Surat : સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ મુકાયા છે પરંતુ તેના નિયમોનો ભંગ પાલિકાની બસ સેવાના ડ્રાઈવર જ કરી રહ્યાં હોવાની ફરિયાદ છે. પાલિકાની સંખ્યાબંધ બસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમાંથી હાલમાં બે બસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સિગ્નલ તોડીને પુર ઝડપે દોડતી હોવાનો વિડીયો સાથેની ફરિયાદ બાદ પાલિકાએ બસ એજન્સી ઈવે ટ્રાન્સને 11 હજારનો દંડ કરવા સાથે નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે તાકીદ કરી છે.
સુરત પાલિકાની સીટી-બીઆરટીએસ બસ સંચાલકો સતત વિવાદમાં રહે છે. તેમાં પણ પાલિકાએ જે એજન્સીને કામગીરી સોંપી છે તે એજન્સીના કર્મચારીઓ છાસ વારે ટ્રાફિકના નિયમો તોડતા હોવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકાની દોડતી બસ અકસ્માત કરવા સાથે ડેન્જર ડ્રાઈવિંગ માટે કુખ્યાત છે. પાલિકાને મળેલી ફરિયાદ બાદ પાલિકાએ પાલિકાએ બસ એજન્સી ઈવે ટ્રાન્સને અનેક વખત સૂચના આપી છતાં અમલ થતો નથી. જેના કારણે આ એજન્સીના ડ્રાઈવરો બેફામ બસ દોડાવે છે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે અને લોકોના જીવ જોખમમાં મુકતા પાલિકાની ઈમેજને ફટકો પડી રહ્યો છે.
સીટી લિંક દ્વારા એજન્સીને વારંવાર કડક સૂચના આપવામાં આવી
દરમિયાન રૂટ નંબર-21 (જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ થી અલથાણ ટર્મિનલ ડેપો) બસ નંબર E-77(GJ05CU6424) અને E-102(GJ05CU7152) પત્રકાર કોલોની પાંડેસરા નજીક ડ્રાઈવર દ્વારા ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરી બસ હંકારી બસ ઓપરેશનના સમયગાળા દરમિયાન બેદરકારી ભર્યા ડ્રાઈવિંગ કરતા હોવાની ફરિયાદ વિડીયો ફૂટેજ સાથે ફરિયાદ કરવામાં આવી છે. આ વિડીયોમાં બસ ડ્રાઈવર દ્વારા ટ્રાફિક સિગ્નલ તોડવા સાથે પૂરઝડપે બસ હકારતા નજરે પડે છે. આવા પ્રકારની અનેક ફરિયાદ હોય સીટી લિંક દ્વારા એજન્સીને વારંવાર કડક સૂચના આપવામાં આવી હોવા છતાં એજન્સી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે આવા બનાવ બની રહ્યા છે.
રાહદારીઓના જાન-માલને જોખમ
પાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી જણાવ્યું છે કે,ગુજરાત સરકાર જાહેર પરિવહન વિભાગના ટ્રાફિક નિયમો અનુસાર સિગ્નલ લાઈનના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બસ હંકારી કાઢવામાં આવેલ જે બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. તેમજ તેના કારણે પેસેન્જરો તેમજ અન્ય રાહદારીઓના જાન-માલને જોખમ હોય છે તે બદલ તે અર્થે રૂ.5000/- મળીને બનાવદીઠ કુલ 5500 રૂપિયા લેખે બે બનાવ માટે 11 હજારનો દંડ આપના બિલમાંથી વસુલવામાં આવશે.
જોકે, આ તો વિડીયો સાથે ફરિયાદ થઈ હોય તેવી બે બસ છે પરંતુ શહેરના મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ પર રેડ સિગ્નલ હોવા છતાં અનેક બસ ઉભી રહેતી નથી અને તેના કારણે અન્ય વાહન ચાલકોને જોખમ રહેલું છે. પાલિકાએ શહેરમાં હજારો કેમેરા લગાવ્યા છે તેનો ઉપયોગ કરી ચકાસણી કરે તો રોજ આવા નિયમનો ભંગ કરતા બસ ચાલક નજરે પડી શકે તેમ છે.