ફ્રૂટના વેપારીને વ્યાજે આપેલા નાણાંની વસૂલાત માટે ધાકધમકી આપી આપઘાતનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવાના ગુનામાં નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતુ. નામ ખુલતાં જ તે પોલીસ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમા ઉતરી ગયો હતો. જોકે, આ મામલે આગોતરા જામીન મે
.
આરોપીનું નામ ખુલતા જ પોલીસથી બચવા નાસતો ફરતો હતો 28 નવેમ્બરના રોજ સંતોષ ભાવસારના ત્રાસથી કંટાળી ફ્રુટનો વેપારીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે નવાપુરા પોલીસે 2 ડિસેમ્બરના રોજ ગુનો નોંધી સંતોષ ભાવસારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સંતોષ ભાવસાર રૂ. 47 લાખ કલ્પેશ કાછિયા પાસેથી લીધા હોવાનું તેને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતુ. કલ્પેશનું નામ ખુલતા પોલીસ ધરપકડ ટાળવા તે નાસતો ફરી રહ્યો હતો. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પાંચ સીમકાર્ડ ખરીદ્યા હતા અને અલગ-અલગ સાગરીતોને આપી દીધા હતા. જેથી કરીને પોલીસ તેને અલગ દિશામાં શોધવા જાય અને તે પોલીસ પકડથી બચી શકે.
વડોદરાના નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછીયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ તેને સર સયાજીનગર ગૃહ ખાતે લઈ જવાયો હતો. જ્યાંથી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેના ઘરે લઈ જવાયો હતો જ્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પહેલા સાળંગપુર, પછી આણંદ-વડોદરા ને છેલ્લે દમણ પહોંચ્યો કલ્પેશનું નામ ખુલતા તે સમજી ગયો હતો કે, પોલીસ હવે તેને છોડશે નહીં એટલે જેમ મુસીબતમાં ભગવાન યાદ આવે તેમ, તે ચાલતો-ચાલતો 200 કિ.મી. સાંળગપુર દર્શન કરવા માટે પહોંચી ગયો હતો, ત્યારબાદ એ ત્યાંથી પરત ફરી આણંદમાં બે દિવસ રોકાયો હતો છે અને પછી એક દિવસ વડોદરા આવ્યો હતો અને પછી એ ભરૂચ ખાતે પહોંચ્યો હતો. અંકલેશ્વર ખાતે રહેતા એક મિત્રની કલ્પેશ ગાડી લઈને એ દમણ પહોંચ્યો હતો. આ દરમિયાન પોલીસ આણંદ અને ભરૂચ તેની પાછળ પાછળ હતી, પરંતુ, તે ભાગતો ફરતો હતો.
પુત્ર કેનેડાથી સાથે રહેવા આવતા દમણ સંબંધીના ફ્લેટમાં રોકાયો દમણ એક ઓળખીતા ફ્લેટમાં તે પોતાના પુત્ર સાથે રોકાયો હતો. કલ્પેશનો પુત્ર થોડા દિવસ માટે કેનેડાથી આવ્યો હોવાથી તેણે પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી પિતા- પુત્ર બન્ને એક સાથે દમણ ખાતેના ફ્લેટમાં રોકાયા છે. બીજી તરફ PCBની ટીમ સતત કલ્પેશની શોધમાં હતી, અને મોડી રાતે તેઓને ચોક્કસ જાણકારી મળી હતી કે, કલ્પેશ દમણમાં છે. જેથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ આવતા ચોથા માળની બારીની છજ્જા પર છુપાયેલો હતો પોલીસ કલ્પેશની શોધખોળ કરતા તેનું ચોક્કસ લોકેશન મળતાની સાથે પોલીસ ફ્લેટના છઠ્ઠા માળે પહોંચી હતી. જ્યાં ફ્લેટનો દરવાજો ખખડાવતા કલ્પેશનો પુત્રએ દરવાજો ખોલ્યો હતો અને તેના પુત્રે કહ્યું હતું કે, તેના પિતા અહી નથી, જોકે પોલીસે સર્ચ કરતા બાથરૂમની બારી ખુલ્લી જોવા મળી હતી, જેથી પોલીસને શંકા જતા ડોકીયુ કર્યું તો, કલ્પેશ પાઇપ પકડીને છઠ્ઠા માળના બાથરૂમમાંથી ચોથા માળની બારીની છજ્જા પર છુપાયેલો જોવા મળ્યો હતો.
47 લાખ વ્યાજે લીધા ને પોણા બે કરોડ ચૂકવ્યા કલ્પેશને દમણ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો અને રાત્રે 2 વાગે વડોદરા PCBની ટીમ દમણ પહોંચી હતી અને કલ્પેશનો કબજો મેળવ્યો હતો અને આજે સવારે 9 વાગે તેને લઈને પોલીસ વડોદરા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ફ્રુટના વેપારીએ સંતોષ ઉર્ફે અકુ ભાવસાર પાસેથી વર્ષ 2012થી 2020 સુધીમાં અલગ-અલગ સમયે રૂ. 47 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે ફ્રુટના વેપારીએ અત્યાર સુધીમાં અલગ અલગ સમયે આશરે પોણા બે કરોડ જેટલી રકમ પરત કરી હતી. છતાં સંતોષ ભાવસાર દ્વારા વેપારી પાસે રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ ત્રાસથી કંટાળી આખરે ફિનાઇલ પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુનો નોંધી તપાસ હાથ ધરી આ મામલે નવાપુરા પોલીસે સંતોષ ભાવસાર સામે ગુનો નોંધી તેની પુછપરછ કરતા તેણે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રૂપિયા તેને કલ્પેશ ઉર્ફે કાછિયા પાસેથી લઇ વેપારીને આપ્યા હતા. જેથી પોલીસે સંતોષ અને કાછિયા બન્નેના કોલ રેકોર્ડ તેમજ બેન્ક ખાતાની વિગતો તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્લો પડતા પોલીસે કલ્પેશ કાછિયાની શોધખોળ હાથ શરૂ કરી હતી. જોકે તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા આ દરમિયાન કલ્પેશ કાછિયાએ પોલીસ ધરપકડથી બચવા સારૂ કોર્ટમાં પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવી હતી. પોલીસે આગોતરા જામીન નામંજૂર કરવા વિવિધ કારણો સાથેનું કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું. જોકે કોર્ટે કાછિયાની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત કલ્પેશ કાછિયાને ઝડપી પાડવા માટે પીસીબી, ડીસીબી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન PCBના પીઆઈ સી બી ટંડેલને બાતમી મળી હતી કે, કલ્પેશ કાછિયો હાલ દમણમાં આશરો લઇ રહ્યો છે. જેને પગલે મંગળવારે રાત્રે ગુના નિવારણ શાખાની ટીમે તેને દમણથી ઝડપી પાડ્યો હતો.
આરોપીની અગાઉ 5 વખત પાસા હેઠળ પણ અટકાયત કરાઈ જોઈન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, કલ્પેશ અરવિંદભાઇ પટેલ ઉર્ફે કલ્પેશ કાછિયા વિરૂધ્ધ 2 ડિસેમ્બરના રોજ નોંધાયેલા ગુનાની તપાસમાં તેનું નામ ખુલ્યું હતું. જેને પગલે તે વડોદરા છોડી ફરાર થઇ ગયો હતો. તેને શોધવા માટે પાંચ ટીમો સતત તેનો પીછો કરી રહી હતી. મંગળવારે રાત્રે દમણથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની વિરૂધ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે. 5 વખત તેની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી છે. નવાપુરા પોલીસ મથકે નોંધાયેલા ગુના સિવાય અન્ય કોઇ લોકો પણ તેનો ભોગ બન્યા હોય તો તેઓ આગળ આવે અને પોલીસમાં ફરિયાદ નોંધાવે તેવી હું નગરજનોને અપીલ કરું છું તેમ પણ ડો. લીના પાટીલે જણાવ્યું હતું.