વડોદરાઃ અગ્નિશમન દિને જ શહેરમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું.એક તરફ ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિ શમન દિવસ નિમિત્તે ફાયર સેફ્ટી અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા તો બીજીતરફ આગના એક પછી એક ત્રણ બનાવ બનતાં ફાયર બ્રિગેડની ટીમો સતત દોડતી રહી હતી.આ પૈકી ડભોઇરોડ પર લક્કડ પીઠામાં લાગેલી આગના બનાવને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે,નમતી બપોરે ફરસાણના યુનિટમાં લાગેલી આગને કારણે આસપાસના દુકાનદારો તેમજ રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.તરસાલીમાં ડમ્પરમાં પણ આગનો બનાવ બન્યો હતો.સારાનશીબે આગના ત્રણેય બનાવોમાં કોઇ જાનહાનિ થઇ નથી.
ડભોઇરોડ પર મધરાતે આગમાં લાકડાના ત્રણ ગોડાઉન ખાક,શેડ તોડવો પડયો
ડભોઇરોડ પર મહાનગર પાસે ગઇ મધરાત બાદ ત્રણેક વાગ્યાના અરસામાં લક્કડ પીઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઇ કારણસર આગ લાગી હતી.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ વિકરાળ આગ આસપાસના બે થી ત્રણ કિમી વિસ્તારમાં જોઇ શકાય તેવી બિહામણી હતી.આગમાં એક પછી એક ત્રણ ગોડાઉન લપેટાયા હતા.
આગનું તાંડવ જોતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.ઉપરોક્ત સ્થળે જેસીબીથી શેડ પણ તોડવો પડયો હતો. લગભગ એક ડઝન જેટલા ફાયર એન્જિનો સાથે ટીમો ઉતારીને પાંચ કલાકે આગ કાબૂમાં લીધી હતી.
તરસાલીમાં કોર્પોરેશનના પ્લાન્ટમાં જતા ડમ્પરમાં આગ
તરસાલી બાયપાસ પાસે આજે બપોરે કોર્પોરેશનના કમ્પોઝ પ્લાન્ટનું મટિરિયલ લેવા જઇ રહેલા ડમ્પરમાંથી એકાએક ધુમાડા નીકળતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી એક બાજુએ ડમ્પર પાર્ક કરી ઉતરી ગયો હતો.થોડી જ વારમાં ડમ્પરનો આગળનો ભાગ આગમાં લપેટાઇ જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.મકરપુરા ફાયર સ્ટેશનની ટીમે આગ કાબૂમાં લીધી હતી.
સુભાનપુરામાં ફરસાણ બનાવતા યુનિટમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ સાથે આગ
સુભાનપુરામાં નમતી બપોરે ફરસાણ બનાવતી એક મિનિ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.
ન્યુ આઇપીસીએલ રોડ પર સીતારામ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુરલીધર ફરસાણ નામના જુદાજુદા ફરસાણ બનાવતા યુનિટના રસોડામાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સિલિન્ડરના ટુકડા થઇ ગયા હતા અને આખું યુનિટ આગમાં લપેટાઇ ગયું હતું.દિવાલનો ભાગ પણ તૂટી ગયો હતો તેમજ વાસણો પણ વળી ગયા હતા.લગભગ એક કિમી વિસ્તારમાં ધડાકો સંભળાયો હોવાનું કહેવાય છે.
સારાનશીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ એક કલાકમાં આગ કાબૂમાં લીધી હતી.જ્યારે પોલીસે પણ બનાવની તપાસ હાથ ધરી છે.
લાલચોળ સિલિન્ડરને જોતાં જ ફાયરમેને બૂમ પાડી અને 20 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયો
સુભાનપુરાના સિલિન્ડર બ્લાસ્ટના બનાવમાં ફાયર બ્રિગેડના જવાનની સતર્કતાને કારણે મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.
આગનો કોલ મળતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પાણીનો છંટકાવ માટે તૈયારી કરી હતી.આ વખતે દુકાનની નજીક જઇ ૩૦ થી ૪૦ જેટલા લોકો મોબાઇલથી વીડિયો ઉતારી રહ્યા હતા.
પાણીનો છંટકાવ શરૃ થાય ત્યાં જ વડીવાડી ફાયર સ્ટેશનના સરજમાદાર ધર્મેશ જાદવે લાલચોળ થઇ ગયેલો સિલિન્ડર જોતાં તેણે ભાગો..ની બૂમ પાડી હતી.જેથી ફાયરના જવાનો અને લોકો ભાગ્યા હતા.ત્યારબાદ માંડ ૨૦ સેકન્ડમાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.