Updated: Dec 30th, 2023
– ઠેર ઠેર દબાણો છતાં પાલિકા તંત્રનું મૌન
– બજારમાં ગેરકાયદે લારીઓ, કેબિનો, દુકાનો પાસેથી મસમોટા ભાડા વસૂલાતા હોવાની ચર્ચા
હળવદ : હળવદ પાલિકામાં સરા ચોકડીથી લઈને મેઈન રોડ, સોસા વિસ્તારમાં તેમજ હાઈવે ઉપર દબાણકારો દ્વારા સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે પાલિકા તંત્ર તેની સામે મૌન સેવી રહ્યું હતું. ત્યારે હળવદ પોલીસ દ્વારા પાલિકામાં ગેરકાયદે દબાણ હટાવીને દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરા ચોકડીથી લઈને મેઈન રોડ, સોસાયટી વિસ્તારમાં, હાઈવે રોડ પર સરકારી જગ્યા પર ઠેર ઠેર જગ્યાએ દબાણકર્તાઓએ ગેરકાયદે દબાણ કરી દીધા હતા. જે બાબતે પાલિકા તંત્રએ મૌમ ધારણ કર્યું છે. તો કેટલીક જગ્યાએ રેસિડેન્શીયલ પ્લોટમાં કોમશયલ દુકાનો ઉભી કરી દેવામાં આવી રહી છે.
તેમજ સરા ચોકડી ખાતે આવેલી સીટી સ્કેન વાળી શેરી પાસે દબાણ કરાતા હોસ્પિટલે જતા-આવકા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હળવદ પોલીસ દ્વારા શનિવારે સવારે ૧૧ કલાકે ગેરકાયદેસર દબાણો દૂર કરી દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ બજારમાં ગેરકાયદે લારીઓ, કેબિનો, દુકાનો પાસેથી મોટા ભાડાં વસૂલાતા હોવાના આક્ષેપો સાથે લોકોનો ગણગણાટ શરૃ થયો છે.