ભારતનો ઋષિ હસે છે, એમ રામાયણમાં લખ્યું છે. આ ધાર્મિક માણસો હસે નહીં ત્યારે દેશનીયે દયા આવ ને લોકોની પણ દયા આવે! હસવું જોઈએ, ક્યારેક તો બત્રીસી દેખાવા દ્યો! છાંદોગ્ય ઉપનિષદ જો એમ કહેતું હોય કે માણસે હસવું જોઈએ, માણસ પ્રસન્નચેતા… આનંદની કિરણો ફૂટવી જોઈએ. ગરબામાં છિદ્ર હોય અને અંદર તમે દીવો મૂકો તો એની જ્યોત છિદ્રોમાંથી જાણે બહાર નીકળતી હોય, એમ માણસનું રોમ રોમ… આ એક ઘડો છે. જાણે નવરાત્રિનો એક ગરબો છે. આ શરીરને એમાં જે છિદ્રો છે રૂંવાડા એમાંથી આનંદની કિરણો ફૂટવી જોઈએ. ઉદાસીન! શોકમય! નિરંતર શોકમાં રહે એ શ્લોક કેવા બોલતા હશે!? ધર્મજગત પ્રસન્ન રહેવું જોઈએ.
તિબેટના વાસીઓએ એક નવા બુદ્ધ ઊભા કર્યા અને એનું નામ છે, લાફિંગ બુદ્ધા. બુદ્ધને હસાવ્યા. બુદ્ધની મૂર્તિઓ કેટલી કેટલી મોટી! અમે જોયું તિબેટમાં અને લાસામાં ને કેટલી કેટલી મોટી લાફિંગ બુદ્ધા!
કોઈ એકાદ વ્યક્તિના સ્વભાવમાં આવું ન હોય તો એ અપવાદ છે. બાકી ધર્મજગતે હસતાં રહેવું જોઈએ. ખાલી આમ ને એમ શોકમાં બેસી રહેવું! રોજ ખરખરાની ટપાલ આવે છે? શું છે આ? માણસને શું થઈ ગયું છે એ ખબર નથી? હસે નહિ એમાંથી પછી… અમુક રીતનાં માણસો જન્મે! નામ નથી લેતો. હસો, પ્રસન્ન રહો ને?
હાલે ગમ ઉનકો સુના તે જાઈએ,
શર્ત ઇતની કિ, બસ મુસ્કુરાતે જાઈએ.
ફરી એક વખત દુષ્યંતકુમારનો શે’ર બોલું કે-
મરના લગા રહેગા, જરા જી તો લીજિયે.
મરવાનું તો છે જ- ‘મરના લગા રહેગા’ ગમે તેવો હોય મરવાનું તો છે જ. ‘જરા જી તો લીજિયે.’
ઇતની ભી પરહેજ ક્યા? થોડી સી તો પીજિયે.
પણ ઓલી નહિ! બે ઘૂંટડા ચાય પી લ્યો, ઈ ચા! ઓલું નહિ અથવા તો-
ધન્યાસ્તે કૃતિનઃ પિબન્તિ સતતમ્ !
શ્રી રામનામામૃતં… તવ કથામૃતં તપ્ત જીવનં | – એ પીવો.
‘મરના તો લગા રહેગા’ મરી જાવું! મરી જાવું! અને ઘરમાં જે ધમકી આપે ને મરી જાઉં… મરી જાઉં… ઈ મરવાનો નથી! તમારા કરતાં દીર્ઘાયુ રેવાનો! મરવું હોય એ તો ફડાકો ન કરી નાખે! હું મરી જઈશ ને હું મરી જઈશ… ને એનાથી બહુ, બધું ધ્યાન રાખવું… પણ બહુ, બહુ ભરોસો ન કરવો!
ધર્મ હસતો હોય, મીરાંને કૃષ્ણવિયોગ બહુ છે, પણ શોક નથી, શોક નથી. આંસુ ઓછાં પાડ્યાં છે? દ્વારિકાનો દરિયો તો એનાં આંસુડાંનો જ છે! બીજે બધેય દરિયા હોય તે મારો રામ જાણે, પણ દ્વારિકાનો જે દરિયો છે એ તો મેવાડી મીરાંના આંસુડાંનો દરિયો છે.
ટૂંકમાં, મારે કહેવું છે બાપ! ઓછું નથી રડ્યા મીરાં! છતાંય એના જીવનમાં નૃત્ય છે. એના જીવનમાં મુસ્કુરાહટ છે,પ્રસન્નચેતા છે! ધર્મજગત હસતું રહેવું જોઈએ. ધર્મ તો ખીલેલું કમળ છે, મુસ્કુરાતું કમળફૂલ છે. ધર્મ એટલા માટે હું બોલ્યા કરું છું, ધર્મજગત હસે, પ્રસન્ન રહે. મોઢું ચડાવીને… કોઈ અપવાદ હોય…! એની પ્રકૃત્તિ એવી હોય એ વાત જુદી છે, એની આપણે આલોચના પણ ન કરીએ. પણ જ્ઞાન માણસને આટલો બધી ગંભીર બનાવી દે, એ બરાબર નથી લાગતું.
ગીતા જેવું જ્ઞાન કોણ આપે? પણ ભગવાન કૃષ્ણ હસતા હોય! પ્રાસન્ય એનું તૂટ્યું નથી. હસતો જાય. આ એમાં રહીને નહીંતર, ગીતા જેવું જ્ઞાન છે ક્યાંય? આનાથી વધારે શું પછી હોય જ્ઞાન? પ્રસન્ન મુસ્કુરાહટ.
આદમી ભૂલી ગયો બધું! બસ. એમાંય ધર્મજગતમાં ને… એમાંય અધ્યાત્મજગતમાં જાવ ત્યાં તો વળી સાવ… વ્યાકુળ થઈ જાવ! આ શું છે? શ્રીમદ્ મહાપ્રભુજી, વલ્લભાચાર્ય ભગવાન… અષ્ટસખાઓયે કેવાં સુંદર રસિક પદો ગાયા! રસની સૃષ્ટિ કરી. એના શૃંગાર માં તમે ફૂલોનો… ઠાકોરજીને અર્પણ કરવાની સામગ્રી… આ બધામાં એક રસિકતા છે. આ બધામાં એક પ્રસન્નતા છે. ઉદાસીનતા નથી. ઠાકોરજીનો શૃંગાર. કોઈ ભગવાનને બહુ શૃંગાર કરે એનો અર્થ એમ છે… કે એનામાંયે રસિકપણું પડ્યું છે, એનામાંયે પ્રસન્નતા પડી છે એનામાંય ભાવ પડ્યો છે.
કોઈ પણ માણસનું હસવું અને રડવું એ બેય બહુ સુંદર હોય છે. જો આંખ હોય તો! જ્યારે ઈ રડતો હોય કો’કને યાદ કરીને ત્યારે બહુ સરસ લાગે. ભલે સાંસારિક હેતુથી રડતો હોય. પણ કો’ક એવી વ્યક્તિ જતી રહી હોય… ને પછી એકલો એકલો ઘરના ખૂણામાં બેસીને રડતો હોય ત્યારે આદમી બહુ રૂડો લાગે! અને એમાંય હરિના વિરહમાં રડતો હોય ત્યારે તો? આંસુડાં અલંકાર બને બાપ! આંસુડાંની સેરોની આમ આખી માળાઓ થઈ જાય અને માણસ મુસ્કુરાતો હોય! આ તો આપેલાં ઈશ્વરનાં વરદાનો છે કેમ એનો ઉપયોગ કરતાં નથી? આ આપણને જન્મસિદ્ધ મળેલા અધિકારનો લોકો સમયસર ઉપયોગ કરતાં નથી. મોઢાં ચડાવીને બેઠાં છે દુનિયામાં.
મારી વ્યાસપીઠ ઈચ્છે છે મારો દેશ મુસ્કુરાતો હોય, મારો દેશ ગાતો હોય અને એનો સંદેશ પાડોશીઓ લ્યે, એ પણ હસે, એ પણ ગાય. એના પાડોશીઓ પણ સંદેશો લ્યે. એ પણ ગાય… એ પણ હસે અને આ મુસ્કુરાહટનો મહિમા પૃથ્વીને ઘેરી વળે. એક નવું ગુરુત્વાકર્ષણ ઊભું થાય કે, મુસ્કુરાહટ આપણને પકડે, ગીત આપણને પકડે. આવી એક નવી ધરતીની માનવજગતને જરૂરત છે.