Scam In Competitive Exam Recruitment : ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયાનો દાવો કરાયો છે. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કૉલેજમાં વન સેવા મહાવિદ્યાલય BRSમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ધરમપુરના પૂર્વ કૉર્પોરેટરના પુત્રને 210માંથી 210 માર્ક મળ્યા હોવાના આક્ષેપ કરાયા છે.
વધુ એક ભરતીમાં કૌભાંડનો દાવો
રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે કે, સિનિયર ક્લાર્કની ભરતીમાં ધરમપુરના પૂર્વ કૉર્પોરેટરના પુત્ર જયદીપસિંહ પરમારે ભષ્ટ્રાચારથી નોકરી મેળવી છે. આ ભરતીમાં કુલ 63 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 32 ઉમેદવારો હાજર રહ્યા હતા. જાહેર કરાયેલી પેપરની આન્સર કીમાં કેટલાક પ્રશ્નો ખોટા ઠેરવાયા હતા, પરંતુ જયદીપસિંહે ટીક કરેલા તમામ જવાબો સાચા નીકળ્યા. જ્યારે સમગ્ર કૌભાંડ મામલે યુવરાજસિંહે યોગ્ય તપાસની માગ કરી છે.
આ પણ વાંચો: સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક
યુવરાજસિંહે કહ્યું કે, ‘અમારી ટીમ દ્વારા ભરતીને લઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બેઠક ક્રમાંક S-0041ના ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210માંથી 210 માર્ક મળ્યા હતા. આ ઉમેદવાર પૂર્વ કૉર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારનો પુત્ર જયદીપસિંહ હતો. આ ઉમેદવારે જાહેર કરાયેલી આન્સર કી પ્રમાણે જ જવાબો આપેલા છે. જો કે, આન્સર કીમાં અમુક પ્રશ્નો-વિકલ્પમાં ભુલ છે. અમુક પ્રશ્નોમાં ધોરણ 6થી 8 ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાય તે સરળ હોવા છતાં આન્સર કીમાં તેના જવાબો ખોટા છે. જ્યારે આ ઉમેદવારનો જવાબ આન્સર કી પ્રમાણેનો જ હતો. આ તે કેવો સંયોગ? આમ જોતાં એવું લાગે છે કે જયદીપસિંહ જ જાણે પેપરસેટર કે આન્સર કી સેટર હોય.’