ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વિવિધ વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની સાથે શહેરનાં લોકો માટે 25 નવી સિટીબસો આપવામાં આવી છે. આ પૈકી 6 નવા રૂટ ઉપર 18 બસ મુકવામાં આવી છે. જેમાં (1)રૂટ ન
.
2 એપ્રિલથી આવાસ યોજનાનાં ફોર્મ ભરાશે, કિંમત રૂ. 5.5 લાખ અને 12 લાખ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયા બાદ ખાલી પડેલા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના 137 આવાસો તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે ફોર્મ તા.2-4થી તા.1-5 દરમ્યાન વેબસાઇટ www.rmc.gov.in પર ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ફી રૂ. 50 રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે. જેમાં LIGમાં બે રૂમમાં ક્ષેત્રફળ 50 ચો.મીટર, આવાસની કિંમત રૂ. 12 લાખ, વાર્ષિક આવકની મર્યાદા રૂ. 3થી 6 લાખ તેમજ ડિપોઝીટ રૂ. 20,000 રહેશે. જયારે EWS -2 કેટેગરીમાં 1.5 રૂમના ક્ષેત્રફળ 40 ચોરસ મીટરનાં આવાસની કિંમત રૂ. 5.50 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. 3 લાખ અને ડિપોઝીટ રૂ. 10,000 રહેશે. ફોર્મ ભરતી વખતે ટેકનિકલ સમસ્યા ઉદભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 – 2221615 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
કોટડાસાંગાણીમાં ગેરકાયદે બાંધકામ તોડીને રૂ. 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ અને આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજે કોટડાસાંગાણીમાં 1200 મીટર જગ્યા પરથી ગેરકાયદે બાંધકામ તોડીને રૂ.1.20 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત આજે કોટડા સાંગાણી તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને માથાભારે તત્ત્વોએ કરેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. કોટડાસાંગાણી ગામમાં સર્વે નંબર 1238 પર સિમેન્ટના શેડવાળું પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ આશરે 1200 ચોરસ મીટર જેટલી જગ્યામાં હતું. અને તેની બજાર કિંમત અંદાજે રૂ.1.20 કરોડ જેટલી આંકવામાં આવી હતી. કોટડાસાંગાણી મામલતદાર ગુમાનસિંહ જાડેજાની આગેવાનીમાં સરકારી ખરાબાની જમીન પરથી આ દબાણો દૂર કરાવવાની કાર્યવાહી કારવકમાં આવી હતી. જેમાં નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજય રૈયાણી, રેવન્યુ તલાટી દીપભાઈ આહ્યા અને પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.

કલેક્ટર કચેરીએ મીઠું-ચોખામાં આયોડીન ને આયર્નની ચકાસણી કરાઈ રાજકોટ કલેક્ટર કચેરીએ પુરવઠા શાખાની એક બેઠક યોજાઇ હતી. જેમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટી ફાઈડ ચોખા અંગે લોકોમાં જાગૃતિ આવે તે અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. તેમજ મીઠું-ચોખામાં આયોડીન અને આયર્નની ચકાસણી કરવામાં આવી છે. લોકોમાં કુપોષણ અને એનેમિયા જેવા રોગોના નિવારણ અર્થે સરકારે અમલી બનાવેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ તમામ લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો દ્વારા કરાતી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખાનો આ જથ્થો આપવામાં આવે છે. કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેરમાં આવેલ વાજબી ભાવના દુકાનદારો સાથે લાભાર્થીઓમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા બાબતે ગેર માન્યતા દુર થાય, તેના લાભોથી લોકો પરિચિત થાય અને લાભાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આજે ફૂડ ન્યુટ્રીશનના ડીવીઝનલ કો-ઓર્ડીનેટર વિપુલ ઠાકરને સાથે રાખીને આજે ડબલ ફોર્ટીફાઈડ મીઠાંમાં આયોડિન અને આયર્ન તેમજ ફોર્ટી ફાઈડ ચોખામાં આયર્નની હાજરી તપાસવામાં આવી હતી. ઉપરાંત દૈનિક જીવનમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખાના વપરાશથી થતા ફાયદાઓ અંગે તમામ વાજબી ભાવના દુકાનદારોને માહિતગાર કરી તાલીમ આપવામાં આવી હતી.
રસ્તા પરના ખાડાઓ- દબાણો દૂર કરવા અધિકારીઓને કલેકટરનો આદેશ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લેક્ટરએ જિલ્લામાં આવેલા હાઈવે સહિત રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ, રોડ-રસ્તા પરના ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો દૂર કરીને તાકીદે કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી. તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ્)/(પંચાયત) સહિતના સંબંધિત વિભાગોએ કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી જાગૃતિની કામગીરી-ઝુંબેશની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં માર્ગ સલામતીને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટમાં ગોંડલ ચોકડીથી ગોંડલ હાઇવે રોડ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી રોડ, બેડી ચોકડીથી મોરબી રોડ, રાજકોટ-ભાવનગર હાઈવે, રાજકોટ-બામણબોર હાઇવે રોડ પર કરાયેલી સ્થળ મુલાકાત દરમિયાન હાઈ માસ્ક લાઈટ, ગેરકાયદેસર ગેપ ઈન મિડિયન દૂર કરવા, લેન ડ્રાઈવિંગ બોર્ડ મૂકવા, સ્ટોપ સાઈન, બોમ્પ, સ્પીડ લિમિટ સહિતના બોર્ડ મૂકવા, હાઇવે પર સતત પેટ્રોલિંગ કરવા સહિતની કામગીરી અને સુધારાત્મક પગલાંઓ લેવા કલેકટરએ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે ગુજરાતના કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટના પ્રવાસે આવનાર છે. જેને લઈ આવતીકાલે બપોરે ચાર વાગ્યે તેમના દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેની આ બેઠકમાં રાજકોટનાં તમામ સાંસદો, ધારાસભ્યો, અને અન્ય પદાધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ હાજર રહેશે. તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રાજકોટ જિલ્લામાં ચાલતા વિકાસકાર્યોની તેઓ માહિતી મેળવશે. તેમજ જિલ્લાનાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
ગુજરાતનાં મંત્રી કુંવરજી બાવળીયા કાલે રાજકોટની મુલાકાતે આવશે ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયા તા. 29 માર્ચના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. ત્યારે તેઓની અધ્યક્ષતામાં જસદણ તાલુકા સેવા સદન ખાતે સવારે 10 કલાકે રોગી કલ્યાણ સમિતિ તેમજ સવારે 11:30 કલાકે જસદણ-વિંછીયા તાલુકા ‘આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો’ યોજનાની બેઠક યોજાશે. ત્યારબાદ ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામની પ્રાથમિક શાળા ખાતે કરમાળ કોટડા અને દોલતપર વચ્ચે પસાર થતી ભાદર નદી પર નવીન ચેકડેમનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. સાથે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કન્યા તાલુકાના શાળાનો વાર્ષિકોત્સવ ‘કલરવ’ યોજાશે. આ કાર્યક્રમ પૂર્ણ થયે તેઓ વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગની બારીઓ હવે 11થી 5 સુધી ખુલ્લી રહેશે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગની બારીઓ અગાઉ રીશેષના સમય દરમ્યાન બપોરના 2થી 3 કલાક દરમ્યાન બંધ રહેતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ, માર્કસીટ, સર્ટીફીકેટ સહિતની કામગીરી માટે ભારે હેરાનગતિ વેઠવી પડતી હતી. પરંતુ સૌ.યુનિ. કુલપતિ દ્વારા પરીક્ષા વિભાગની વિદ્યાર્થીલક્ષી કામગીરી માટે બારીઓ સવારના 11થી 5 કલાક દરમ્યાન સતત ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે અગાઉ વિદ્યાર્થી નેતા અંકિતભાઈ સોંદરવા દ્વારા યુનિ. તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામાન્ય કામકાજ માટે પરીક્ષા વિભાગની બારીઓ બંધ હોવાથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સમયસર કામ નહીં થવાના કારણે ભારે હેરાન પરેશાન થતા હોવાનું જણાવાયું હતું. જોકે હવે યુનિ.ના પરીક્ષા વિભાગની બારીઓ સવારના 11થી 5 દરમ્યાન સતત ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થશે.
રવિવારે રામકૃષ્ણ આશ્રમમાં વાર્ષિકોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે રાજકોટનાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 30 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીનો મંગલ પ્રારંભ દેશ-વિદેશમાં 2500 કરતા વધુ આખ્યાનો કરનાર અને અનેક એવોર્ડોથી વિભૂષિત એવા વડોદરાના સુવિખ્યાત આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાના સંગીતમય આખ્યાનથી થશે. તેઓ લોકપ્રિય આખ્યાનકાર અને કવિ પ્રેમાનંદ દ્વારા શરૂ થયેલ માણભટ્ટ કલા એટલે કે માણ તથા સંગીત સાથે પૌરાણિક કથા રસપૂર્વક રજૂ કરવાની અનોખી કલા ધરાવે છે. તેઓ તા. 30 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રોજ સાંજે 7:30 થી 9:00 સુધી આશ્રમ પ્રાંગણના વિવેક હોલમાં રસિકો સમક્ષ સંગીતમય આખ્યાન પ્રસ્તુત કરશે. ઉપરાંત તા. 2થી 4 એપ્રિલ દરમિયાન આશ્રમના સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સત્સંગ, 5 એપ્રિલના રોજ આશ્રમ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના સંસ્મરણો, 7 એપ્રિલના રોજ ભજન સંધ્યા અને 8 એપ્રિલના રોજ શ્રીરામકૃષ્ણદેવ વિષેની નવરચિત ફિલ્મનું પ્રદર્શન વગેરે કાર્યક્રમો રહેશે. વાર્ષિક મહોત્સવનું સમાપન તા. 9 એપ્રિલના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક નિરંજનભાઈ પંડ્યાના ભજનોથી થશે.
31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગનાં કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 31.05.2025ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રીંગસ-રેવાડી થઇને ચાલશે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20937ના ડાયવર્ઝન દરમિયાન પોરબંદરથી 31.05.2025ના રોજ ચાલવા વાળી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ને નારનૌલ, નીમ કા થાના, શ્રી માધોપુર અને રિંગસ જં. સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનથી ચાલતી તા. 28મે ની ઓખા-પુરી એક્સપ્રેસ રદ કરાઈ દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનમાં આવેલા મહબૂબાબાદ સ્ટેશન પર કાઝીપેટ-કોંડાપલ્લી સેક્શનમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલીંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, 28-05-2025નાં ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 25-05-2025નાં રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.