રાજકોટનાં શેર વિથ સ્માઈલ અને શ્રી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે આજે મહાશિવરાત્રીનાં પવિત્ર અવસરે 11 અનાથ દીકરીઓનાં જાજરમાન સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં પાર્ટી પ્લોટમાં આકર્ષક એન્ટ્રી ગેટ સાથે લાઈવ ઓરકેસ્ટ્રા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ હતી તેમજ દી
.
સતત ત્રીજા વર્ષે 11 દીકરીઓના સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન દરેક પરિવાર માટે લાડકવાયી દીકરીને વાજતે-ગાજતે સાસરે વળાવવી એ જ સૌથી મોટી ચિંતા હોય છે. એમાં પણ જે દીકરીના માતા-પિતા હયાત ન હોય એવી કોડભરી કન્યાઓ માટે તો આવા લગ્નો માત્ર સ્વપ્ન જ બની રહે છે. આવી અનાથ કન્યાઓને માતા-પિતાની જેમ સાસરે વળાવવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે રાજકોટમાં આવી જ એક NGO સંસ્થા શેર વીથ સ્માઇલ દ્વારા સતત ત્રીજા વર્ષે 11 દીકરીઓના સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વર-કન્યા પાસેથી પૈસા લેવામાં આવતા નથી દેવાનો દેવ મહાદેવ એટલે શંકર ભગવાન અને પાર્વતી માતાજીના લગ્ન શિવરાત્રીના દિવસે થયા હોવાથી સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે પણ મહા શિવરાત્રીના આ પાવન દિવસે સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં યોજનાર આ સમૂહલગ્નમાં વર-કન્યાને કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન, મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી ફેરા ફેરવી પ્રભુતામાં પગલાં પડાવવામાં આવ્યા હતા. આ આયોજનમાં વર-કન્યા પાસેથી એક પણ રૂપિયો કોઈ પણ નામે સ્વીકારવામાં આવ્યો નથી.
દીકરીઓને એક પણ વસ્તુનો અભાવ ન રહે તેનું ધ્યાન રખાયું શેર વીથ સ્માઇલનાં કપીલભાઇ પંડ્યાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અનાથ દીકરીના સમૂહ લગ્નના ભગીરથ સેવા કાર્યમાં મિત્ર વર્તુળ અને દાતાઓનો તન મન અને ધનથી અખૂટ સહયોગ મળી રહ્યો છે. સમૂહ લગ્નનું આયોજન નક્કી થયા પછી આ સમૂહ લગ્નમાં જીવન સંસાર શરૂ કરવા ઇચ્છુક અનાથ કન્યાઓ (માતા-પિતા બંને હયાત નથી)ને પ્રાથમિક્તા આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે 390 એન્ટ્રીઓ મળી હતી. જેના વિશે ઊંડી તપાસ કર્યા બાદ આ પૈકી 11 દીકરીઓની એન્ટ્રી સ્વીકારવામાં આવી હતી. માતા-પિતાવિહોણી દીકરીઓને એક પણ વસ્તુનો અભાવ ન રહે તે માટેનું ખાસ ધ્યાન આ સમૂહલગ્નમાં રાખવામાં આવ્યું છે.
ખાતરી કર્યા પછી યોગ્ય યુગલની એન્ટ્રી સ્વીકારવામાં આવે છે સમૂહ લગ્ન માટે અરજી કરનાર કન્યા અને તેના લગ્ન જેની સાથે થવાના છે, એ જીવનસાથી યુવકની સંપૂર્ણ બાયોડેટા લેવામાં આવે છે. ત્યારબાદ સંસ્થાના કાર્યકરો દ્વારા સતત ત્રણ મહિના સુધી દરેક યુગલ વિશે ઉંડી તપાસ કરવામાં આવે છે જેમ કે, દીકરી ખરેખર અનાથ જ છે, દીકરી પોતે અને તે જેની સાથે ફેરા ફરવાની છે એ યુવક અગાઉ પ્રેમલગ્ન, કોર્ટ મેરેજ, ગાંધર્વ લગ્ન(મંદિરમાં) તો નથી કરી લીધા ને? તેની ખાતરી કરવામાં આવે છે. (આ તપાસ એટલા માટે કરવામાં આવે છે કે, અમુક વખત પ્રેમ લગ્ન કે કરી લીધા હોય એવા યુગલ કરિયાવર માટે સમૂહ લગ્નમાં જોડાતા હોવાના કિસ્સા ભૂતકાળમાં બની ચૂકયા છે). ખાતરી કર્યા પછી યોગ્ય યુગલની એન્ટ્રી સ્વીકારવામાં આવે છે.
પૂજાપાથી લઇ પાનેતર તેમજ બ્યુટી પાર્લરનો ખર્ચ પણ આયોજકોએ કર્યો આ જાજરમાન સમૂહ લગ્નમાં દિકરીઓને કરિયાવારમાં સોનાની ચુક, ચાંદીના સાંકડા, ચાદીના તુલસીના ક્યારા, ચાદીનો સેટ અને ગાય, ઘરઘટી, વોશિંગ મશીન, સ્માર્ટ ટીવી., ફર્નીચર, ડિનર સેટ સહીત અન્ય ઘરવખરીની અંદાજીત 140થી વધુ ચીજ-વસ્તઓ આપવામાં આવી છે. એટલું જ નહીં આ લગ્નમાં પૂજાપાથી લઈને પાનેતર તથા બ્યુટીપાર્લરની સુવિધાનો ખર્ચ પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવ્યો હોવાથી અનાથ દીકરીઓને વિનામૂલ્યે તમામ વ્યવસ્થા મળી રહી છે. દીકરીઓનાં બાપ કે ભાઈ બનીને સંસ્થા દ્વારા આ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
યુગલ પાસે સ્ત્રીભૃણ હત્યા ન કરવા સહિતનાં સંકલ્પ લેવડાવાયા સંસ્થા દ્વારા લગ્નના સાત ફેરા સાથે વ્યાજ, દહેજ અને કકુ-રિવાજોને તિલાંજલી, જળ-જમીન અને જંગલ જેવી પર્યાવરણિય રાષ્ટ્રીય સંપદાનું જતન, રક્તદાન, મૃત્યુ પશ્ચાત દેહદાન અને નેત્રદાન, સ્ત્રી ભૃણ હત્યા નહીં કરવાની પ્રતિજ્ઞા, મતદાનમાં જાગૃતિ દાખવી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં નાગરિક તરીકેની ફરજ બજાવવી, વ્યસન મુક્ત જીવન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને સાર્થક કરવાના સંકલ્પો લેવડાવામાં આવ્યા હતા.
પાર્ટી પ્લોટમાં આકર્ષક એન્ટી ગેટ, ભવ્ય મંડપ-લાઇટીંગ ડેકોરેશેન, લાઈવ ઓરકેસ્ટ્રા આયોજન ભલે સમૂહ લગ્નનું છે પરંતુ અનાથ કન્યાઓને સગા મા-બાપ જે રીતે સાસરે વળાવાનું સ્વપ્ન જોયું હોય એ સ્વપ્ન સાકાર કરવા આયોજન વિશાળ પાર્ટી પ્લોટમાં કરાયું છે. જેમાં આકર્ષક એન્ટ્રી ગેટ, ભવ્ય મંડપ,લાઇટ ડેકોરેશન, લાઈવ ઓકેસ્ટ્રા, ફાયર વર્કસ, સેલ્ફી ઝોન, સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન સમારંભમાં પણ વિવિધ વાનગીઓ ધરાવતી ડીશ સાથે સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. લાભાર્થી દિકરી અને તેમના પરિજનોને લઘુતાગ્રંથીનો અનુભવ ન થાય તે માટે એક યુગલને 100 મહેમાન (બન્ને પક્ષના 50-50) માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.