Updated: Dec 30th, 2023
– પાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા
– આઠ દિવસમાં પડતર માંગો પૂરી નહીં કરાય તો ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ વિવિધ પડતર માંગો પુરી ન થતાં હલ્લાબોલ કર્યો હતો અને આગામી ૮ દિવસમાં તમામ માંગો પુરી કરવામાં નહિ આવે તો ચક્કાજામ, ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં અનેક કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા નિયમીત પગાર તેમજ લધુતમ વેતન ચુકવવામાં નહિ આવતાં સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જે મામલે અનેક વખત પાલિકાના સત્તાધિશોને મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. જ્યારે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને પાલિકા તંત્ર દ્વારા દિવસ દરમિયાન માત્ર ચાર કલાક જ કામગીરી સોંપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેથી મોટીસંખ્યામાં સફાઈ કામદારો પાલિકા કચેરી ખાતે એકત્ર થયા હતાં અને પાલિકાના ચીફ ઓફીસર, પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજની આગેવાનીમાં પાલિકા કચેરી ખાતે બેસી પડતર માંગો પુરી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
જ્યારે પાલિકાના ચીફ ઓફીસર હાજર મળી ન આવતાં તેમની સામે પણ રોષ દાખવ્યો હતો અને આગામી ૮ દિવસમાં પાલિકા તંત્ર દ્વારા લધુતમ વેતન, કોન્ટ્રાક્ટ બેઈઝમાંથી કાયમી કરવા, પગાર વધારો, લધુતમ વેતન સહિતની માંગો પુરી કરવામાં નહિ આવે તો ચક્કાજામ ધરણા સહિત ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.