વજન ઘટાડવા માટે લોકો જાત-જાતના નુસખા અપનાવતા હોય છે. ઘણા લોકો જીમમાં જઇને આકરી કસરત કરે છે, કોઇ ડાયટ કરે છે તો કોઇ બેરિયાટ્રિક સર્જરી કરાવે છે. બીજીતરફ એવા લોકો પણ હોય છે જે વગર મહેનતે વજન ઘટાડવાના રસ્તા શોધતા હોય છે. આવા લોકો માટે બલૂન કેપ્સ્યૂલ આવી
.
બલૂન કેપ્સ્યૂલ એટલે એક પ્રકારનો ફૂગ્ગો. જે હોજરીમાં જાય છે અને ફૂલે છે જેના કારણે હોજરીમાં જગ્યા ઓછી થાય છે અને ખોરાક લેવાનું પ્રમાણ ઘટે છે. ખોરાક ઓછો થવાથી વજન પણ આપોઆપ ઓછું થતું જાય છે.
બલૂન કેપ્સ્યૂલ ટ્રીટમેન્ટ શું છે? કેવી રીતે થાય છે? તેનો ખર્ચ કેટલો આવે છે? શું તેનાથી કોઇ આડઅસર થઇ શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે અમે અમદાવાદમાં છેલ્લા 20 કરતાં વધુ વર્ષોથી બેરિયાટ્રિક સર્જરી કરનારા ડૉ. અપૂર્વ વ્યાસ સાથે વાતચીત કરી હતી.
પ્રિસ્ક્રિપ્શન વગર બલૂન કેપ્સ્યૂલ ન મળે સૌથી પહેલાં તો એ જાણી લો કે આ બલૂન કેપ્સ્યૂલ કોઇ વ્યક્તિને ડાયરેક્ટ મળતી નથી. તેને ડોક્ટર પાસેથી જ લેવી પડે છે. આ બલૂન કેપ્સ્યૂલ એન્ડોસ્કોપિસ્ટ હોય કે જેઓ ઓબેસિટીની ટ્રીટમેન્ટ કરતાં હોય અથવા તો જે બેરિયાટિક્સ સર્જન હોય તે પ્રિસ્ક્રાઈબ કરે તો જ મળી શકે છે. બાકી બજારમાં જેમ કેપ્સ્યૂલ મળે છે એવી રીતે ન મળી શકે.
બલૂન કેપ્સ્યૂલ મુકવાની 2 પદ્ધતિ બલૂન કેપ્સ્યૂલ વિશે સમજીએ તે પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બલૂન છે શું? આ બલૂન એટલે એક પ્રકારનો ફૂગ્ગો. આ ફૂગ્ગો બે પદ્ધતિથી હોજરીમાં મૂકી શકાય છે. એક પદ્ધતિ છે એન્ડોસ્કોપી અને બીજી પદ્ધતિ સ્વેલો પિલ છે. જેમ કોઇ દવા ગળીએ તેમ જ આ કેપ્સ્યૂલને ગળી જવાની હોય છે. જેના પછી તે હોજરીમાં અંદર જઇને બલૂન થઇ જાય છે. પાણી ભરીને તેને ફૂલાવાય છે. જેના કારણે હોજરીમાં જગ્યા ઓછી થઇ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. ભૂખ ઓછી લાગવાથી ખોરાક ઓછો લેવાય છે અને વજનમાં ધીરે ધીરે ઘટાડો થવા માંડે છે.
700 ml સુધી પાણી ભરી શકાય છે આ બન્ને પદ્ધતિ વિશે સમજાવતાં ડૉ. અપૂર્વ વ્યાસ કહે છે કે, એન્ડોસ્કોપી દ્વારા જે બલૂન કેપ્સ્યૂલ મુકવામાં આવે છે તેમાં દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરવો પડે છે. એ પછી એન્ડોસ્કોપીની મદદથી એ બલૂનને હોજરીમાં મૂકવામાં આવે છે. જ્યાં મૂક્યા પછી તેને ફૂલાવવામાં આવે છે. જે બાદ એસેમ્બલી બહાર કાઢીને દર્દીને ત્રણેક કલાક સુધી દાખલ રાખીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ પદ્ધતિથી બલૂનમાં 700 એમએલ સુધીનું પાણી ભરી શકાય છે. એન્ડોસ્કોપી બલૂનના બે ફાયદા છે. એક તો એ બલૂનને વધારે ફૂલાવી શકાય છે. જેના કારણે હોજરીની કેપેસિટી ઓછી કરીને વધારે વેટ લોસ કરાવી શકાય છે.જો આ એક વર્ષ સુધી રાખવામાં આવે તો દર્દીના ઓવર વેટમાં 15 થી 20 ટકાનો ઘટાડો થાય છે. એન્ડોસ્કોપીથી જે બલૂન મુકાયો હોય તેને ડૉક્ટરે જ બહાર કાઢવો પડે છે. ડૉક્ટર તેમાંથી પાણી કાઢીને પછી તેને રિમૂવ કરે છે.
સ્વેલો પિલ પદ્ધતિ જ્યારે હાલમાં જે નવી પદ્ધતિ આવી છે એ સ્વેલો પિલ્સ પદ્ધતિ છે. જે ખૂબ જ સરળ છે. જેમ OPDના દર્દીને ચેક કરતાં હોય અને તેમને જેમ બેસાડવામાં આવે છે તેવી જ રીતે સ્વેલો પિલ્સ ટ્રીટમેન્ટ લેવા આવનારા દર્દીને પણ બેસાડવામાં આવે છે. ત્યાર બાદ તેને આ કેપ્સ્યૂલ આપવામાં આવે છે. જે કેપ્સ્યૂલ તેમને પાણી સાથે ગળવાનું કહેવાય છે. દર્દી જેવી કેપ્સ્યૂલ ગળે છે તે હોજરીમાં પહોંચે છે. એક્સ રે કરીને તેને કન્ફર્મ કરાય છે કે તે હોજરીમાં બરાબર પહોંચી કે નહીં. એ પછી તેની સાથે જોડાયેલી નળી દ્વારા બહારથી 300થી 350 એમએલ પાણી પંપ કરાવીને તેને ફૂલાવવામાં આવે છે.જેના પછી નળીને ખેંચી લેવાય છે. આટલી પ્રોસેસ બાદ બલૂન હોજરીમાં જ રહે છે.
4 મહિના બાદ બલૂનનું પાણી નીકળી જાય છે સ્વેલો પિલનો ફાયદો એ છે કે, તેમાં ટાઇમ સ્યૂલ્સ મૂક્યું હોય છે. જેના કારણે 4 મહિના બાદ બલૂનમાં રહેલો વાલ્વ ખૂલી જાય છે અને તેમાં રહેલું પાણી હોજરીમાંથી નીકળી જાય છે. જે બાદ બલૂન ડિફ્લેક્ટ થઈ જાય છે અને મળથી બહાર નિકળી જાય છે. આ બલૂનનું કામ ચાર મહિના પૂરતું જ હોય છે. આ ટ્રીટમેન્ટથી બલૂન મુકાવનારા દર્દી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તરત જ ઘરે જઈ શકે છે. 3-4 મહિના પછી તેની ઇફેક્ટ ચાલી જાય એ પછી જેટલું વજન ઓછું થયું હોય તેને જાળવી રાખવા માટે ડિસીપ્લીન લાઈફ જીવીને મેન્ટેઈન કરવું પડે છે.
છાતીમાં બળતરા કે વોમિટીંગ થઇ શકે સ્વેલો પિલનો નેગેટિવ પોઈન્ટ પોઇન્ટ ગણાવતા તેમણે જણાવ્યું કે, જ્યારે એન્ડોસ્કોપી દ્વારા બલૂન મૂકીએ ત્યારે પહેલાં એન્ડોસ્કોપી કરીએ છીએ. જેમાં બલૂન મુકી શકાય છે કે નહીં તે ચેક કરતાં હોઇએ છીએ. જ્યારે સ્વેલો પિલમાં અમે એન્ડોસ્કોપી કર્યા વગર સીધું જ બલૂન ઇન્સ્ટોલ કરતાં હોઇએ છીએ. આવા કિસ્સામાં દર્દીની અન્નનળીની વચ્ચેનો જે વાલ્વ હોય તે લૂઝ થઈ ગયો હોય તો એ બલૂન મુક્યા પછી ખબર પડે. દર્દીને રિફ્લેક્ટ થાય, વોમિટિંગ થાય આવી સમસ્યા પણ થાય છે.એટલે જ અમે તો દર્દીઓને સમજાવીએ છીએ કે જો તમને કોઇ રિફ્લેક્ટની હિસ્ટ્રી હોય તો તમને છાતીમાં બળતરા કે વોમિટીંગ પણ થઈ શકે છે.
બેરિયાટ્રિક સર્જરી અને બલૂન કેપ્સ્યૂલ બેરિયાટ્રિક સર્જરી ઝડપથી વજન ઘટાડનારી સર્જરી છે. જે 3 રીતે થાય છે. 1 લેપ બેન્ડ સર્જરી. જેના પછી જમવાની ક્ષમતા ઘટી જાય છે. 2 સ્લીવ ગેસ્ટ્રીક્ટોમી સર્જરી.જેના પછી 1.5થી 2 કિલો વજન દર અઠવાડિયે ઓછું થાય છે. 3 ગેસ્ટ્રિક બાઇપાસ સર્જરી. જેમાં આંતરડાને કાપીને બોલના આકારનું બનાવી દેવાય છે.
બેરિયાટ્રિક સર્જરી કરતાં બલૂન કેપ્સ્યૂલ ટ્રીટમેન્ટ ઘણી અલગ છે. તેમાં કોઇ ઓપરેશન કરવું પડતું નથી.
બોડી માસ ઇન્ડેક્સ પર આધાર ડૉ. અપૂર્વ વ્યાસના મતે, કોઇપણ પ્રકારની સર્જરી વગર આ ઇન્સ્ટોલ થઇ જાય છે. બલૂન માટે એક સ્પેસિફિક ઈન્ડિકેશન છે જેમાં બોડી માસ ઈન્ડેક્સ જોવામાં આવે છે.
હવે એ સમજી લો કે બોડી માસ ઇન્ડેક્સ શું છે?
વ્યક્તિના વજનને વ્યક્તિની ઊંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે, જે આંક મળે એને BMI કહેવાય છે.
જ્યારે બોડી માસ ઈન્ડેક્સ 28 થી 32ની વચ્ચે આવે અને વજન ઉતારવામાં તકલીફ પડતી હોય સાથે જ વધુ વજનના કારણે સાઈડ ઈફેક્ટ થતી હોય જેમ કે ઘૂંટણ દુખવો કે શ્વાસ ચઢવો તો તેવામાં વજન ઉતારવા માટે આ બલૂન કેપ્સ્યૂલ કામ લાગે છે.
ઉંમર નથી નડતી ડૉ. વ્યાસે જણાવ્યું કે, આવા દર્દીઓ એન્ડોસ્કોપી કરાવવા માટે તૈયાર ન હોય અથવા તેમને એનેસ્થેસિયા લેવામાં કોઇ પ્રોબ્લેમ હોય તેવા કિસ્સામાં અમે સ્વેલો પિલનો ઉપયોગ કરીને કેપ્સ્યૂલને એન્ટર કરીએ છીએ. સામાન્ય રીતે બલૂન કેપ્સ્યૂલ બધામાં મુકી શકાય છે. તેમાં ઉંમરને ધ્યાને નથી લેવાતી. બસ જેમનો BMI 28 થી 32ની વચ્ચે હોય તેમાં જ આ બલૂન વધુ ઈફેક્ટિવ છે કેમ કે,આ પ્રક્રિયામાં 8 થી 12 ટકા જેટલો વેટ લોસ થાય છે.
ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, જો કોઇ 30 કિલો ઓવર વેટ હોય તો 4 મહિનામાં તેનું વજન 5 થી 7 કિલો ઘટે છે. જ્યારે કોઇનો બોડી માસ ઇન્ડેક્સ 35 ઉપર હોય અને તેને ડાયાબિટીસ ટાઈપ-2 હોય અથવા તો બોડી માસ ઈન્ડેક્સ 40 ઉપર હોય ત્યારે મને એવું લાગે છે કે સ્વેલો પિલનો બહુ રોલ રહેતો નથી. હા, અમુક કિસ્સામાં બલૂન કે સ્વેલો પિલનો રોલ છે. જે કિસ્સામાં બોડી માસ ઈન્ડેક્સ 60 કે તેનાથી ઉપર છે તેવામાં ઓપરેશન અને એનેસ્થેસિયાની જે સાઈડ ઈફેક્ટ વધારે આવતી હોય તેવા સંજોગોમાં બલૂન મુકાવીને 15થી 20 કિલો વજન ઘટાડી શકાય છે.
દર્દીએ ડાયટ પ્લાન ફોલો કરવો પડે એક વાર બલૂન હોજરીમાં ઈન્સ્ટોલ કર્યા પછી દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ એ અંગે પૂછતાં ડૉ. વ્યાસે કહ્યું કે, દર્દીના શરીરમાં બલૂન કેપ્સ્યૂલ એન્ટર થયા પછી દર્દીને તરત જ રજા આપવામાં આવે છે પણ તેમણે પ્રોપર ડાયટ પ્લાન ફોલો કરવો પડે છે. બેરિયાટ્રિક સર્જરી જેટલો સ્ટ્રીક્ટ ડાયટ પ્લાન ફોલો નથી કરવો પડતો પણ શરૂઆતના દિવસોમાં લિક્વીડ ડાયટ, થોડા દિવસો વિત્યાં પછી થીક લિક્વીડ ડાયટ, સોફ્ટ ડાયટ એવો 10 થી 15 દિવસનો પ્રોગ્રામ આપીએ છીએ. જેના કારણે હોજરીમાં ઓછો ખોરાક જાય અને શરીરમાં તે બલૂન માફક આવી જાય.
કસરત કે સ્વિમિંગ કરવાની સલાહ તેમના મતે, જો કોઈ દર્દીને ડાયટ પ્લાનની સાથે સાથે ઈફેક્ટિવ વેટ લોસ કરવો હોય તો યંગ વ્યક્તિએ થોડી હેવી એક્સર્સાઈઝ કરવી જોઈએ. જ્યારે મોટી ઉંમરની વ્યક્તિએ ચાલવું જોઈએ કે પછી સ્વિમિંગ અને સાયકલિંગ જેવી એક્સર્સાઈઝ કરવી જોઈએ. આ બલૂન કેપ્સ્યૂલ મુકાવવાથી એ વ્યક્તિની લાઈફસ્ટાઈલ નથી બદલાતી કેમ કે આ ઓપીડી બેઝ્ડમાં જ પ્રક્રિયા થાય છે. એ પછી પાછા તમે કામમાં લાગી શકો છો પણ જે લાઈફ સ્ટાઈલ બદલાય છે તેમાં તમે ખોરાક કઈ રીતે લો છો એ ખૂબ જ મહત્વનું રહે છે.
ગુજરાતમાં અંદાજે 700 લોકોએ ટ્રીટમેન્ટ કરાવી ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે એન્ડોસ્કોપીથી 500થી 600 અને સ્વેલો પિલથી 75થી 90 દર્દીઓએ બલૂન મુકાવ્યા છે તેવો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં બલૂન કેપ્સૂલ છેલ્લા 3-4 વર્ષથી મુકાઇ રહી છે. લોકો મુકાવી રહ્યા છે અમે પણ તેને મુકી રહ્યા છીએ. પણ હું એન્ડોસ્કોપી દ્વારા મુકવાનું વધારે પ્રિફર કરું છું. કેમ કે તેમાં 700 એમએલ સુધીનું પાણી ભરી શકાય છે. એટલે બલૂનને વધારે ફૂલાવી શકાય છે. બલૂન વધુ ફૂલવાથી ઓછો ખોરાક લેવાય છે જેના કારણે વજન વધુ માત્રામાં ઘટે છે.આ કેપ્સ્યૂલનું ચલણ યુરોપમાં શરૂ થયું હતું. આજથી આઠેક વર્ષ પહેલાં યુરોપના 1-2 દેશોએ સાથે મળીને આ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી.
ટ્રીટમેન્ટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ આ ટ્રીટમેન્ટ પાછળ કેટલો ખર્ચ થાય છે તે વિશે તેમણે ઉમેર્યું કે, એન્ડોસ્કોપી દ્વારા એક વર્ષ માટે જે બલૂન મૂકીએ તેનો ખર્ચ અંદાજે 2.50 થી 3 લાખ છે. જ્યારે સ્વેલો પિલનો ખર્ચ અંદાજે 3.50 થી 4 લાખ છે. સ્વેલો પિલની સાથે એસેસરીઝ પણ આપવામાં આવે છે. જે એસેસરીઝથી હેલ્થની એક્ટિવિટી ટ્રેસ કરી શકાય છે. આ એસેસરીઝમાં સ્માર્ટ વોચ જેવી જ એક ઘડિયાળ પણ આપવામાં આવે છે જેમાં બધી ડિટેલ હોય છે.
તળેલું કે તીખું ખાવાથી સમસ્યા થાય તેને આ કેપ્સ્યૂલ ન મુકાય બલૂન કેપ્સ્યૂલ કોને ન મુકી શકાય? આ સવાલના જવાબમાં ડૉ. વ્યાસે કહ્યું કે, બલૂન કેપ્સ્યૂલના કારણે હોજરી ફૂલે છે. તેના કારણે રિફ્લેક્સ થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો કોઈએ ભોજન લીધું હોય અને એ પછી છાતીમાં બળતરા થાય અથવા તો મોઢા સુધી બળતરા થાય એવું પાણી આવતું હોય તો તે તેની મોટામાં મોટી સાઈડ ઈફેક્ટ છે. બલૂન મુક્યા પહેલાં સામાન્ય લાઈફમાં તીખું કે તળેલું ખાવાથી આવી સમસ્યા થતી હોય તો તેવા વ્યક્તિમાં આ પ્રકારનું બલૂન મુકી શકાતું નથી.
2 વખત બલૂન ફોડવો પડ્યો હતો બલૂન કેપ્સ્યૂલ મૂકવાના અત્યાર સુધીના અનુભવ અંગે વાત કરતાં ડૉ. વ્યાસે કહ્યું કે, આમાં દર્દીને કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ તેમને રિફ્લેક્સ થવું અને વોમિટિંગ થવીએ ખૂબ જ કોમન છે. બલૂન કેપ્સ્યૂલમાં વેઈટ લોસ પણ બહું જ લીમિટેડ થાય છે. હું પોતે બેરિયાટ્રિક સર્જન છું એટલે મારી પાસે તો હેવી બોડી માસ ઈન્ડેક્સવાળા લોકો જ આવતા હોય છે. પણ ઓછા બોડી માસ ઈન્ડેક્સવાળા લોકો આવે તો અમે તેને સામેથી ગાઈડ કરતાં હોઈએ છીએ. મારી પાસે આવનારા દર્દીઓમાંથી 2 થી 5 ટકા દર્દીઓ સ્વેલો પિલ બલૂન નાખવાની ડિમાન્ડ કરતાં હોય છે. અગાઉ મારી પાસે 2 દર્દીઓ આવ્યા હતા. જેને રિફ્લેક્સ ખૂબ જ થયું હોય જે બાદ અમારે અરજન્ટમાં એન્ડોસ્કોપી કરીને એ બલૂનને ફોડવો પડ્યો હતો.
વારંવાર બલૂન મુકાવવો યોગ્ય નથી બલૂન લગાવવા માટેની કોઈ સમય મર્યાદા નથી તેવું જણાવતાં તેમણે કહ્યું કે, જો દર્દીના શરીરે આ બલૂનને એક્સેપ્ટ કરી લીધો તો તે દર 6 મહિને આ બલૂન કેપ્સ્યૂલનો ઉપયોગ કરી શકે છે પણ મને એવું લાગે છે કે, એક વાર આ કેપ્સ્યૂલથી બોડી લોસ થાય છે. એ પછી બીજીવાર એટલો બોડી લોસ થતો નથી. બેરિયાટ્રિક સર્જરીમાં પણ આવું જ છે. પહેલી સર્જરીમાં જેટલું વજન ઘટે છે એટલું બીજી સર્જરીમાં નથી ઘટતું. એટલે વારંવાર બલૂન મુકાવવો એ પણ યોગ્ય નથી.
ડૉક્ટરને નિર્ણય લેવા દેવાની અપીલ લોકોને અપીલ કરતાં તેઓ કહે છે કે, તમને બલૂનની આ પદ્ધતિ વિશે નોલેજ હોવું જરૂરી છે. તમે ડૉક્ટર પાસે જઈને તમે તમારો બોડી માસ ઇન્ડેક્સ ચેક કરાવો, બ્લડ રિપોર્ટ ચેક કરાવો, ફેમિલી હિસ્ટ્રી જણાવો, ખોરાક લેવાની પદ્ધતિ વિશે જાણ કરો. આ બધું કહ્યા પછી ડૉક્ટરને નિર્ણય લેવા દો કે તમારા માટે કઈ ટ્રીટમેન્ટ યોગ્ય છે.
સોશ્યલ મીડિયા પર થતી જાહેરાત સામે ચેતવ્યા સોશ્યલ મીડિયા પર થતી જાહેરાત સામે ચેતવતા તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં લોકો જાહેરાત કરતાં હોય છે કે સર્જરી વગર બલૂન લગાવડાવો અને તમારું વજન ઓછું કરો પણ એ જાહેરાત ઉપર ન જશો. જ્યાં સેન્ટર છે ત્યાં જઈને ચકાસણી કરાવો અને એ પછી જ નક્કી કરો કે બલૂન લગાવવાલાયક છે કે નહીં. કેમ કે જો અન્ય જગ્યાએ જઈને બલૂન લગાડવામાં આવે, જો તે ભૂલથી અન્ન નળીમાં હોય અને તેને ફૂલાવવામાં આવે તો તે વ્યક્તિનું મુત્યુ પણ થઈ શકે છે.