ઝીંઝુવાડા રણમાં 30 કિમી સુધી નર્મદાના પાણી ફરી વળતા પાણી જ પાણી છે, તોય 3,000 અગરિયાઓ બે મહિનાથી તરસ્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. હાલમાં ઝીંઝુવાડા રણમાં 18મી વખત 30 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી ટેન્કર
.
ઝીંઝુવાડા રણમાં વચ્છરાજપુરા અને ફત્તેપુર નર્મદા કેનાલનું પાણી અંદાજે 30 કિમી સુધી ફરી વળતા આ પાણી અગરિયાઓના ઝુંપડા અને સોલાર પેનલ સુધી ફરી વળતા અગરિયાઓને હાલાકી પડી રહી છે. ઝીંઝુવાડા રણમાં મીઠું પકવતા દેવાભાઇ પોપટભાઈ સાવડીયાએ જણાવ્યું કે, આ પાણીની આવક સતત વધી રહી છે, આથી એકાદ દિવસમાં આ પાણી અગરિયાઓના પાટામાં ફરી વળવાની આશંકા છે. હાલ આ પાણી ઝીંઝુવાડા અને વિસનગર રણમાં ફરી વળ્યું છે. જયારે રૂપેણ નદીનું પાણી કોળધા રણમાં ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા છે.
આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.2017માં રણમાં નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવી રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાના નીરથી થયેલી નુકશાનીનો સર્વે કરાયો હતો. જેમાં નર્મદાનું આ પાણી રણમાં 70 કિ.મી.સુધી ફરી વળતા સર્વેમાં અંદાજે 136 જેટલા અગરિયાઓને રૂ. દોઢથી પોણા બે કરોડનું નુકશાન આવ્યું હતુ. પરંતુ આજ દિન સુધી અગરિયાઓને રાતી પાઇ પણ સહાય મળી નથી એ પણ ચોંકાવનારૂ સત્ય છે.
બચુભાઈ દેગામાએ જણાવ્યું કે, રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી.
પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય માટે પીવાના પાણીની પાઇપલાઇન નાખવા લવાયેલી દોઢ કરોડની પાઇપલાઇનની મંજૂરી અભયારણ્ય વિભાગે ના આપતા દોઢ કરોડની પાઇપલાઇન પડી પડી સડીને ભંગાર થઇ ગઇ હતી. બીજી બાજુ રણમાં લાખો ગેલન પાણી બેરોકટોક વેડફાઇ રહ્યું હોવાથી રણમાં ચારેકોર પાણી જ પાણી તોય અગરિયા તરસ્યા જેવો ગોઝારો ઘાટ સર્જાયો છે.