જામનગર શહેરના મધ્ય વિસ્તાર આણંદાબાવા ચકલામાં આજે સવારે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. આ ભંગાણને કારણે હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું. ભર ઉનાળે વરસાદી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
.
મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગની પાઇપલાઇનમાં અચાનક લીકેજ થતાં રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું. વિભાગને જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. પાણીનો પુરવઠો બંધ કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી.
આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને વૃદ્ધ નાગરિકોને પાણીભર્યા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી. વાહનચાલકોને પણ પાણીભર્યા માર્ગ પર વાહન ચલાવવામાં તકલીફ પડી.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પાણીનો બગાડ અટકાવવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
