વડોદરા નજીક આવેલા ભીમપુરા ગામની સીમમાં પરિવાર સાથે રહેતા બે માસુમ બાળકોના પિતાએ નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ગૃહકલેશથી ત્રસ્ત થઇ ગયેલા બે બાળકોના પિતાએ ગુરૂવારે પડતું મૂક્યું હતું. જેઓનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.
.
લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ કરી ભીમપુરા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની વિગત એવી છે કે, 37 વર્ષિય ગોવિંદભાઇ બળવંતસિંહ પઢીયાર ગામની સીમમાં પરિવાર સાથે રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓને સંતાનમાં બે બાળકો છે. ગુરુવારે નમતી બપોરે ગોવિંદ પઢીયારે ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુક્યું હતું. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારને ખબર પડી કે, ગોવિંદે કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇ તપાસ શરૂ કરાવી હતી.
પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો જોકે, ગોવિંદ પઢીયારનો મૃતદેહ ગુરૂવાર મોડી સાંજ સુધી મળી ન આવતા આજે સવારથી પુનઃ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ગોવિંદની પત્ની સહિત પરિવારજનો કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ગામ લોકો પણ કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. કેનાલ કિનારે પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. 10 કલાકની ભારે શોધખોળ બાદ આજે ગોવિંદ પઢીયારનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બે સંતાનોના પિતા ગોવિંદ પઢીયારે ગૃહકલેશથી ત્રસ્ત થઇ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.