ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. રાજ્ય પર આવતા પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂકાતા રાજ્યના વિવિધ જિલ્લાન
.
ત્રણ દિવસ ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, 5 જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. એટલે કે, જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે. જેને પગલે છેલ્લા 24 કલાકથી જ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે. મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 24 જ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવ્યો છે. ગત રાત્રિથી જ ગુજરાતમાં તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થયો હતો. હજુ પણ આગામી દિવસોમાં આ વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થશે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી, પરંતુ હવે ફરી એક વખત સ્વેટર અને ધાબળા કાઢવા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે. કારણ કે, ફરી એક વખત હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે.
બર્ફીલા પવનો ફૂકાતા દક્ષિણ ગુજરાતમાં ઠંડુગાર છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના તરફથી ફૂંકાતા બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં રવિવારે દિવસના તાપમાનમાં એક જ દિવસમાં 5.6 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો હતો, જેને પગલે બપોરે ગરમીનું મહદઅંશે જોર ઘટી ગયું હતું. આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં રાત્રિનું તાપમાન 3થી 5 ડિગ્રી સુધી ગગડી 13 ડિગ્રી થવાની આગાહી કરવામાં આવી છે. લઘુતમ તાપમાન 13થી 15 ડિગ્રી સુધી જઈ શકે છે. કડકડતી ઠંડીના રાઉન્ડને પગલે ફરી સુરતીઓ ઠુઠવાયા છે.
સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 5.6 ડિગ્રીનો ઘટાડો આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 5.6 ડિગ્રીનો ઘટાડો અને લઘુતમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 72 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. આ સાથે જ ઉત્તર દિશાથી 6 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા.
આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.
સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને રાજકોટમાં ફક્ત 24 જ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું. ગત રાત્રિ દરમિયાન રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તદુપરાંત અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.