શહેરમાં ભારે વરસાદના કારણે બે દિવસમાં ફાયરબ્રિગેડને કુલ 192 કોલ મળ્યા હતા. ઝાડ પડી જવાના, મકાન ધરાશાયી થવા, શોર્ટ સર્કિટ અને રેસ્ક્યુના કોલ મળ્યા હતા સૌથી વધારે કોલ સોમવારે મળ્યા હતા. રોડ પર અને સોસાયટીની આસપાસ વાહનો પર ઝાડ પડવાના 52 કોલ મળ્યા હતા. 1
.
પાણીના કારણે અથવા તો ઝાડ પડવાના કારણે 44 કોલ મળ્યા
સોમવારે ફાયર બ્રિગેડને કુલ 98 કોલ મળ્યા હતા જેમાં 18 કોલ શોર્ટસર્કિટથી આગ લાગવાના મળ્યા હતા. 27 ઓગસ્ટે સાંજના સમય સુધીમાં કુલ 94 કોલ મળ્યા હતા. જેમાં આગ લાગવાના 2 કોલ, મકાન કે દિવાલ ધરાશાયીના 2 કોલ, પાણીમાં ફસાયેલાના 5 કોલ, તથા બીજા નાના મોટા રસ્તા પર પાણીના કારણે ઝાડ કે કોઈ વસ્તુ પડી હોવાના 44 કોલ મળ્યા હતા.
15 ફૂટ ઉંડો ભુવો પડતા રેસ્ક્યુ કરીને લોકોને બહાર કાઢ્યા
જમાલપુર વિસ્તારમાં રામાપીરની ચાલીમાં સાંજના સમયે એક સગીર સહિત ચાર વ્યક્તિઓ ચાલીના રોડ પર ઉભા હતા. તે સમયે અચાનક રોડ પર 15 ફૂટ ઉંડો ભુવો પડ્યો હતો. ફાયરબ્રિગેડની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભૂવામાં ફસાયેલા પ્રવિણભાઈ ચૌહાણ (ઉ.વ.30), શોભાબેન બોરાણા (ઉ.વ.42), ધવલ ચૌહાણ (ઉ.વ.12) અને રોશનીબેન ચૌહાણ (ઉ.વ.25)ને ભૂવામાં બહાર કાઢ્યા હતા. ચારેયને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જે ચાલીમાં ભુવો પડ્યો ત્યાં એક વ્યક્તિ મકાનની બહાર આવી શકે તેવી સ્થિતિ ન હોવાથી ફાયરબ્રિગેડની ટીમે તેમનુ પણ રેસ્ક્યુ કરીને ચાલીની બહાર કાઢ્યા હતા.