દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કો
.
પી.આઈની હવાલા કિંગ સાથેની મિત્રતાની વાતો CMO સુધી પહોંચી સુરતના એક પીઆઇના હવાલા કારોબારી સાથેના સંબંધો ચર્ચાનો વિષય બન્યો છે. હવાલા કારોબારી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. બ્રાન્ચના USDT પીઆઇ તરીકે ઓળખાતા આ પી.આઈની હવાલા કિંગ સાથેની મિત્રતાની વાતો હાલ CMO સુધી પહોંચી ગઈ છે. પોલીસ બેડામાં હાલ એ પણ ચર્ચા ચાલી રહી છે કે થોડા દિવસો પહેલા જ આ પી.આઈ સાથે હવાલા કારોબારીએ એવી મિત્રતા કેળવી કે ગણવામાં પણ ખાસ્સી વાર લાગે એવી મોટી વસ્તુ આપી હતી. તેમની આ જગજાહેર મિત્રતા અને વ્યવહારો પોલીસ વિભાગમાં ખૂબ ચર્ચાઈ રહ્યા છે.
અગાઉ જ્યારે આ પીઆઇ એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અવારનવાર આ હવાલા કારોબારીની પોલીસ સ્ટેશનમાં પણ અવર જવર રહેતી હતી.આ પીઆઈ અને હવાલા કારોબારી પોલીસ વિભાગ પોતાના ખિસ્સામાં હોવાનું માની રહ્યા છે. આ પીઆઈ જે પણ શહેરમાં જાય છે ત્યાં તેમની ચકાચક ઓફિસ અને ફ્લેટને લઈ અમદાવાદના એક વ્યક્તિ દ્વારા અનેક વિભાગોમાં અરજી પણ કરવામાં આવી છે. અરજીઓમાં તેઓ ઉલ્લેખ કરે છે કે કઈ રીતે USDT પીઆઈ જ્યાં પણ બદલી લે છે ત્યાં ચકાચક ઓફિસ બનાવે છે? શું તેનો ખર્ચ સરકાર આપે છે?
પીઆઈ જ નહીં તેના ડ્રાઈવર પણ વિવાદાસ્પદ ચકાચક કોર્પોરેટ જેવી ઓફિસ માટે જાણીતા સુરત બ્રાન્ચના પીઆઈનો જ નહીં પરંતુ તેમના ડ્રાઇવરનો પણ પીઆઈ જેટલો જ આખા શહેરમાં રૂઆબ છે. વિવાદનું બીજુ નામ એવા બ્રાન્ચના આ પીઆઈએ જે રીતે પોતાના મોસ્ટ સિનિયર IPS અધિકારીના નામે પોલીસ વિભાગમાં ભયનો માહોલ ઉત્પન્ન કર્યો છે, તેના કારણે એક બાદ એક વિવાદમાં સપડાઈ રહ્યા છે. સેલ્ફ પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામના એક પેજ પર પોતે ગરીબોના મસીહા અને સુપરકોપ બતાવે છે તો ક્યારેક ઇરાદાપૂર્વક પોલીસ સ્ટેશનની તપાસ પોતાની બ્રાન્ચમાં પોતાની પાસે લઇ લે છે.
કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઇવરે નદી કિનારે ફ્લેટ કેવી રીતે લીધો? કોઈપણ બ્રાન્ચના કે પોલીસ સ્ટેશનના પીઆઈને ધારા ધોરણ મુજબ સરકારી ડ્રાઇવર આપવામાં આવે છે. પરંતુ બ્રાન્ચના આ પીઆઈનો ડ્રાઇવર કોન્ટ્રાક્ટ બેઝ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેઓ પોલીસ સ્ટેશનના પીઆઇ હતા ત્યારથી જ આ ડ્રાઇવરને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય છે. એટલું જ નહીં જ્યારે પીઆઇ રજા પર હોય ત્યારે પણ સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઇવર આંટાફેરા મારે છે. આ ડ્રાઇવર હાલ સુરત શહેરમાં ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કે કોન્ટ્રાક્ટ પરના આ ડ્રાઇવરે હાલ નદી કિનારે આવેલા એક વિસ્તારમાં ફ્લેટ કઈ રીતે લઈ લીધો? અને પોતાના ડ્રાઇવરના નવા ફ્લેટમાં તેમના બ્રાન્ચના પીઆઇને કેમ અવાર નવાર જવું પડે છે?
IPS સાથે હવાલાના ખેલાડીઓ અને એક સમયના વિદ્યાર્થી નેતા ગોઠવાયા પૈસા હોય અને સત્તા હોય ત્યાં લોકો મધમાખીની જેમ ચોંટતા દેખાય છે અને જ્યારે કોઈ ગુનેગારને આવો મોકો મળે ત્યારે તે એક ક્ષણનો પણ લાભ છોડવા તૈયાર નથી. રાજકીય પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિએ થોડા સમય પહેલા ક્રિકેટ સટ્ટામાં પોતાની કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. તે સમયે તેની સાથે એક વિદ્યાર્થી નેતા જે ઘણા આઇપીએસ અધિકારીઓના નાના મોટા કામ કરવા દોડી જાય છે, તે તેના સંપર્કમાં આવ્યા હતા. આ તકલીફને તક બનાવવાની શરૂઆત કરી.
આઇપીએસ અધિકારીઓ સાથે મિત્રતા કેળવવાના બહાને આ વિદ્યાર્થી નેતા ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલા વેપારીના પુત્ર સાથે ગોઠવાઈ ગયો. તે ધીમે ધીમે પ્રાઈમ કામ કરવા લાગ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે ક્રિકેટ હવાલાનો આ ખેલાડી ઘણીવાર જોવા મળે છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા એક બિલ્ડરના કાર્યક્રમમાં આ ગુનેગાર સાથે આઇપીએસ અધિકારીઓ હાથ મિલાવતા જોવા મળ્યા હતા. જેમાં વિદ્યાર્થી નેતા પણ દોડી દોડીને જી સર…હા સર…કરીને આગળના સમીકરણો ગોઠવી રહ્યા હતા તેવું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં હવાલા વાળો ફ્રેમમાં ગોઠવવાનો પ્રયાસ કરતો હોવાની ચર્ચા છે.
જુગાર ટુરિઝમના નામે ટપોરીએ રૂપિયા ઘર ભેગા કર્યા અમદાવાદમાં છેલ્લા થોડા સમય પહેલા એક આરોપીએ નવા વ્યવસાયમાં હાથ અજમાવવા જુગાર ટુરીઝમમાં ગોઠવાયો હતો. તેણે જુગારીઓને ગોવા લઈ જવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં લોકો એડવાન્સ પૈસા લઈ લીધા અને સ્પ્લેન્ડર લઈને આવેલી વ્યક્તિએ બધાના રૂપિયા ઉઘરાવી જુગારીઓને ગોવા મોકલ્યા. પરંતુ કોઈ હિસાબ આપ્યા વગર લોકોના કરોડોનો ખેલ ગોવાની જગ્યાએ અમદાવાદમાં થઈ ગયો હોવાની ચર્ચા છે.
જુગારની કમાણીથી રાતોરાત રૂપિયા કમાવવાની સ્કીમ શરૂ કરી શહેરના પૂર્વ વિસ્તારમાં એક ઓફિસ શરૂ થઈ છે. જેની બહાર ઇન્વેસ્ટમેન્ટના પાટિયા લાગ્યા છે .જેમાં રાતોરાત રૂપિયા કમાવ અને મોટી રકમ મેળવો તેવી લાલચ આપવાનું કાલા નામના વ્યક્તિએ શરૂ કર્યું છે. નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર રાખનાર કાલા ગોવાથી આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પણ તેણે ઇન્વેસ્ટમેન્ટનો ધંધો ચાલુ રાખ્યો છે. જેમાં આગામી સમયમાં BZ જેવી બુમ પડવાની તૈયારી છે. હાલ કાલા જેવા લોકોએ હવે જુગાર ટુરિઝમની સિન્ડિકેટ શરૂ કરીને જુગારીઓનો માલ દબાવીને પોન્ઝી સ્કીમો શરૂ કરી હોવાની ચર્ચા છે.
અમરેલી પોલીસ વિવાદમાં સાઈડ પોસ્ટિંગ વાળા ગેલમાં આવ્યા અમરેલી પોલીસ વિવાદમાં આવતા કેટલાક ગેલમાં આવી ગયા કે ડીએસપી બદલાઈ જશે અને બીજા સાઈડ પોસ્ટિંગ વાળા મહેનત શરૂ કરવા લાગ્યા છે. પાટીદાર યુવતીના સરઘસનો વિવાદ થતા સાઇડ ટ્રેક થયેલા અધિકારીને જાણે લહેર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આ ડીએસપીની બદલી થઈ જશે તેવી ચર્ચા શરૂ થઈ છે.પરંતુ વાસ્તવિક સ્થિતિ આનાથી ખૂબ દૂર છે.ક્લીન ઇમેજ ધરાવતા ડીએસપી બદલાય કે ન બદલાય પણ હાલ તો કેટલાક પોલીસ અધિકારી જિલ્લા ડીએસપી બનવા થનગનાટ કરી રહ્યા છે.
PI બૂટલેગર પ્રેમિકાને મળવા દોડી આવે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અગાઉ કામ કરીને અન્ય શહેરમાં નોકરી કરતા પીઆઈને અમદાવાદમાં નોકરી દરમિયાન એક મહિલા બૂટલેગર સાથે પ્રેમ થયો હતો. પીઆઈ જ્યારે પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતા હતા ત્યારે મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો.અત્યારે પીઆઈ અન્ય શહેરમાં ફરજ બજાવે છે છતાં તેઓ અમદાવાદમાં બૂટલેગર પ્રેમિકાને મળવા આવે છે. પીઆઈ અગાઉ પણ તેમના પ્રેમ પ્રકરણના કારણે ચર્ચામા આવી ચૂક્યા છે, ત્યારે હવે બદલી બાદ પણ તેઓ પ્રેમિકાને ભૂલ્યા નથી.
તપાસના શોખીન PIનું ફરિયાદ કરાવવા લોબિંગ અમદાવાદના છેવાડાના પોલીસ સ્ટેશનના પીઆઇને તપાસ કરવાનો ખૂબ શોખ છે.એક સંસ્થાના કૌભાંડની ફરિયાદ થઈ રહી નથી. પરંતુ પીઆઈ આ બાબતમાં ફરિયાદ થાય તેમાં વધુ રસ લઈ રહ્યા છે.પીઆઈ તેમના પરિચિત વ્યક્તિઓને આ કૌભાડમાં ફરિયાદ થાય તે માટે દબાણ કરી રહ્યા છે.જો ફરિયાદ થાય તો તપાસના નામે ખૂબ મોટું કૌભાંડ બહાર આવે અને તપાસના નામે આવક પણ થાય તે માટે પીઆઈ દ્વારા ફરિયાદ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી ફરિયાદ થઈ નથી. સરકારી સંસ્થા હોવાથી પીઆઈ વચ્ચે હસ્તક્ષેપ પણ કરી શકતા નથી તેથી અન્ય લોકોની મદદથી દબાણ કરાવી રહ્યા છે.
કેબિનમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા પોલીસકર્મીની બદલી વડોદરા શહેરના એક પોલીસ અધિકારીને મહિલા પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરવું ભારે પડી ગયું છે, વાત જાણે એમ છે કે, શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારી મહિલા પોલીસ કર્મીઓને પોતાની કેબિનમાં બોલાવીને દુર્વ્યવહાર કરતા હતા. થોડા સમય સુધી આ બધું ચાલ્યું પરંતુ, મહિલા પોલીસકર્મીઓ આ પોલીસ અધિકારીથી કંટાળી ગઈ. જેથી તેઓએ ઉપરી પોલીસ અધિકારીને આ અંગે ફરિયાદ કરી. ત્યારબાદ આ પોલીસ અધિકારી લાંબી રજા પર ઉતરી ગયા અને અને હવે તેમની બદલી થઈ ગઈ છે. જ્યાં તેમને કોઈ કેબિન નહીં મળે.
આ પોલીસ અધિકારીનો પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ત્રાસ હતો, જેથી આખો સ્ટાફ ત્રાહિમામ પોકારી ગયો હતો અને તેની ચર્ચા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં થવા લાગી હતી. હવે તેમની બદલી થઈ જતા આખા સ્ટાફને રાહત થઈ ગઈ છે.