દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયના તહેવાર એવા છઠ્ઠ પૂજા મહાપર્વનું હવે ગુજરાતમાં પણ મહત્વ વધ્યું છે. 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં રહેતાં ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ્ઠ
.
30 હજાર આસપાસ લોકો ઘાટ પર પૂજા કરશે શહેરમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે સાબરમતી નદીના કિનારે છઠ્ઠ પૂજા કરવા માટે ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને વિવિધ ઉત્તર ભારતીય સંગઠન દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી થતી હોય છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાંથી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. નદી પાસે આવેલા મેદાનમાં સાફ-સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આશરે 20થી 30,000 જેટલા લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા માટે આવશે.
અમદાવાદમાં 2 લાખ જેટલા લોકો છઠ્ઠ પૂજા કરશે
મુખ્યમંત્રી હાજરી આપશે, IAS-IPS અધિકારીઓ પણ જોડાશે છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના અધ્યક્ષ ડો. મહાદેવ ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છઠ્ઠ પૂજા મહાપર્વનું અનેરુ મહત્વ હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો પૂજા કરવા માટે આવશે. આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, IAS અને IPS અધિકારીઓ પણ આ પૂજામાં ભાગ લેવા માટે આવશે. 7 નવેમ્બર ના રોજ સાંજે ચાર વાગ્યાથી આ પૂજાની શરૂઆત થશે જે બીજા દિવસે વહેલી સવારે આઠ વાગ્યા સુધી ચાલશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અંદાજે 25,000થી વધારે લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા મટે આવશે.
રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરાશે શહેરના અલગ અલગ અને દૂરના વિસ્તારમાંથી પૂજા કરવા માટે આવનારા લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે લોકો સાંજે અહીંયા આવશે. તેમના માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 5,000થી વધારે લોકો માટે જમણવાર કરવામાં આવશે. પછી રાત સુધી પૂજા અને ભજન કીર્તન લોકો ત્યાં બેસીને કરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા ઘાટ ઉપર કરવામાં આવી છે.
પૂર્વાંચલ અને બિહારમાં સૌથી મોટા ઉત્સવ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા મહાપર્વનું અનેરૂ મહત્વ છે, ઉત્તર ભારતના પૂર્વાંચલ અને બિહારમાં સૌથી વધારે આ મોટા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેમ ગુજરાતમાં દિવાળીથી લઈ લાભ પાંચમ સુધી તહેવારની ઉજવણી થાય છે, તેમ ઉત્તર ભારતમાં ભાઈબીજથી લઈ છઠ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવતી હોય છે. મહિલાઓ ત્રણ દિવસ માટે ઉપવાસ રાખે છે. છેલ્લા દિવસે પાણીમાં ઊભા રહી અને ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ આપવામાં આવે છે. આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. શહેરમાં 10થી વધારે જગ્યાએ છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં લોકો રહેતા હોવાથી ત્યાં જ આયોજન કરવામાં આવ્યું છે
અમદવાદમાં અલગ અલગ જગ્યાએ છઠ્ઠ પૂજાનું આયોજન કરાશે
મેઘાણીનગરના ડમરુ સર્કલ પાસે પણ છઠ્ઠ પૂજાનું આયોજન શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ડમરુ સર્કલ પાસે આવેલા અંબિકા નગરમાં પણ છઠ્ઠ પૂજા મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને NCP કોર્પોરેટર નિકુલસિંહ તોમર તેમજ કોર્પોરેટર ઉર્મિલાબેન દ્વારા અંબિકા નગરના મેદાનમાં છઠ્ઠ પૂજા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કામિનીબેન ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઘાણીનગર, કુબેરનગર અને સૈજપુરના આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે. અંદાજે 10,000 થી વધારે લોકો આ પૂજા કરવા માટે આવશે.
ભોજપુરી ગાયક કલાકારોને પણ બોલાવાયા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રામેશ્વર સર્કલથી લઈને ડમરુ સર્કલ સુધી ડેકોરેશન કરવામાં આવશે. તેમજ ભોજપુરી ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે. મુંબઈની ગીતા દુબે અને ભોજપુરી સિંગર અમર રઘુવંશી પોતાનું પર્ફોમન્સ કરશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બાપુનગર, સૈજપુર, મેઘાણીનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પૂજા કરવા માટે આવતા હોય છે ત્યારે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી કરાય છે અમદાવાદમાં હવે ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઇને આજથી પાંચ સાત વર્ષ પહેલા માત્ર સાબરમતી નદીના કિનારે ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી કરવામાં આવતી હતી, જેના માટે ખાસ ઘાટ બનાવવામાં આવ્યો છે, પરંતુ હવે મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાથી જે તે વિસ્તારમાં જ મોટા પ્લોટમાં આયોજન કરવામાં આવે છે.
અમદાવાદમાં તૈયારી
અમરાઈવાડી તેમજ ઇસનપુર વિસ્તારમાં વિશેષ આયોજન ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર તેમજ પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા છઠ્ઠ પૂજા મહાપર્વ ઠેર ઠેર આયોજન કરાયું છે. અમરાઈવાડી સત્યમનગર વિસ્તાર તેમજ ઇસનપુર વિસ્તારમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ઉત્તર ભારતના તમામ લોકોનું આસ્થાનો પ્રતીક એટલે છઠપૂજા ધામધૂમથી ઉજવી શકાય તે માટે સરકારી સંસ્થા સાથે સંકલન કરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્યાં ક્યાં છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી થશે?
- ઇન્દિરા બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ
- મેઘાણીનગર ડમરુ સર્કલ પાસે અંબિકા નગર
- અમરાઈવાડી સત્યમનગર
- ઇસનપુર
- ચાંદખેડા
સુરતમાં છઠ્ઠ પૂજાની નદી, તળાવ અને કેનાલ કિનારે તૈયારી સુરત શહેરની અંદર પણ છઠ્ઠ પૂજા માટેની પણ તૈયારી કરવામાં આવી છે. છઠ્ઠ પૂજામાં ઉગતા સુરજ અને આથમતા સૂરજની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ભગવાન દીવાકરને પૂજા-અર્ચનાને કારણે તાપી નદીનું વિશેષ મહત્વ વધી જતું હોય છે. તાપી માતાને સૂર્યની પુત્રી માનવામાં આવે છે. આથી તાપી નદીના કિનારે પૂજા-અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તાપી નદીને ભગવાન સૂર્યનારાયણની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. આથી બિહાર અને ઝારખંડના લોકો તાપી નદીના કિનારે પૂજા કરવાનું વધુ પસંદ કરે છે. ઘણા ખરા એવા પરિવારો છે કે તેઓ પોતાના માત્ર વતન જવાને બદલે તાપી નદીના કિનારે છઠ્ઠની પૂજા સંપન્ન કરવા માટે રોકાઈ જતા હોય છે.
સુરતમાં 7 લાખ લોકો છઠ્ઠ પૂજા કરશે
કોર્પોરેશન દ્વારા મદદ કરવામાં આવી સુરત શહેરમાં બિહાર અને ઝારખંડના લાખોની સંખ્યામાં વસવાટ કરતા લોકો છઠ્ઠ સરોવર ખાતે જઈને પૂજા-અર્ચના કરતા હોય છે. તેમજ નદી કિનારે અને કેનાલ ઉપર પણ છઠ્ઠ પૂજા કરવામાં આવતી હોય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અંદાજે બે લાખ જેટલા લોકોએ પૂજા કરવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારની તૈયારી છઠ્ઠ સરોવર ખાતે કરી દેવામાં આવી છે. ડીંડોલી વિસ્તારમાં ખાસ છઠ્ઠ પૂજા માટે જ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી આને છઠ્ઠ સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ખૂબ સારી રીતે લોકો ભક્તિ ભાવપૂર્વક માતાની પૂજા-અર્ચના કરે છે. નદી અને કેનાલના કિનારા ઉપર પણ અલગ અલગ સંગઠનો દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે. જેથી કરીને લોકો સારી રીતે પૂજન કરી શકે.
તાપી નદીના કિનારે વિવિધ પ્રકારની તૈયારીઓ સુરતમાં છઠ્ઠ સરોવરને બાદ કરતાં સચિન, ભેસ્તાન, કોઝવે, સિંગલપુર, ઇસ્કોન મંદિર, ડભોલી, ઈચ્છાપુર સહિતના વિસ્તારની અંદર પૂજા-અર્ચના માટેની તૈયારી કરવામાં આવતી હોય છે. નદી કિનારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. શહેરના મધ્યમાંથી પસાર થતી તાપી નદીના કિનારે પણ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અલગ અલગ વિસ્તારના બિહાર અને ઝારખંડના સમાજના અગ્રણી દ્વારા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની મદદ લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
લાખોની સંખ્યામાં પૂજા કરી શકે તેવી વ્યવસ્થા શ્રી છઠ મહાપૂજા સમિતિના પ્રમુખ રાજેન્દ્ર ઊભા થઈએ જણાવ્યું છે કે, સુરત શહેરમાં બિહાર અને છત્તીસગઢથી સુરતને કર્મભૂમિ બનાવનાર લાખો લોકો છે. જે પોતાના વતને જઈને છઠ્ઠ પૂજાની વિધિ પૂરી કરી શકતા નથી. તેઓ સુરતમાં જ છઠ્ઠ પૂજાની તૈયારીમાં ભાગ લેતા હોય છે. અમારા દ્વારા ડીંડોલી વિસ્તારમાં છઠ્ઠ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા અહીં છઠ્ઠ પૂજા માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માત્ર આ એક જ સ્થળ ઉપર 1.5 લાખ કરતા વધારે લોકો છઠ્ઠ માતાની પૂજા અર્ચના કરે છે. આ સિવાય સુરત શહેરના તાપી નદીના કિનારે અલગ અલગ સ્થળ ઉપર છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
તાપી નદીના કિનારે સાફ-સફાઈ કરાઈ
વડોદરા હિંદી વિકાસ મંચ દ્વારા છઠ્ઠ પૂજાનું આયોજન વડોદરા નજીક ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે છેલ્લા 25 વર્ષથી વડોદરા હિંદી વિકાસ મંચ દ્વારા છઠ્ઠ પૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. આગામી તા. 7થી 8 નવેમ્બરે મહાપર્વ છઠ્ઠ નિમિતે આથમતા અને ઉગતા સૂર્યની બે દિવસીય પૂજાનું આયોજન કરાયું છે. જેમાં 35 હજારથી વધુ લોકો ભગવાન સૂર્યદેવની પૂજા કરશે. જેની છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહાપૂજાના ઉત્સવને ભોજપુરી અભિનેત્રી શુભી શર્મા અને જાણીતા ગાયક કલાકારો વધુ સંગીન બનાવશે.
શહેર-જિલ્લામાં 10 સ્થળો પર આયોજન અંદાજીત દોઢ લાખ જેટલા ઉત્તર ભારતીયો વડોદરા શહેર અને જિલ્લામાં વસવાટ કરે છે. તેમના દ્વારા છઠ્ઠના દિવસે નદી અથવા તળાવમાં પાણીમાં ઉભા રહીને આથમતા અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. વડોદરાના હિંદી વિકાસ મંચ ઉપરાંત મૈથિલ સાંસ્કૃતિક મંડલ પૂર્વાંચલ લોકહીત મંડલ, બિહાર સાંસ્કૃતિક મંડલ, સાર્વજનિક છઠ્ઠ પૂજા મંડલ, મહાછઠ મંડલ દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ 10 જેટલા સ્થળો પર છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
એક દિવસ પૂર્વેથી વ્રતીઓ દ્વારા સ્નાન-ધ્યાન પૂજા કરવામાં આવે છે વડોદરા હિંદી વિકાસ મંચના અગ્રણી જીતેન્દ્ર રાયજીએ જણાવ્યું હતું કે, છઠ્ઠ પૂજાના દિવસે નદી, તળાવના કિનારે આથમતા સૂર્ય સાથે પૂજાની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની પૂજા સાથે છઠ્ઠ પૂજા પૂર્ણ થાય છે. આ પૂજા કારતક માસની છઠ્ઠના દિવસે કરવામાં આવે છે. છઠ્ઠના એક દિવસ પૂર્વેથી વ્રતીઓ દ્વારા સ્નાન-ધ્યાન પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભાત, ચણાની દાળ, કોળાનું શાક અને આમળાની ચટણી ખાઇને વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે.
વડોદરામાં મહી નદીના કિનારે તૈયારીનો ધમધમાટ
મહી નદીના કિનારે 35 હજારથી વધુ લોકો આવશે વ્રતીઓ દ્વારા નિર્જળા ઉપવાસ કરીને પણ છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. કારતક માસની છઠ્ઠના દિવસે બે દિવસ ઉજવાનાર છઠ્ઠ પૂજામાં ફાજલપુર મહી નદીના કિનારે શહેરના 35 હજારથી વધુ લોકો આવશે. તેમના રહેવા જમવા ઉપરાંત ચ્હા-નાસ્તા, સહિતની સુવિધાનું મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પૂજા-અર્ચના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મહાપૂજાના ઉત્સવને ભોજપુરી અભિનેત્રી વધુ સંગીન બનાવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે જાણીતી ભોજપુરી અભેનેત્રી શુભી શર્મા તેમજ ગાયીકા પ્રતિમા પંડિત, ચાંદની સિંહ, સુનિલ સિંહ, અને સુનિલ સિંહ ઉત્સવને વધુ સંગીન બનાવશે. આ કાર્યક્રમનું આયોજન અનિલ યાદવ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે.