– રાકેશ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુકેશ નામથી વાપરતો હતો : ગુનો નોંધાતા ફરાર રાકેશ નાકરાણી ભોપાલમાં સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરી કારીગરના દસ્તાવેજો ઉપર સીમકાર્ડ મેળવી વાપરતો હતો
– અમદાવાદથી ઝડપાયેલા રાકેશ નકારાણીએ મિત્રો પાસેથી પૈસા લઈ પરિચિતોને વ્યાજે પૈસા આપ્યા હતા પણ પૈસા પરત નહીં આવતા દેવું થયું હતું
સુરત, : સુરતમાં સાઈટ સુપરવાઈઝરની નોકરી દરમિયાન મિત્રો પાસેથી પૈસા લઈ પરિચિતોને વ્યાજે પૈસા આપનાર અને તે પૈસા પરત નહીં આવતા થયેલું કરોડોનું દેવું ચૂકતે કરવા બે પરિચિતની બે કાર લઈ ગીરવે મૂકી ફરાર યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ વર્ષે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.પોલીસથી બચવા યુવાન ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ અન્ય નામ ધારણ કરી વાપરતો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સેડુભા ગામના વતની અને સુરતમાં પાસોદરા ખાતે ઓમ રો હાઉસમાં રહેતા રાકેશ મનુભાઈ નાકરાણીએ તેના બે પરિચિતની અર્ટિગા અને ફોર્ચ્યુનર કાર મેળવી ગીરવે મૂકી પરત કરી નહોતી.આ અંગે બંને કારમાલિકે કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2017 માં અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી.આથી રાકેશ ભાગી ગયો હતો.છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ રાકેશ નાકરાણી અમદાવાદમાં બિલ્ડરની સાઈટ ઉપર સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેવી હકીકત સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ જઈ બાતમીદારોની મદદથી તેના અંગે માહિતી એકત્ર કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રાકેશ સાબરમતી ખાતે ગાંધીવાસમાં બનતા પ્રધાનમંત્રી આવાસના બિલ્ડીંગ ઉપર હાજર છે.આથી ક્રાઈમ બ્રાન્ચે તેને ત્યાં જઈ ઝડપી લીધો હતો.
હાલ અમદાવાદ મોટેરા તપોવન સર્કલ પાસે મોટેરા ઈન હોટલમાં રહેતા રાકેશની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સુરતમાં સાઈટ સુપરવાઈઝરની નોકરી કરતો હતો તે દરમિયાન મિત્રો પાસેથી પૈસા લઈ પરિચિતોને વ્યાજે પૈસા આપવાનું કામ વર્ષ 2015 માં શરૂ કર્યું હતું.જોકે, તેણે જેમને પૈસા આપ્યા હતા તેમણે મુદ્દલ અને વ્યાજ પરત નહીં કરતા તેના માથે કરોડોનું દેવું થઈ ગયું હતું.આથી તેણે વર્ષ 2016 અને 2017 માં બે પરિચિતની બે કાર લઈ ગીરવે મૂકી પરત નહીં કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધાતા ભાગી ગયો હતો.સુરતથી ભાગીને તે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ભોપાલ ગયો હતો.ત્યાં પોલીસથી બચવા માટે તે સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરી કારીગરના દસ્તાવેજો ઉપર સીમકાર્ડ મેળવી વાપરતો હતો ઉપરાંત તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ મુકેશ નામ ધારણ કરી વાપરતો હતો.