દિવસ દરમિયાન તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જશે
.
હજુ 2 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. તેમજ દિવસ દરમિયાન તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આ 2 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે તથા તેમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. જે આગામી દિવસમાં તાપમાન યથાવત્ રાખશે આ ઉપરાંત તેમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.
હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે મુલાકાત કરી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ પ્રથમ રાજકોટ સાયબર ક્રાઇમ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા સાયબર સેન્ટિનલ્સ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને પછી ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સીધા જ રાજકોટની દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા અને વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવાના વિવાદ સાથે જોડાયેલા ફરિયાદી અને વેપારીઓ સાથે મુલાકાત કરીને પોલીસ તમારી સાથે છે, ચિંતા ન કરશો એવું આશ્વાસન આપ્યું હતું. આ સમયે હર્ષ સંઘવી પહોંચતા વેપારીઓએ જયશ્રી રામ અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.
CMએ રાજકોટમાં કરી કન્વેન્શન સેન્ટરની જાહેરાત
રાજકોટમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. તો આંતરરાષ્ટ્રીય કક્ષાના 150 કલાકારોના ‘ખેલ ખેલ મે’નું ડાન્સ પર્ફોર્મન્સનું પણ 15 મિનિટનું સ્પેશિયલ સ્ક્રિનિંગ દેખાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા, શાળા અને મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ જિલ્લો સુરત તો શ્રેષ્ઠ શાળા પણ સુરતની છે. જ્યારે ખેડા મહાપાલિકા મોખરે રહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો અને બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ દરમિયાન CMએ કન્વેન્શન સેન્ટરને લઇને મોટી જાહેરાત કરી હતી.
સુરતમાં ફરી માસૂમ બાળાઓ સાથે અડપલાં
સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બે બાળકીઓ સાથે અડપલાં કરનાર આરોપી તેમના જ સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓનો ઓળખીતો હતો.
SOUની જંગલ સફારીમાં જંગલી દીપડો ઘૂસ્યો
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રહેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. વ્હેલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની એક ઘટના બની હતી. ડિરેક્ટરના જણાવ્યા અનુસાર દીપડાએ એક કાળિયાર હરણનું મારણ કર્યું હતું અને બીજા અન્ય પાંચ હરણ ફફડીને મરી ગયા હતા.
ગેંગરેપના આરોપી હુસેન શેખના દબાણો પર બુલડોઝર ફર્યુ
જામનગરમાં સામૂહિક દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલા અને હાલ જેલમાં રહેલા કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે વધુ ગાળીયો કસ્યો છે અને વધુ ચાર ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું હતું, તેના ચાર મકાન પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં રૂ. 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ડ્રગ્સ કેસમાં અનોખી શરત સાથે આરોપીને જામીન
અમદાવાદ સિટી, સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીને અનોખી શરતો સાથે જામીન આપ્યાં છે. કોર્ટે આરોપીને શરતી જામીન આપતા આદેશ કર્યો કે, તેના તમામ ઓળખપત્રોની ખરી નકલ તેને કોર્ટમાં જમા કરાવી પડશે. ડ્રગ્સના નશાની ગંભીરતા બાબતે અને NDPS કેસમાં 20 વર્ષની સજા તેમજ 2 લાખના દંડ સુધીની જોગવાઈ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવી પડશે. તે યુવાનો અને કિશોરોની સહી મેળવીને કોર્ટમાં 60 દિવસમાં લિસ્ટ રજૂ કરશે. પરંતુ જો તે તેમ કરવામાં નિષ્ફળ નીવડે તો તેના જામીન રદ્દ નહીં થાય. જણાવી દઈએ કે, આરોપી પાસેથી 3.6 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી તેની સામે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.