ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડીયન કલ્ચર વિષયમાં M.A ભણતા સેમેસ્ટર 01 અને સેમેસ્ટર 03 ના 34 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં કહેવાયું હતું કે તેઓએ વર્ષ 2024માં ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન કલ્ચર વિષયમાં એડમિશન લીધું હતું.
.
એડમિશન લેતી વખતે વર્તમાન વિષયો ઇન્ડીયન કલ્ચરના અભ્યાસની અંદર ન હતા. નવા વિષયો નવા એકેડેમિક વર્ષથી દાખલ થવા જોઈએ. મધ્ય સત્રમાં નવા વિષયો દાખલ કરી શકાય નહીં, તે UGC ના નિયમોની વિરુદ્ધ છે. વળી વિદ્યાર્થીઓએ ઇન્ડિયન કલ્ચર અભ્યાસમાં એડમિશન લીધું ત્યારે તે ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવતું હતું. તેની જગ્યાએ હવે તે ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે.
અરજદારોની રજૂઆત સાંભળીને હાઇકોર્ટે કડક વલણ અપનાવીને યુનિવર્સિટીને ખખડાવી નાખી હતી. તેમજ પરીક્ષા ઉપર સ્ટે આપી દેવાની ચીમકી યુનિવર્સિટીને આપી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે યુનિવર્સિટી નિયમો વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં.
યુનિવર્સિટીએ જવાબ આપ્યો હતો કે સેમેસ્ટર 03 ના અભ્યાસક્રમમાં કોઈ પરિવર્તન કરાયું નથી કે તેનું નામ પણ બદલાયું નથી. વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં જવાબ આપી શકે છે. યુનિવર્સિટીએ ઇન્ડિયન કલ્ચરમાં M.A.ની ડિગ્રી અંતર્ગત સેમેસ્ટર 01 અને સેમેસ્ટર 03 ની પરીક્ષાની જાહેરાત કરી દીધી હોવાથી. તેની ઉપર સ્ટે માટે અરજદારોએ અરજી કરી હતી.
હાઇકોર્ટે યુનિવર્સિટી પાસે ઇન્ડીયન કલ્ચર M.A.માં કોઈ ફેરફાર ન થયો હોવાની એફિડેવિટ માંગી હતી. જેથી યુનિવર્સિટીએ એફિડેવિટ કરી હતી કે ત્રીજા સેમેસ્ટરમાં કોઈપણ ફેરફાર થયો નથી. જેથી ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે સેમેસ્ટર 01 ની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી. હવે પહેલા સેમેસ્ટરની પરીક્ષા હાઇકોર્ટની મંજૂરી બાદ જ યોજાશે. આ મુદ્દે વધુ સુનાવણી 18 નવેમ્બરના રોજ યોજાશે.