Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપ-આપ બન્નેના કોર્પોરેટરોની સંપૂર્ણ ચકાસણી કરી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગત સભામાં તમામ ચકાસણી બાદ પ્રવેશ અપાયો હતો તેવી જ રીતે આજની સભામાં પણ ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો. જોકે, આજે વિપક્ષના એક કોર્પોરેટર ડાયરી લઈને જતા હતા તેની ચકાસણી કરવાનો આગ્રહ સિક્યુરીટી સ્ટાફે રાખતાં વિપક્ષી કોર્પોરેટર અકળાયા હતા અને ડાયરીની ચકાસણી નહી કરવા દેવાની વાત કરી હતી. જોકે, આ મુદ્દે સિક્યુરીટી સ્ટાફ પણ મક્કમ હોવાથી થોડી ચકમક ઝરી હતી.
સુરત પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા કેટલાક વખતથી વિપક્ષ દ્વારા જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બે બોર્ડમાં તો વિપક્ષ મંજીરા વગાડતા હતા. બોર્ડમાં મંજીરા લાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ શાસકોની સુચનાથી ચીફ સિક્યોરિટી ઓફિસરનું ઈન્ક્રીમેન્ટ અટકાવ્યું હતું અને ત્યાર બાદ સિક્યુરિટી ઓફિસરને પગાર કાપી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાસકોના ઈશારે પાલિકાના અધિકારીઓએ એક નોંધ મૂકી છે તેમાં સામાન્ય સભામાં પ્રવેશ પહેલા સાધન-સામગ્રી લઇ જવા પર પ્રતિબંધનો મુકવામાં આવ્યો છે જેના પગલે ગત સભામાં ભાજપ-આપ બન્ને પક્ષના કોર્પોરેટરોને ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ગત વખતની જેમ જ આ બોર્ડમાં પણ તમામ કોર્પોરેટરોની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન વિપક્ષના એક કોર્પોરેટરો સભા શરૂ થઈ તેના થોડા સમય બાદ આવ્યા હતા. આ કોર્પોરેટરના ખિસ્સા ચકાસણી કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ કોર્પોરેટરના હાથની ડાયરી ચકાસણી માટે માંગતા કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો. તેઓએ ડાયરી ક્યા નિયમ હેઠળ ચકાસણી કરે છે તે જાણવા માંગણી કરી હતી. જોકે, સિક્યુરીટી સ્ટાફ કોઈ પણ ચકાસણ વિના પ્રવેશ મળશે નહીં તેવી વાત કરી હતી. આ મુદ્દે રકઝક ચાલી હતી અને આચાર સંહિતા હોવાથી બોર્ડ પુરી થઈ ગયેલી જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિપક્ષી કોર્પોરેટર વિરોધ પ્રદર્શન માટે બંગડી ડાયરીમાં મુકીને લાવ્યા હોવાની વાત બહાર આવી છે અને તેના કારણે જ તેઓ ડાયરીની ચકાસણી કરવા દેતા ન હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.