઝોન દ્વારા 200થી વધુ મિલકતો સીલ કરી છે. આ સાથે પાલિકાએ જીપીસીબીને પત્ર લખીને કેમિકલ છોડતા ઉદ્યોગો જીપીસીબીના શરતોનું પાલન કરતા નથી તેવું જણાવ્યું છે અને તેની સાથે ઉદ્યોગો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલર યુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડતા એકમોના સેમ્પલ લેવાયા છે તેમાં નિયત પેરામિટરની મર્યાદા જણાતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા અને જીપીસીબીના આંખ આડા કાન કરવાની નીતિના કારણે ફરીથી સુરતના કેટલાક ઉદ્યોગો દ્વારા પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યાં છે. પાલિકા દ્વારા આવા એકમો સામે કોઈ પગલાં નહીં ભરાતા ફરીથી 2019 જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ડ્રેનેજમાં કેમિકલ અને એસિડવાળું પાણી આવતું હોવાથી પાલિકાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મશીનરીમાં ખામી સર્જાઈ રહી છે. 2019 માં પ્લાન્ટમાં મશીનરી બગડી હતી તો હજુ રીપેર થઇ નથી અને પાછી સમસ્યા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ઉધના ઝોન વિસ્તારમાં કેમિકલવાળું પાણી આવવાના કારણે બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 50 ટકા સુધીની ઘટી ગઈ હતી.
આ ઘટના બાદ પાલિકાના ઉધના ઝોને 200થી વધુ મિલ્કતો સીલ કરવા સાથે સાથે ડ્રેનેજના પાણીના સેમ્પલ લીધા હતા. જેમાં ઉદ્યોગ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલર યુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડતા હોવાનું બહાર આવ્યું હતું. આ કામગીરી બાદ ઉધના ઝોન દ્વારા જીપીસીબીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ઉધના ઝોન વિસ્તારમાં બમરોલી ડાઇંગ મિલો, વિવિધ પ્રિન્ટિંગ મિલો અને તપેલા ડાઇંગ દ્વારા જીપીસીબીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. વિસ્તારમાં કેટલી પ્રિન્ટિંગ મિલો અને તપેલા ડાઈંગ મિલો ગેરકાયદેસર રીતે સુરત મહાનગરપાલિકાને ડ્રેનેજ લાઇનમાં જીપીસીબીના નિયમો મુજબ ટ્રીટમેન્ટ કર્યા વગર જ દૂષિત કેમિકલ મિશ્રિત પાણી છોડવામાં આવે છે. જેમાંથી કેટલાક એકમોના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને તે સેમ્પલો પાલિકાની લેબમાં તપાસ કરતા જીપીસીબીના નીતિ નિયમો અનુસાર ન હોવાનો પણ સામે આવ્યું છે. આ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન કરતી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ તથા તપેલા ડાઈંગ કલોઝર નોટિસ ઇસ્યુ થાય તે મુજબની ઘટિત કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં લીગલ સેલ પાસે આ પ્રકારની ગેરકાયદેસર કાર્યવાહી કરનારા એકમો વિરુદ્ધ કાયદાકીય અભિપ્રાય માંગવામાં આવ્યો છે અને લીગલ સેલના અભિપ્રાય બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.