દાહોદમાં જમીનોના નકલી એન.એ હુકમો મામલે પોલીસે અલગ અલગ ચાર પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસનો દોર શરુ કરતા સીટીસર્વેના શિરસ્તેદાર અને સર્વેયરની સંડોવણી બહાર આવતા બન્ને કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે
.
દાહોદ સહિત સમગ્ર ગુજરાતમા ચકચાર મચાવનાર નકલી જમીન એન.એન. હુકમ પ્રકરણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં નકલી NA ના ઓર્ડર તેમજ નકલી 73 AA ના હુકમોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી કરી મોટાભાગના લોકોને આર્થિક નુકસાન પહોંચાડનારા આ મહા કૌભાંડમાં થોડા દિવસો પહેલા દાહોદના એ ડિવિઝન, બી ડિવીઝન અને રુરલ પોલીસ સ્ટેશનમા અલગ અલગ ચાર જેટલી ફરીયાદો દાખલ કરવામા આવી હતી. જેમાં બિલ્ડરો, જમીન માલીકો સહિત 103 જેટલા આરોપીઓના નામો ફરીયાદમા નોધવામા આવ્યા હતા, જે ફરીયાદ બાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવેલા આરોપીઓના રીમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પુછપરછ હાથ ધરતા સીટી સર્વે કચેરીના કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી.
પોલીસ તપાસમા સીટી સર્વે કચેરીના શીરસ્તેદાર અને સર્વેયર દ્વારા સરકારના નિતિનીયમો અને પ્રોસિજરનો ભંગ કરીને તેમજ સત્તા બહારના હુકમો થયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઉપરોક્ત ફરિયાદોમાં આરોપીઓના ઇન્ટ્રોગેશન તેમજ ટેકનીકલ તપાસ હાથ ધરતા સીટી સર્વે કચેરીમાં શીરસ્તેદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર.કે. પરમાર તેમજ રાહુલ ચાવડા મેન્ટેન્સ સર્વેયર દ્વારા ખોટી પ્રોસિજર તેમજ દસ્તાવેજોના આધારે ફક્ત ઓનલાઇન કરવાની સત્તા હોવા છતાં રામુ પંજાબી જોડે લિંક કરી સરકારી જમીનને એકબીજાના મેળાપીપળામાં ખાનગી વ્યક્તિના નામે કરી કરી દીધી હતી. ઉપરોક્ત બંને કર્મચારીઓ સત્તા બહાર જઈ બોગસ દસ્તાવેજોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનું સામે આવતા પોલીસે બંને કર્મચારીઓની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
સરકારી જમીન ખાનગી તરીકે બતાવનાર મળતીયો રામુ પંજાબી ફરાર દાહોદ સીટી સર્વે કચેરીના શીરસ્તેદાર અને સર્વેયરએ દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલી સર્વે નંબર 554 જે સરકારી જમીન હતી. આ સરકારી જમીનને રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી સાથે મળીને એક ખાનગી વ્યક્તિના નામે કરી નાંખીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેવન્યુ સર્વે નંબર 554 ત્રણ ભાગમાં વહેંચાયેલ છે જેમાં એક ભાગ સરકારી પડતર, એક ભાગ ખરાબો તેમજ ત્રીજો ભાગ પોસ્ટ ઓફિસના નામે ચાલે છે. ઉપરોક્ત ભેજાબાજોએ ત્રણે ભાગમાં વહેંચાયેલી આ સરકારી જમીનને ખાનગી વ્યક્તિના નામે નકલી પ્રોપર્ટીકાર્ડ બનાવી હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યું છે.
કૌભાંડી ત્રણ કર્મચારીઓને મહેસુલ વિભાગે સસ્પેન્ડ કર્યાં દાહોદના નકલી એન.એ. હુકમ પ્રકરણમા પોલીસે અલગ અલગ ચાર ફરીયાદો દાખલ કરી તપાસોના ધમધમાટ શરુ કરતા સરકારી બાબુની સંડોવણી બહાર આવી હતી, દાહોદ સીટી સર્વે કચેરીમાં શીરસ્તેદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર પરમાર, સર્વેયર રાહુલ ચાવડાને સસ્પેન્ડ કરવામા આવ્યા છે, જ્યારે અન્ય એક કર્મચારી અમિત ભાભોરને સસ્પેન્ડ કરી વલસાડ ખાતે મુકવામા આવ્યા છે.
નકલી એન.એ કૌભાંડ વિશે ડીવાયએસપીએ શું કહ્યું? નકલી એન.એ પ્રકરણની તપાસ કરતા દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં અલગ અલગ સરકારી કચેરીઓ દ્વારા જે ખોટા નકલી એન.એ. હુકમો, 73AA ના હુકમો અથવા ખોટા પ્રોપર્ટી કાર્ડ જે બન્યા છે એનો ખરા તરીકે ઉપયોગ થયો છે, એના થકી અલગ અલગ પ્રોપર્ટીઓ વેચાણ થઈ છે, આ બાબતે અલગ અલગ ચાર ગુના દાખલ થયેલ હતા, આ ગુનાઓની ઉડાણ પુર્વક તપાસ કરતા એવુ જાણયુ હતુ કે, સીટી સર્વે કચેરી માંથી પ્રોસીજરનો ભંગ કરીને સત્તા બહારના હુકમો થયેલા છે, જે અન્વયે વિગતવાર તપાસ કરતા પકડાયેલા આરોપીઓની પુછપરછ દરમ્યાન ટેકનીકલ રીતે તપાસ કરતા અમુક બાબતો સામે આવી હતી, જે બાબતોના આધારે સીટી સર્વે કચેરીમા ફરજ બજાવતા શિરસ્તેદાર દિનેશ પરમાર તથા સર્વેયર રાહુલ ચાવવાની અટકાયત કરવામા આવી છે, અને રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમા ચાલુ છે, આ બંન્ને અધિકારીઓને ફરજ મોફુક કરવામા આવ્યા છે, આ અધિકારીને માત્ર પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન કરવાની હતી, જેના બદલે ખોટા હુકમોનો આધાર બનાવી નવા પ્રોપર્ટીકાર્ડ જનરેટ કર્યા હતા, અને એ પ્રોપર્ટીકાર્ડના આધારે લોકોના વેચાણ દસ્તાવેજ બની ગયા છે, અને લોકોને પણ નુકસાન પહોંચાડ્યુ છે, પોતાની ફરજમા ના આવતી હોય તેવુ કૃત્ય કરીને સરકારની સાથે ઠગાઈ કરવામા આવી છે, આ આરોપીઓના રીમાન્ડ મેળવવવાની કાર્યવાહી ચાલુ છે, અને આ પ્રકરણની ઉડાણ પુર્વક તપાસ હાલ ચાલી રહી છે, આ અધિકારો સાથે રામુ પંજાબી મધ્યસ્થી તરીકે કામ કરતા હતા, તેનુ વોરંટ કાઢવામા આવ્યુ છે. હાલ રામુ પંજાબી ફરાર છે.